બાળપણમાં સતોળીયુ, સંતાકુકડી, ગિલ્લી ડંડો, અડકો-દડકો રમતાં 'દેવની પોળ'ના મિત્રો 45 વર્ષ બાદ મળશે
નાનપણથી જ છૂટા પડેલાં મિત્રો આજે સિનિયર સિટીઝન બની ગયા છે ૧૫ સપ્ટેમ્બરે મળીને જૂની યાદો તાજી કરશે
અમદાવાદમાં ૧૯૦થી વધુ પોળ આવેલી છે, જેમાં માંડવીની પોળ સૌથી મોટી પોળ છે. શહેરમાં પહેલી પોળ ૧૪૫૦માં બંધાય હતી અને તેનું નામ 'મૂર્હુત પોળ' હતું, જે માણેકચોકમાં આવેલી છે. વર્ષ ૧૯૭૨થી ૮૦ના દાયકામાં લોકો પોતાની રહેણીકરણી અને સુખસગવડમાં વધારો કરવા દેવની શેરીના લોકો પોળ છોડીને શહેરના વિવિધ વિસ્તારમાં રહેવા ગયા હતા.
સમય બદલાતા આ પોળના પોળના લોકાએે પોતાના જૂના સાથી મિત્રોને મળવા માટે ૪૫ વર્ષ બાદ ૧૫ સપ્ટેમ્બરના દિવસે આઝાદ સોસાયટીમાં આવેલા બ્રહ્મભટ્ટ હોલ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે. દેવની શેરીમાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલું છે અને તે પોળના નાકે રામનાથ મહાદેવના મંદિર તરીકે જાણીતું બન્યું છે.
સ્નેહમિલન કાર્યક્રમમાં મુંબઇ, વડોદરા, સુરત, ગાંધીધામમાં રહેતા ૨૪૦થી વધુ લોકો પોળમાં વિતાવેલા સમયને યાદ કરીને પોતાના સાથી મિત્રોને મળીને આનંદની અનુભૂતિ મેળવશે. સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે સંજય દેસાઇ, સુરેશ મહેતા, યોગીન દવે, ખુશમન શાહ, દેવાંગ ત્રિવેદી અને વિનોદ કંસારાનો સહયોગ આપેલા છે.
દીવાન બલ્લુભાઇ સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલનને જોઇને વિચાર આવ્યો હતો
હું જ્યારે દીવાન બલ્લુભાઇ સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન કાર્યક્રમમાં સંગીતનું પરફોેર્મન્સ આપતો હતો અને મારા મનમાં થયું કે હું પણ મારી પોળના તમામ રહેતા સાથીમિત્રોને ભેગા કરીને પોળની સંસ્કૃતિ અને જૂની યાદોની મજા માણીશું. હું નાનો હતો ત્યારે સ્કૂલમાં બધા સાથે જતા હતા ત્યારે ૧૦થી ૧૫ વર્ષની ઉંમર હતી જે આજે ૫૫ વર્ષના થયા છીએ ત્યારે સ્નેહમિલનમાં 'દાદા અને દાદી'ના સ્વરૃપમાં એકબીજાને મળીશું. અમુક લોકોને પોળના સ્નેહમિલન માટેની વાત કરવા માટે વિવિધ વિસ્તારના પાનના ગલ્લાઓ અને બેન્કના ગેટ પાસે ૭ દિવસ સુધી ઊભો રહ્યો હતો. અમદાવાદના મેયર રહી ચૂકેલા કૃષ્ણવદન જોશી આ પોળમાં રહેતા હતા. - રમેશભાઇ પ્રજાપતિ, ૫૫ વર્ષ, પોળના જૂના રહીશ