લક્ષ્મીવર્ધક જૈન સંઘ પાલડીના 30 તપસ્વીના સળંગ 13 મહિના સુધી વર્ષીતપની ઉપાસના
પર્યુષણ મહાપર્વ અમદાવાદ રાજનગરના તપસ્વીઓએ અઠ્ઠાઇ, માસક્ષમણ, સિદ્ધિ તપ, મહામૃત્યુંજય તપની ઉગ્ર તપસ્યા કરી હતી. પરંતુ પાલડી વિસ્તારમાં શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘમાં ગચ્છાધિપતિ શ્રીમદ વિજય આચાર્ય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સમૂહ પરચખ્ખાણ લેવાયા છે. ૩૦ તપસ્વીએ ૧૩ મહિના અને ૧૩ દિવસના વર્ષીતપની આરાધના કરી રહ્યા છે.
ઘણા લોકો વર્ષીતપ સળંગ બે-ચાર પાંચ વર્ષ સુધી કરે છે. આ તપ ફાગણ વદ સાતમથી શરૃ થાય છે અને અખાત્રીજે પૂર્ણ થાય છે. જેમને વર્ષીતપ બીજા વર્ષે પણ કરવું હોય તે પારણાં કર્યા વગર આગળ ઉપવાસ ચાલુ રાખે છે. આ તપમાં એક દિવસ ઉકાળેલું પાણી અને બીજા દિવસે એક જ જગ્યા પર બેસીને બે ટાઇમ જમવાનું હોય છે. સવારે ૧૦થી સૂર્યાસ્ત સુધીમાં જમી લેવાનું અને પાણી પણ એ સમય દરમિયાન જ પીવાનું. એ પહેલાં એટલે કે ૧૦ વાગ્યા પહેલાં અને સૂર્યાસ્ત પછી ઉકાળેલું પાણી પીવામાં આવતું નથી.
આ સંઘમાં ૩૦ વર્ષથી શરૃ કરી ૭૦ વર્ષના સુરેખાબહેન ઉપાસના કરી રહ્યા છે. જે તપસ્વીઓ વર્ષીતપ કરી રહ્યા છે તેમને સવારે બિયાસણાં ગૌરવભાઇ શાહ કરાવે છે. તેમણે આખા વર્ષીતપના પારણાં સાથેનો લાભ લીધો છે.
ઉપવાસ દરમિયાન બીપીની દવા લેતી નથી, ૭૦ વર્ષે પણ હું ફિટ છું
'મને બીપીની સમસ્યા છે. તેથી રોજ બીપીની દવા લેવી પડે છે પરંતુ ઉપવાસ કરીએ ત્યારે અમે આ પ્રકારની કોઇ દવા લઇ શકીએ નહીં. હું અત્યારે વર્ષીતપ કરું છું એટલે એક દિવસ દવા લઉં છું ઉપવાસના દિવસે લેતી નથી. મને હજુ સુધી કોઇપણ જાતની તકલીફ થઇ નથી.' - સુરેખાબહેન શાહ, ૭૦ વર્ષ
ઉપવાસ કરવાથી હેલ્થ સારી રહે છે એવું સાયન્સ પણ કહે છે
'સતત ઉપવાસ કરવાથી જઠર સંકોચાઇ જાય છે. તેથી પારણા કર્યા બાદ તરત જમવાનું શરૃ કરવામાં આવતું નથી. એક-બે દિવસ મગનું પાણી, ગોળના પાણી પર રહેવાનું હોય છે એ પછી દાળ-ભાત, ખીચડી જેવો હળવો ખોરાક અને ત્યારબાદ એકાદ રોટલીથી જમવાનું શરૃ કરવામાં આવે છે.' - ફેનલ શાહ, તપસ્વી