આઝાદી પહેલાં જે પેથાપુર ગામ વૂડન બ્લોક પ્રિન્ટની કલા પર નિર્ભર હતું ત્યાં આજે આ કામ કરતાં માત્ર 10 પરિવાર છે
વિસરાતી કલાને જીવંત રાખવા સિટીના ચાર યંગસ્ટરે ડોક્યુમેન્ટરી તૈયાર કરી અને આર્ટ અને ક્રાફ્ટના નમુનાનું કલેક્શન કર્યું
હેરિટેજ પ્રોફેશનના અને ખ્યાલ-અ થોટ ગુ્રપના આયુશી મહેશ્વરી, ગૌૈરવ માંડલોઇ, શાઓની અને શૈલજા પરાસરા દ્વારા ભારતની એવી કલા કે જે અન્ય કોઇ દેશમાં જોવા નથી મળતી તેને જીવંત રાખવા માટે આર્ટ અને ક્રાફ્ટ વેલેજીસમાં જઇને તેના વિશે સંપૂર્ણ માહિતી લઇ તેને ડોક્યુમેન્ટરીના રૃપમાં તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિમાંથી લુપ્ત થઇ રહેલી આ કલા અને કારીગરીને લોકો વધુને વધુ જાણે તે માટે છેલ્લા દોઢ વર્ષથી તેનું ડોક્યુમેન્ટેશન કરી રહ્યા છે આ માટે અત્યાર સુધીમાં તેઓે ત્રણ ક્રાફ્ટ વિલેજ જેમાં ગાંધીનગર નજીક આવેલા પેથાપુર, મધ્યપ્રદેશનું બકાવા ગામ અને વેસ્ટ બંગાળનું નૌતુમગ્રામની મુલાકાત લઇ ૧૫ દિવસ ત્યાં રહી ત્યાંના કારીગરોની કામગીરી વિશેની માહિતી એકત્રિત કરી.
પેથાપુર ગામમાં એક પણ યંગ આર્ટિસ્ટ નથી, દરેક આર્ટિસ્ટની ઉંમર 45 વર્ષથી ઉપર
ગાંધીનગર પાસેનું પેથાપુર ગામ આઝાદી પહેલાંના સમયથી વૂડન બ્લોક મેકિંગ માટે ખૂબ જાણીતું છે. અહીં અજરખ અને બાટીક પર બ્લોક પ્રિન્ટીંગ કરવામાં આવે છે. જેના માટે સાગના લાકડા પર કોતરણી કરાય છે. અહીં આ કામ કરતા લોકોની સંખ્યા સરખામણીમાં પહેલા કરતા ઘટી છે પહેલાં આખું ગામ આ કામ પર નિર્ભર રહેતું જ્યારે આજે માત્ર ૮ થઈ ૧૦ પરિવાર આ કામ કરી રહ્યા છે. જે કામ કરે છે તેમાં કોઇ યંગ આર્ટિસ્ટ નથી ૪૫થી ૮૦ વર્ષની મોટી ઉંમરના લોકો જ આ કામ કરી રહ્યા છે. આ અંગે વાત કરતા ગામના લોકોએ કહ્યું કે, અહીં માઇગ્રેશન અને એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું છે આ ઉપરાંત આ કામમાં ઝીણવટ ખૂબ જરૃરી છે તેથી કામના વિકલ્પો વધવાને કારણે જેને આ કામ આવડે છે તેઓએ પણ આ કામ છોડી દીધું છે અને હવેની પેઢી આમાંથી રસ ગુમાવી રહી છે. - શાઓની
બકાવાની કેવટ જાતિના માત્ર 40 પરિવાર નદીમાંથી પથ્થરો વીણી શિવલિંગ બનાવે છે જો અહિંયા ડેમ બનાવાશે તો આ કલા નામશેષ થઇ જશે
'નર્મદા કે કન્કર કહેલાતે હે શંકર' વાક્ય સાંભળ્યું હશે. આ શંકરને તૈયાર કરતા કેવટ લોકો જે નાવ ચલાવવાનું અને નદીમાંથી રેતી કાઢવાનું કામ કરે છે. મધ્યપ્રદેશનું એકમાત્ર ગામ બકાવા કે જ્યાં શિવલિંગ બને છે. કેવટો દ્વારા નદીમાંથી કાચા અને પાકા પથ્થર કાઢવામાં આવે છે. આ પથ્થર ખંડિત ન થાય અને સિંગલ પથ્થરમાંથી શિવલિંગ બને તે માટે તેને આકાર આપી ૨ ઇંચથી લઇને ૧૬ ફૂટ ઊંચા શિવલિંગને તૈયાર કરવામાં આવે છે. બકાવાના ૪૦ પરિવારો ૨૪ કલાક અને ૩૬૫ દિવસ આ કામ પર નિર્ભર છે. આ જગ્યાએ બંધ બનાવવાની વાત ચાલી રહી છે આમ, થશે તોે અંતે આ કલાનું નામોનિશાન નહીં રહે. આ લોકોની મનોવ્યથા અને તેમની કારીગરીને ડોક્યુમેન્ટરીમાં કેપ્ચર કરી છે. - શૈલજા પરાસરા
પેનડ્રાઇવના કદના રમકડાં પર બારીક કામ કરે છે
પશ્ચિમ બંગાળના નૌતનગ્રામના મહત્તમ લોકો કાષ્ઠ કલાનો ઉપયોગ કરી આંબા, સાગ અને કોઇપણ ઝાડના કાચા લાકડામાંથી રમકડાં બનાવવામાં માસ્ટરી ધરાવે છે. અહિંના લોકપ્રિય રમકડાંમાં રાજા-રાણી અને લક્ષ્મીનું વાહન ઘુવડ છે. અહિંયા ઘુવડને અશુભ માનવામાં આવે છે જ્યારે બંગાળમાં ઘુવડને શુભ માનવામાં આવે છે. પહેલાં કારીગરો માત્ર મોટા રમકડાં તૈયાર કરતા જ્યારે આજે તેઓ પેનડ્રાઇવ કદના રમકડાં પર પણ અદ્ભુત બારીક કારીગરી અને રંગો ભરે છે. - આયુશી મહેશ્વરી
સિટીના લોકો ક્રાફ્ટને જોઇ શકે તે માટે જ્વેલરી અને મિનીએચર ટોય્ઝ બનાવ્યા
આપણા દેશમાં છુપાયેલી અદ્ભુત કલા અંગે લોકો જાણે તે દેશના દરેક ખૂણે ખૂણે પ્રસરે તે માટે બેગમાં કેરી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોને બતાડવા લઇ જઇ શકીએ તેટલા આકારના વિવિધ નમૂનાનું કલેક્શન કરી રહ્યા છે અને બ્લોક પ્રિન્ટના બીબા તેમજ બંગાળના ક્રાફ્ટનો પ્રચાર થાય તે માટે ત્યાંથી ફ્રીઝ મેગ્નેટ, જ્વેલરી અને સોવેનિયર ડિઝાઇનના મિનીએચર ટોય્ઝ ખાસ બનાવડાવ્યા છે. સિટીના દરેક વ્યક્તિ આ ક્રાફ્ટ વિશે જાણી અને તેને જોઇ શકે તે માટે આ કલેક્શનને અમે એક અલગ જગ્યા પર ડિસ્પ્લેમાં મૂકીશું.- ગૌરવ માંડલોઇ