તમારી અંગત માહિતી મેળવવા સોશિયલ સાઇટ્સ દ્વારા નવતર પ્રયોગો કરાય છે
એલ.ડી. કોલેજ ખાતે હેકર્સ મીટનું આયોજન કરાયુ હતું
એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે હેકર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેટમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટના ઉપયોગથી લોકો ઘણી વખત પ્રાઇવસી જગ જાહેર કરતા હોય છે. જેનો ફાયદો મોટી કંપનીઓને મળે છે. તેના વિશે વાત કરાઇ હતી. સાઇબર એક્સપર્ટ વિરલ પરમારે કહ્યું કે, લોકોની અંગત માહિતી મેળવવા માટે મોટી કંપનીઓ દ્વારા ઇન્ટરનેટ પર નવા અખતરા કરવામાં આવતા હોય છે. જેનો ભોગ મોટાભાગે લોકો બનતા હોય છે. હાલમાં જ એક સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા લોકોના ચહેરા વિશેની માહિતી એકત્રિત કરાઇ હતી. એકત્રિત કરાયેલા ડેટાનો ઉપયોગ કંપની પોતાનો બિઝનેસ વધારવા માટે કરતી હોય છે. તેથી સોશિયલ સાઇટ્સ કે ઇન્ટરનેટનો ઉપયોગ સાવચેતીથી કરવો જોઇએ.
પ્રાઇવસી સેટિંગ્સને વધારે સુરક્ષિત કરવા જોઇએ
સોશિયલ નેટવર્કિંગ કંપની દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિવિધ કેટેગરીમાં વિભાજન કરવામાં આવે છે. જેમાં ઉંમર, જેન્ડર, એજ્યુકેશન, લાઇફસ્ટાઇલ, એન્ટરટેઇનમેન્ટ, લાઇફ ઇવેન્ટ, પર્ચેજ બિહેવિયરનો સમાવેશ થાય છે. આવા ક્લાસિફિકેશન બાદ કંપનીઓ ડેટાનો ઉપયોગ માર્કેટિંગ અથવતો બીજી કેટલીક પ્રવૃતિઓ માટે કરતી હોય છે. આવી વસ્તુઓથી બચવા માટે પ્રાઇવસી સેટિંગ્સ બદલવા અને કેટલીકે એપનો ઉપયોગ ટાળવો જોઇએ. - વિરલ પરમાર, સાઇબર એક્સપર્ટ
સોશિયલ સાઇટ્સની ભુલો દ્વારા કમાણી શક્ય છે
સોશિયલ નેટવર્કિંગ સાઇટની ભુલો શોધવાથી પણ લોકો થોડી કમાણી કરતા હોય છે. આજે સ્પર્ધામાં ટકી રહેવા માટે કંપનીઓ ઝડપી કામ કરવા માગતી હોય છે, જેના પરિણામે ભુલો થતી હોય છે. ઘણા યુઝર્સ વેબસાઇટની ભુલો શોધીને કંપની સુધી પહોચાડતા હોય છે. કંપની દ્વારા જેના બદલામાં યુઝરને પ્રાઇઝ મની આપવામાં આવે છે.