ભગિની પ્રેમના કાવ્યો લખનાર ચં.ચી. મહેતા ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં ચં.ચી.મહેતાની૧૧૮મી જન્મજ્યંતી ઉજવાઇ
ચં.ચી.મહેતાની ૧૧૮મી જન્મજ્યંતી નિમિત્તે આયોજિત વકતવ્યમાં તેમને આપેલા પ્રદાનની વાત કરતા ધીરૃબહેન પટેલે કહ્યું કે, ચંદ્રવદન ચી.મહેતા ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમના કાવ્યોને લીધે અમારા જમાનામાં ખૂબ જ પ્રસિધ્ધ થયેલા આપણા સન્માનીય લેખક પાછળથી ભલે એમણે નાટયકાર તરીકેની પ્રસિધ્ધિ મેળવી હતી પરંતુ શરૃઆત તો ઇલા કાવ્યોથી જ કરેલી અને ઘણાં બધાં ઘરોમાં દીકરીઓના નામ 'ઇલા'પાડયા હતા.
આ કાર્યક્રમમાં મહેશ ચંપકલાલ શાહે કહ્યું કે, મહેતાસાહેબ જ્યારે ૭૫ વર્ષના થયા ત્યારે મુંબઇની વિખ્યાત નાટય સંસ્થા 'ઇન્ડિયન નેશનલ સંસ્થા' એ ૧૯૭૬મા એમનું જાહેર સન્માન કર્યું હતું તે સમયે ચંદ્રવદન મહેતાએ પોતે જીવનમાં શું ભૂલો કરી છે અને પોતાના નાટકો, કવિતાઓ કેમ શ્રેષ્ઠ નથી? એની ચર્ચા કરવા આત્મખોજ કરવાનું કામ કર્યું હતું. મહેતાસાહેબના જીવનના પાછલા દિવસોમાં જાત વિશે મનોમંથન કરતા હતા એનો આ જીવતો પૂરાવો છે. ચંદ્રવદન મહેતાએ વડોદરામાં આવેલી એમ.એસ.યુનિ.માં નાટય વિભાગની ૧૯૫૧મા સ્થાપના કરેલી જે દેશનો સૌથી જૂનો નાટયવિભાગ છે.
આ કાર્યક્રમમાં કુમારપાળ દેસાઇએ કહ્યું કે, ચંદ્રવદન મહેતાએ નાટક અને રંગભૂમિને પરસ્પર નજીક લાવીને મૂક્યા અને જૂની ધંધાદારી રંગભૂમિ સામે એમણે વાસ્તવિક દ્રશ્યો અને સાહિત્યિક સુગંધવાળા નાટયપ્રયોગો આપ્યા હતાં. ભગિની પ્રેમના કાવ્યો લખનાર તરીકે ચંદ્રવદન ચી. મહેતા ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત સામાજિક, પૌરાણિક, ઐતિહાસિક, નાટકો, કૉમેડી, રૃપક જેવા અનેક સ્વરૃપ અને શૈલીના નાટકો આપ્યા છે.