કેન્સરની ગાંઠને થતી અટકાવે તેવું 'મલ્ટીરિંગ હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડસ કેમિકલ' તૈયાર કરાયું
ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના પ્રો. ડૉ.હિતેશ પટેલ તથા તેમના ચાર પીએચ.ડી.સ્ટુડન્ટની ટીમને પેટન્ટ મળી
આધુનિક સમયમાં કેન્સરના રોગમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના ૫૦ વર્ષ જૂના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના પ્રો. ડૉ. હિતેશ પટેલ તથા તેમના સહયોગી ડૉ. મનોજભાઇ, ડૉ. મયુરી બોરાડ, ડૉ, એડવીન પીઠાવાલા અને ડૉ. ધનજી રાજાણી એમ ચાર પીએચ.ડી. સ્ટુડન્ટની ટીમ દ્વારા 'મલ્ટીરિંગ હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડસ કેમિકલ' તૈયાર કર્યું છે. આ કેમિકલના સંશોધન બાદ હવે કેન્સર, એચ.આઇ.વી. તથા ટીબીના નિદાનમાં ઉપયોગી થઇ રહેશે. 'મલ્ટીરિંગ હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડસ કેમિકલ'ને પેટન્ટ મળી ગઇ છે. આ વિશે વાત કરતાં ડૉ. હિતેશ પટેલે કહ્યું કે, આ સફળ સંશોધનથી અમને બીજા નવા સંશોધન કરવાની પ્રેરણા મળી છે. આ ''મલ્ટીરિંગ હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડસ કેમિકલ' દ્વારા કેન્સરની ગાંઠને અટકાવી શકાય અથવા કેન્સરની ગાંઠને નાશ કરવામાં ઉપયોગી થશે. તેમજ આવનાર સમયમાં આ કેમિકલ દ્વારા એચ.આઇ.વી. અને ટીબીથી પીડિત વ્યકિતઓના નિદાનમાં ઉપયોગી બની રહેશે.
આ સંશોધન નેશનલ કેન્સર ઇન્સ્ટિટયૂટ યુ.એસ.એ.ખાતે ૬૦ હ્યુમન કેન્સર સેલલાઇન અને ગુજરાત યુનિવર્સિટીની ટીમ દ્વારા કરાયેલા રિસર્ચથી સારા પરિણામ મળ્યાં છે અને આવનારા સમયમાં આ કેમિકલના ઉપયોગથી કેન્સર, એચ.આઇ.વી. તથા ટીબીના નિદાન માટેની દવા તૈયાર કરવામાં આવશે. સાગા ઇન્સ્ટિટયુૂટ બેલ્જીયમના સહયોગથી એન્ટી એચ.આઇ.વી. ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને તેના સારા પરિણામ મળ્યાં હતા. આ ટીમ દ્વારા કરાયેલા સંશોધન મુજબ ૨૦ વર્ષ સુધી પેટન્ટ તેમની પાસે રહેશે. આ ટીમ દ્વારા વિવિધ સંશોધન માટે હજુ ૧૨ પેટન્ટની અરજી કરવામાં આવી છે.
વ્યકિતના શરીર પર કોઇ આડઅસર થતી નથી
મલ્ટીરિંગ હિટ્રોસાયક્લિક એ ઘન કેમિકલ પદાર્થ છે. તેમજ ઇનસિલિકો પદ્ધતિથી આ સંશોધનને સફળ બનાવ્યું છે. આ રસાયણોની વ્યકિતના શરીર પર કોઇ આડઅસર થતી નથી અને દવાના ગુણોની અસર પણ જોવા મળી શકશે.
સંશોધન કરવા માટે દોઢ વર્ષનો સમય લાગ્યો હતો
આ સંશોધનને સફળ બનાવવા માટે ટીમ દ્વારા અથાગ મહેનત કરવામાં આવી હતી પણ સંશોધનની લેબોરેટરીમાં સિન્થેસિસ કરવા માટે ટીમને ૧.૫ વર્ષનો સમય લાગ્યો હતો અને ત્યારબાદ ૬ મહિના માટે જેટલો સમય વિવિધ સંશોધન માટે લાગ્યો હતો.