શ્રી શાંતિસુરી રચિત જીવ વિચાર સૂત્રની વાણી સમજવાથી 'સ્વ' અને 'પર'નું કલ્યાણ થાય છે
અમદાવાદ મેડીકલ હોલ ખાતે આયોજિત પર્યુષણ મહાપર્વની ૯૧મી વ્યાખ્યાનમાળાનું આયોજન
પર્યુષણ મહાપર્વની ૯૧મી વ્યાખ્યાનમાળાના છઠ્ઠા દિવસે ડૉ. છાયાબેન શાહે કહ્યું કે, શ્રી શાંતિસુરી રચિત જીવ વિચાર સૂત્રની વાણી સમજતી વખતે ઘણો લાભ થાય છે. 'સ્વ' અને 'પર' બન્નેનું કલ્યાણ થાય છે. આ વિષય ઊંડાણથી જાણવાથી દરેક જીવો પ્રત્યે હૃદયમાં કરુણા ઉપજે છે, પ્રેમ ઉપજે છે અને બધાજ જીવો મારા છે અને હું બધાજ જીવોનું છું એવી ભાવના હૃદયમાંથી છલકાય છે. વર્તમાન અનેક સમસ્યાઓનું નિરાકરણ પણ તેમાં સમાયેલું છે.
અરિહંત પરમાત્માએ આપેલી આ વાણી ખરેખર અદ્ભુત છે, વિચારવા લાયક છે અને આચરણમાં મુકવા લાયક છે. ઇતિહાસકાર ડૉ.રીઝવાન કાદરીએ કહ્યું કે, દરેક વ્યક્તિએ મહાત્મા ગાંધીજીની આત્મકથામાંથી અહિંસાનું જ્ઞાાન મેળવવા જેવું છે. ગાંધીજી પર પણ જૈન ધર્મનો ખૂબ ઊંડો પ્રભાવ પડેલો કારણ કે, ગાંધીજીના માતા-પિતા રાજકોટમાં રહેતા ત્યારે ત્યાં જૈન અને બીજા ધર્મના સાધુ-સંત આવતા હતા. તેથી નાની ઉંમરથી તેમના પર જૈનધર્મના ગુણોનો પ્રભાવ હતો. ગાંધીજી જ્યારે પણ મુશ્કેલીમાં મૂકાતા ત્યારે ત્યારે તેઓ શ્રીમદ્રાજચંદ્રને ટપાલ લખતા અને સામેના જવાબથી તેમની તમામ મુશ્કેલીઓ હલ થઇ જતી હતી.