ભાઈ-બહેનની પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં તપશ્ચર્યા
૫ાલડીમાં રહેતાં ક્રીષી અને વત્સલ ઓપેરા સંઘના આંગણે ગુરુદેવોના આશીર્વાદથી ઉપવાસ કરી રહ્યાં છે
બે ભાઇ કે બે બહેન વચ્ચે જેટલું બોન્ડિંગ હોય એના કરતાં વિશેષ બોન્ડિંગ ભાઇ-બહેન વચ્ચે હોય છે. એવો મનમેળ વત્સલ અને ક્રીષીને એકબીજા માટે છે. મોટીબહેન ક્રીષી આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે નાનો ભાઇ વત્સલ પાંચમા ધોરણમાં છે. ક્રીષી પાંચ વર્ષની હતી ત્યારથી ઉપવાસ, ભદ્રતપ, વર્ષીતપ જેવી તપશ્ચર્યા કરતી હતી. તેને ઉપવાસ કરતી જોઇને ભાઇ વત્સલે પણ પાંચ વર્ષની ઉંમરે ઉપવાસ કરવાનું શરૃ કર્યું.
પાલડી વિસ્તારમાં રહેતાં ક્રીષી અને વત્સલ ઓપેરા સંઘના આંગણે ગુરુદેવોના આશીર્વાદથી ઉપવાસ કરી રહ્યાં છે. બાળકોને સતત પ્રોત્સાહન પુરું પાડતાં પિતા કમલેશભાઇ દોશી કહે છે, 'વત્સલ અને ક્રીષીના અત્યારે ઉપવાસ ચાલુ છે. વત્સલને ૩૬ ઉપવાસ કરવાની અને ક્રીષીને ૩૦ ઉપવાસ કરવાની ભાવના સાથે તેઓ આગળ વધી રહ્યા છે. બંને બાળકો ઉપવાસ કરતાં હોવા છતાં તેમનું રુટિન સ્કૂલ, ટયુશન ક્લાસ તથા અન્ય પ્રવૃત્તિને અટકાવી દેવામાં આવી નથી. વત્સલ બાળ કલાકાર તરીકે કામ કરે છે. અમારા બંને બાળકોને પહેલેથી જૈન ધર્મ પ્રત્યે રુચિ છે. એમની આ રુચિએ પહેલાં કરતાં વધારે ધામક બનાવ્યાં છે.'