18 ઓક્ટો. 1920ના દિવસે પ્રિતમનગર ઢાળ પાસે ડાહ્યાભાઇ ઈજતરામ વકીલના બંગલામાં વિદ્યાપીઠની શરૂઆત કરાઈ હતી
ગુજરાત વિદ્યાપીઠનો આજે 100મા વર્ષમાં પ્રવેશ
ગુજરાત વિદ્યાપીઠનો સ્થાપના દિવસ ૧૮ ઓક્ટોબર ૧૯૨૦ છે અને તે દિવસે વિદ્યાપીઠનું બંધારણ નક્કી કરવામાં આવ્યુંં હતું. આ સમયે વિદ્યાપીઠ પાસે પોતાનું મકાન, વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોની કોઇ સુવિધા ન હતી. જેને લઇને ગાંધીજી તથા બીજા લોકોના મનમાં વિદ્યાપીઠ શરૃ ક્યાં કરવી તે સવાલ ઊભો થયો હતો ત્યારે પ્રિતમનગરના ઢાળની પાસે આવેલા ડાહ્યાભાઇ ઇજતરામ વકીલના બંગલામાં વિદ્યાપીઠની શરૃઆત કરવામાં આવી હતી. આ વિશે વાત કરતાં ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ વિભાગના એસોસિએટ પ્રોફેસર બિન્દુવાસીની જોશીએ કહ્યું કે, ૧૫મી નવેમ્બર ૧૯૨૦માં ગાંધીજીના હસ્તે આ મકાનમાં પ્રથમ ગુજરાત મહાવિદ્યાલયની શરૃઆત કરવામાં આવી હતી. અસહકારના આંદોલનના ભાગરૃપે ૫૯ વિદ્યાર્થી અંગ્રેજી શિક્ષણ છોડીને રાષ્ટ્રીય શિક્ષણ માટે આ વિદ્યાલયમાં જોડાયા હતા. આ મહાવિદ્યાલયમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલા અને દિલ્હીની જાણીતી હાઇસ્કૂલમાં સેવા આપેલા અસુદમલ ટેકચંદ ગિદવાણીની આચાર્ય તેમજ વિનોબા ભાવે, કાકા સાહેબ કાલેલકર, રામનારાયણ વિશ્વનાથ પાઠક અધ્યાપક તરીકે જોડાયા હતા. તેમજ તે દિવસે ગાંધીજીએ સાબરમતી નદીની રેતીમાંં ભાષણનું આયોજન કરાયું હતું જેમાં થોડા સમય સુધી ભાષણ આપ્યું હતું.
1921માં ગાંધીજીની પ્રેરણાથી ગિદવાણીએ વિદ્યાપીઠમાં 'સ્વરાજ આશ્રમ' શરૂકર્યો હતો
વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા વિદ્યાપીઠનું મકાન નાનું પડવા લાગ્યું હતું ત્યારે ડિસેમ્બર ૧૯૨૦માં ગુજરાત મહાવિદ્યાલયને આગાખાન એસ્ટેટમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૨૧ની શરૃઆતમાં ગાંધીજીની પ્રેરણાથી ગિદવાણીએ 'સ્વરાજ આશ્રમ' શરૃ કર્યો હતો, જેમાં ગાંધીજીએ નવયુવાનોને સૂતરના તાંતણે સ્વરાજનો મંત્ર આપીને રેંટિયાની તાલીમની સાથે દેશ સેવાના કાર્યમાં જોડવામાં આવ્યા હતા.
સમાજના દાનમાંથી વિદ્યાપીઠની શરૂઆત
વિદ્યાપીઠ પાસે નાણા ન હતા ત્યારે સભામાં ફાળો આપવાની વાત કરવામાં આવી હતી ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલે સરકારની કોઇ મદદ લેવી ન તેવું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ સમાજના લોકો પાસેથી દાન એકઠું કરીને ૧૪ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થીભવનનું ગાંધીજી દ્વારા ઉદ્ધાટન કરીને વિદ્યાપીઠની શરૃઆત કરવામાં આવી હતી.
વિદ્યાપીઠમાં ગાંધીજીનો મૌન ખંડ
૧૯૨૦માં મહાત્મા ગાંધીજીના હસ્તે સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠનો આજે ૧૦૦મા વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે આજે પણ વિદ્યાપીઠમાં ગાંધીજીના સદાવ્રત સાથે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય આપવામાં આવી રહ્યું છે. ૧૯૩૬માં જુન મહિનામાં મહાત્મા ગાંધીજીને લોહીનું દબાણ વધી ગયું હતું ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલે તેમનેે આગ્રહ કરીને આરામ માટે અમદાવાદ લાવ્યા ત્યારે તેઓ એક માસ માટે મૌન પાળીને ગાંધીજી મૌન ખંડમાં રહ્યા હતા.