ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ અને અનામત જેવા મુદ્દે બનેલા સોશિયલ નાટકને નેશનલ પ્રાઇઝ
શિમલામાં યોજાયેલા ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશનના ૬૪મા અધિવેશનમાં જીએલએસની ફેકલ્ટી ઓફ કોમર્સના બે નાટક રજૂ થયા
જીએલએસની ફેકલ્ટી ઓફ કોમર્સના થીએટર ગુ્રપ દ્વારા હાલમાં શિમલા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશનના ૬૪માં અધિવેશનમાં બે નાટકોની પ્રસ્તુતિ કરી હતી. જેમાં 'પ્રિય મિત્ર' નાટકને એક્સપેરિમેન્ટલમાં અને 'હમ ઝીંદા હૈ'ને સોશિયલ કેટેગરીમાં સેકન્ડ પ્રાઇઝ મળ્યું હતું. પ્રિય મિત્ર નાટક અનામત જેવા સામાજિક મુદ્દા પર અપીલ કરતું નાટક હતું, જ્યારે હમ ઝીંદા હૈ પણ ન્યાયિક પ્રક્રિયાના વિલંબ થવાના કારણે લોકોને કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે તેના પરનું હતું. બંને નાટકો દ્વારા મિડલ ક્લાસ લોકોને થતા અન્યાયની વાત કરાઇ હતી. ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા દર વર્ષે કરવામાં આવતી સ્પર્ધામાં દેશભરના નાટક ગુ્રપ ભાગ લેતા હોય છે.
નાટક : પ્રિય મિત્ર ઝોનર : એક્સપેરિમેન્ટલ
નાટકની વાર્તા જાતીય અસમાનતા પરની છે, જેમાં બે મિત્રોની વાત છે. એક મિત્ર માધવ ઉચ્ચજ્ઞાાતીનો હોય છે, જ્યારે બીજો મિત્ર ગોપાલ અનામત કેટેગરીથી આવે છે. બંને પાક્કા મિત્રો બાળપણથી સાથે જ હોય છે. તેથી તેઓએ કોલેજમાં પણ સાથેજ ભણવાના સપના જોયા હોય છે. પરંતુ અનામત તેમના સપનાઓ વચ્ચે આવે છે. ગોપાલ માધવ કરતા આર્થિક રીતે સદ્ધર છે, છતા પણ ગોપાલને અનામતનો લાભ મળે છે. જેના કારણે તેને કોલેજમાં એડમિશન મળે છે, જ્યારે માધવને નથી મળતું. એડમિશન ન મળવાથી માધવ આંદોલનનો માર્ગ અપનાવે છે. ત્યારબાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગોપાલ પણ અમનામત કેટેગરીમાંથી એડમિશન પાછું ખેંચીને આર્થિક પછાતને અનામત મળવાની વાતને સપોર્ટ કરે છે.
નાટક : હમ ઝીંદા હૈ ઝોનર : સોશિયલ
હમ ઝીંદા હૈ નાટકની વાર્તા પારિવારીક દગાખોરીની અને ન્યાયિક પદ્ધતિમાં વિલંબ વિશેની છે. નાટકમાં જીવન પ્રકાશ અને વેદ પ્રકાશ બે ભાઇઓ અને એક ફોરેનર બિઝનેસમેનની વાત છે. જેમાં વેદ પ્રકાશ જમીન વેંચવાની વાત કરે છે, જ્યારે જીવન પ્રકાશ જમીનને માં ગણાવે છે. તેથી વેદ પ્રકાશ છળ કપટથી જીવન પ્રકાશને સરકારી ચોપડે મૃત જાહેર કરી નાખે છે, અને જમીન ફોરેનરને વેંચે છે. ત્યારબાદ જીવન પ્રકાશ સતત ૧૫ વર્ષ સુધી પોતો જીવત છે તેવુ સાબિત કરવા માટે કોર્ટમાં વલખા મારે છે. ન્યાયમાં વિલંબ થતા જીવન પ્રકાશ કોર્ટમાં આત્મહત્યા કરવાનું વિચારે છે, આત્મહત્યા કરવાથી કેસ નોંધાશે તેવા હેતુથી જીવન પ્રકાશ કોર્ટમાં ઝેર પીને આત્મહત્યા કરે છે. ત્યારે કોર્ટનો નિર્ણય આવે છે કે, જીવન પ્રકાશને તેમની જમીન પાછી આપવામાં આવે.