GNLUમાં પ્રવેશ મેળવતા દરેક સ્ટુડન્ટસ વૃક્ષ વાવશે અને એકેડમિક વર્ષ દરમિયાન વૃક્ષની માવજત કરશે
બાયોડાઇવર્સિટીના ચેલેન્જના કારણે 1 મિલિયન છોડ અને પ્રાણીની પ્રજાતિઓ લુપ્તતાના આરે છે
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા 'કન્ઝર્વેશન ઓફ બાયોડાઇવર્સિટી ઇન ઇન્ડિયા : ઇશ્યૂ એન્ડ ચેલેન્જિસ' પર સિમ્પોઝિયમ યોજવામાં આવ્યું હતું. સિમ્પોઝિયમમાં જીઆઇઝેડના ડૉ. એશિતા મુખર્જી અને ટેકનોલોજી લૉ પ્રેક્ટિશનર સુદર્શન શેખાવત ઉપસ્થિત રહ્યાં હતા. પ્રસંગે જીએનએલયુના ડિરેક્ટર ડૉ. શાંથાકુમારે કહ્યું કે, યુએનના રીપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે બાયોડાઇવર્સિટીની પ્રક્રિયામાં ઉણપ સર્જાઇ છે. જેના કારણે ૧ મિલિયન છોડ અને પ્રાણીની પ્રજાતિઓ લુપ્તતાના આરે છે. માણસોની લાલચ તેના માટે જવાબદાર ગણી શકાય છે. આપણે જાણીએ છીએ કે સંસાધનો જીવાદોરી સમાન છે, પરંતુ તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવાથી તેનો લાભસૃષ્ટિ પરના બધા જીવ લઇ શકે છે. નેચરને જાળવી રાખવા માટે આપણે ટકાઉ વિકાસની દિશામાં આગળ વધવું પડશે. નેચરને બચાવવા માટે જીએનએલયુમાં પ્રવેશ મેળવતા દરેક સ્ટુડન્ટસે વૃક્ષ વાવશે અને એકેડમિક વર્ષ દરમિયાન વૃક્ષની માવજત કરશે.
નવા વૃક્ષો વાવવા સાથે જંગલોનો બચાવ કરવો પડશે
બાયોડાઇવર્સિટીને યોગ્ય લેવલે લાવવા માટે નવા વૃક્ષો વાવવા સાથે જંગલોનો બચાવ કરવો અત્યંત જરૃરી છે. આજે વૈશ્વિક લેવલે જંગલોનું સંવર્ધન પુરતા પ્રમાણમાં થતું નથી. તેના કારણે પર્યાવરણમાં ડિસ્ટર્બન્સ વધારે જોવા મળે છે. જેથી કુદરતી આફતો હાલમાં વૈશ્વિક સ્તરે વધ્યા છે. કુદરતી આફતોને સામાન્ય પરિસ્થિતિમાં લાવવા માટે કુદરતી સંસાધનોનો યોગ્ય પદ્ધતિથી ઉપયોગ કરવો પડશે. - સુદર્શન શેખાવત, ટેકનોલોજી લૉ પ્રેક્ટિશનર
ઇકોસિસ્ટમનો બચાવ વૈશ્વિક સ્તરે થવો જોઇએ
બાયોડાઇવર્સિટી અને ઇકોસિસ્ટમ બાબતે વિશ્વના દરેક દેશે આગળ આવવાની જરૃર છે. વર્તમાન પરિસ્થિતિ અનુસાર વૈશ્વિક લેવલે બાયોડાઇવર્સિટીમાં તુટી હોવાના કારણે પર્યાવરણ પર માઠી અસરો જોવા મળે છે. બાયોડાઇવર્સિટી એક્ટ દ્વારા પર્યાવરણનો અને સજીવ સૃષ્ટિનો બચાવ કરી શકાય છે. ઉપરાંત બાયોડાઇવર્સિટીને મજબુત કરવાથી કુદરતી આફતોને પણ હળવી કરી શકાશે. - ડૉ. એશિતા મુખર્જી, જીઆઇઝેડ