પહેલાના સમયમાં છોકરીઓને ભણાવવાનો ઉદ્દેશ્ય ચિઠ્ઠી લખી-વાંચી શકે તેટલો જ હતો
'ખયાલ-અ થોટ' ગુ્રપ દ્વારા કલેક્ટીવ હેપ્પીનેસની સિરીઝમાં 'પી.ઓ. બોક્સ ૨૦૧ 'લેટ્સ પોસ્ટ?' ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેકે પોતાના ઇમોશનને કાગળ પર ઉતાર્યા હતા
હેરિટેજ નોલેજની ઓળખ કરાવતું અને ચાર યંગસ્ટર્સ દ્વારા ઉભુ કરાયેલ 'ખયાલ-અ થોટ' ગુ્રપ દ્વારા કલેક્ટીવ હેપ્પીનેસની સિરીઝમાં 'પી.ઓ. બોક્સ ૨૦૧ઃ લેટ્સ પોસ્ટ?' ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં દરેકે પોતાના ઇમોશનને કાગળ પર ઉતાર્યા હતા. આ અંગે વાત કરતા ખયાલ ગુ્રપની સૈજલાએ કહ્યું કે અમે અને અમારા જેવા ઘણા એવા યંગસ્ટર્સ છે કે જેઓએ ક્યારે કોઇને લેટર નથી લખ્યો તેથી અમે દરેકને લેટર લખવાનો ટાસ્ક આપ્યો હતો.
જેમાં ૮૫ વર્ષના દાદાથી લઇને ૯ વર્ષની બે બાળકીઓ સાથે ચાર જનરેશન જોડાઇ હતી અને લેટરને લઇને દરેકે પોતાના અનુભવો શેર કર્યા હતા. ઇન્ડિયન પોસ્ટ ઓફિસને આ ઇવેન્ટની જાણ થતા ફિલેટલી બ્યુરોમાંથી ઇમરાન મનસુરી અને અમદાવાદ જીપીઓમાંથી લેડી પોસ્ટમેન ઝરણા સોલંકી હાજર રહ્યા હતા. તેઓએ કહ્યું કે મોબાઇલના જમાનામાં આજે લોકો ઇમોશન્સ એક્સપ્રેસ નથી કરી શકતા. તેમનામાં ધીરજ ખુટી ગઇ છે.આજે કોઇને લખેલો પત્ર મળે છે તો તે રાજીના રેડ થઇ જાય છે પરંતુ પત્ર લખનારા હવે માત્ર આગંળીને વેઢે ગણાય તેટલા છે.
રક્ષાબંધન પર અમે રાખડી નથી બાંધી શકતા પણ બીજાને પહોચાડી દઇએ છીએ
સામાન્ય રીતે પોસ્ટમેન એટલે કોઇ જેન્ટસ જ હોય પરંતુ એવું નથી હું છેલ્લા બે વર્ષથી પોસ્ટમેનનું કામ કરું છું. પહેલાના સમયમાં છોકરીઓને ભણાવવાનો ઉદ્દેશ્ય તે ચિઠ્ઠી લખી અને વાંચી શકે તેટલો હતો. એટલે ચિઠ્ઠીનું મહત્વ તમે સમજી શકો છો. અમે રક્ષાબંધન જેવા તહેવારોમાં પણ રજા હોતી નથી. અમે રાખડી નથી બાંધતા પરંતુ કોઇ એક વ્યક્તિ પણ નિરાશ ન થાય તે માટે રાખડી પહોચાડી દઇએ છીએ. - ઝરણા સોલંકી
ગૂગલ જે ડાયરેક્શન નથી બતાવી શકતુ તે પોસ્ટમેન બતાવી શકે છે
પહેલાના સમયમાં જ્યારે કોઇનો લેટર પોસ્ટમેનના હાથમાં આવતો ત્યારે આ પત્ર આ જ ઘરનો છે તેની તેમને જાણ હતી અને ત્યારે પોસ્ટમેન ઘરનો સદસ્ય ગણાતો અને તેની આતુરતાથી રાહ જોવાતી.એ જાણીને ખુબ દુઃખ થાય કે અત્યારના બાળકોને તેમના પોસ્ટલ એડ્રેસનો ખ્યાલ હોતો નથી. તમારા લખેલા એક પત્રને પહોચાડવા માટે ઘણા લોકો લાગેલા હોય છે. ગૂગલ જે ડાયરેક્શન નથી બતાવી શકતા તે પોસ્ટમેનને ખબર હોય છે. - ઇમરાન મનસુરી