પાંચ વર્ષથી શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિર ખાતે 400થી વધુ સભ્ય સ્વખર્ચે ત્યાં જઇને સફાઇ કરે છે
દર મહિનાના કોઇ એક રવિવારે નિયમિત ધાર્મિક સ્થળની સફાઇનું ભગીરથ કાર્ય કરે છે
પવિત્ર શ્રાવણ માસમાં દરમિયાન સત્સંગ અને સેવા પૂજાનો અનેરો મહિમા છે ત્યારે શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા બાપાસીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ સાથે જોડાયેલા સભ્યો દ્વારા સફાઇ અભિયાનની ઝૂંબેશ શરૃ કરાઇ છે, જેમાં નિકોલ અને બાપુનગરમાં રહેતા દરેક જ્ઞાાતિના ૬૦થી વધુ લોકો દર મહિને સ્વખર્ચે ગુજરાતના મોટા ધાર્મિક મંદિરોની સફાઇ કરે છે.
મંદિરની સફાઇની સાથે સ્મશાન, સંડાસ, બાથરૃમ, ગટરો, રોડ રસ્તાઓની સફાઇ કરીને સ્વચ્છતાની એક પહેલ શરૃ કરી છે. સફાઇ સામગ્રી માટે સાવરણીથી લઇને ફિનાઇલ સુધીની દરેક વસ્તુ તેઓ પોતાના ખર્ચે લઇ જાય છે. આ સફાઇ કામગીરીનું કામ છેલ્લાં ૧૭ વર્ષથી દર મહિને ભાવનગરમાં આવેલા બગદાણા બાપાસીતારામ મઢુલીએ જઇને સફાઇ કરતા હતા. હવે તેઓ ગુરુદાસ આશ્રમ બગદાણાની પ્રેરણાથી આ કામને તેઓ ગુજરાતના દરેક મોટા ધાર્મિક સ્થળોએ જઇને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે.
હવે નિયમિત આ સેવાભાવી લોકો છેલ્લાં પાંચ વર્ષથી દર રવિવારે ધાર્મિક સ્થળોએ સ્વખર્ચે સફાઇ કરવા જાય છે અને સમાજ જાગુ્રતિનું કાર્ય કરે છે. ગત રવિવારે ૪૦૦ સભ્યોની ટીમ દ્વારા સોમનાથ મંદિરની સફાઇ કરાઇ હતી તેમજ સોમનાથની આજુબાજુ આવેલા ભાલકાતીર્થ, ગીતામંદિર, રામજીમંદિર, હિંગળાજ મંદિરની સફાઇ કરી હતી.