Get The App

કોરોના મહામારીના સંક્રમણ ઘટાડો થાય તે માટે નવા સામાજિક-રીતરિવાજોની બંધારણ પત્રિકા તૈયાર કરી

સમગ્ર ગુજરાતના રબારી સમાજ દ્વારા સોશિયલ મીડિયાની મદદથી એક અભિયાનની શરૂઆત

Updated: Jul 2nd, 2020

GS TEAM

Google News
Google News
કોરોના મહામારીના સંક્રમણ ઘટાડો થાય તે માટે નવા સામાજિક-રીતરિવાજોની બંધારણ પત્રિકા તૈયાર કરી 1 - image

 કોરોના મહામારીએ વિશ્વના બધા જ દેશમાં પોતાનો કોળોકેર વર્તાવ્યો છે. સરકાર દ્વારા અનલોક-૧ના સમયમાં મળેલી છૂટછાટથી શહેરમાં અને ગામડાંઓમાં કોરોના સંક્રમતિ સંખ્યામાં પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આવા કોરોના મહામારીના સંકટ સમયમાં વધુ લોકો સંક્રમિત થાય નહીં તે હેતુથી અમદાવાદ, ઉત્તર ગુજરાત, ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ બીજા શહેરમાં રહેતા સમગ્ર રબારી સમાજ દ્વારા પોતાના સમાજ માટે એક નવી બંધારણ પત્રિકા તૈયાર કરીને પોતાના સમાજના લોકોને કોરોના મહામારીથી બચાવવા માટે એક અભિયાનની શરૂઆત કરી છે અને તેનો સારો પ્રતિસાદ પણ સમાજના સભ્યો દ્વારા મળી રહ્યો છે.આ વિશે વાસણામાં રહેતા રબારી સમાજના સભ્ય અમથા દેસાઇએ કહ્યું કે, અમારા સમાજના કોરોના મહામારીનું સંક્રમણમાં વધારો થઇ રહ્યો હતો. આ સંક્રમણને અટકાવવા માટે ગુજરાતમાં રહેતા તમામ રબારી સમાજના સભ્ય માટે એક નવી બંધારણ પત્રિકા તૈયાર કરીને સમાજના તેમજ દરેક ગામના વ્હોટસપગૃપ અને ફેસબૂક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી છેવાડાના વ્યકિત સુધી પહોંચે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ નવી બંધારણ પત્રિકામાં દર્શાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી કોરોના મહામારી બંધ થાય નહીં ત્યાં સુધી રબારી સમાજના ગામમાં કોઇ શુભ-અશુભ પ્રસંગ કરવો નહીં તેમજ એક ગામથી બીજે ગામ લગ્ન પ્રસંગમા ન જવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ કોઇ અનિવાર્ય સંજોગોમાં કોઇ પ્રસંગ કરવાનો થાય તો ઘર પરિવાર કે વધુમાં વધુ કુટુંબના મર્યાદિત સભ્યો દ્વારા સોશિયલ ડિસ્ટનિંગ અને ફરજિયાત માસ્ક પહેરીને કરવાનો રહેશે. તેમજ સમાજના કોઇ બિમાર સગા-સબંધીઓની ખબર કાઢવા જવાને બદલે તેમને ફોન પર વાત કરવી જોઇએ. દરેક વ્યકિત નવી બંધારણ પત્રિકાનો ચુસ્ત અમલ કરીને સમાજને કોરોના મહામારીમાંથી બહાર લાવવામાં યથાયોગ્ય મદદ કરવાની સૂચના આપવામાં આવી છે. 

કોરાના મહામારીનો સામનો દરેક વ્યકિતએ સાથે મળીને કરવો જોઇએ

કોરોના મહામારીના સંક્રમણ ઘટાડો થાય તે માટે નવા સામાજિક-રીતરિવાજોની બંધારણ પત્રિકા તૈયાર કરી 2 - imageકોરોના મહામારીમાં ઘણા પરિવારના મોભી વ્યકિતના મૃત્યુ થયા છે. કોરોનામાં વ્યકિતના જીવનમાં ઘણો ફેરફાર થયો છે. નવી બંધારણ પત્રિકાને લીધે સમાજમાં રહેલા ઘણા જૂના રીત-રિવાજોમાં આશિંક પ્રતિબંધ આવ્યો છે. કોરોના મહામારીમાં દરેક વ્યકિતની સાથે પરિવારના લોકોએ પોતાના સમાજની સતત ચિંતા કરીને સમાજમાં ઝડપથી કોરોનામુક્ત બને તે માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રબારી સમાજના લોકો સારા નિર્ણયનું ચુસ્તપણ પાલન કરવાના નિર્ધાર સાથેનોે સારો આવકાર આપ્યો છે.- લાલજીભાઇ દેસાઇ, સમાજ સભ્ય


Tags :