4 ટનના ચંદ્રયાન-2ને આકાશમાં લઇ જવા માટે 640 ટનના રોકેટનો ઉપયોગ કરાશે
સાયન્સ સિટી ખાતે ચંદ્રયાન-2 પર ઇસરોના પૂર્વ વૈજ્ઞાાનિક ડૉ. સી.એમ. નાગરાણીની ટૉક યોજાઇ
ચંદ્રયાન-૨ને ઓર્બિટ, લેન્ડર અને રોલર જેવા ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં ઓર્બિટનો ભાગ ચંદ્રથી ૩૦ કિલોમિટરની સપાટી પર રહેશે. જ્યારે લેન્ડર અને રોલર જમીન પર રહીને રિસર્ચ કરશે. તેમ સાયન્સ સિટી ખાતે યોજાયેલા ચંદ્રયાન-૨ પર યોજાયેલી ટોકમાં ઇસરોના એક્સ સાયન્ટિસ્ટ ડૉ. સી.એમ. નાગરાણીએ કહ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે, લેન્ડર અને રોલર ચંદ્રની ધરતી પર ૧૫ દિવસ રહીને ખનીજ, વાયુ અને પ્રોટોન ઇલેક્ટ્રોન જેવા વિષયો પર સંશોધન કરશે. ચંદ્રયાનનું વજન માત્ર ૪ ટન છે, જ્યારે તેને આકાશમાં લઇ જનારા રોકેટનું વજન ૬૪૦ ટન છે. આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
લેન્ડરના સફળ લેન્ડિંગ માટે પાંચ એન્જિનનો ઉપયોગ કરાશે
ચંદ્રયાન-૨ જ્યારે ચંદ્રની ૩૦ કિલોમિટરની કક્ષામાં આવશે, ત્યારે લેન્ડર અને ઓર્બિટ જુદા પડશે. ૩૦ કિમીના અંતરથી જો ફ્રી લેન્ડિંગ કરવામાં આવે તો લેન્ડરની સ્પીડ ૧૦૦૦ કિમી પ્રતિ કલાકની રહેશે. આ સ્પીડથી લેન્ડર ક્રેશ થવાની શક્યતાઓ છે. તેથી લેન્ડર ચંદ્રની ધરતી ઉપર સફળતા પૂર્વક ઉતરે માટે તેમાં પાંચ ઓટોમેટિક એન્જિન લગાવવામાં આવ્યા છે. જેના કારણે લેન્ડિંગ સ્પીડ ઘટીને ૧૦ કિમીની થશે. જેના માટે ૧૫ મિનિટનો સમય લાગશે.
ચંદ્રયાન-2માં 14ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યા છે
ચંદ્રયાન-૨માં સંશોધન માટે ૧૪ ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યા છે. જેમાં ઓર્બિટમાં ૮, લેન્ડરમાં ૪ અને રોલરમાં ૨ છે. ૧૪ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી ૧૩ ભારતયી છે અને ૧ નાસાની વિનંતી સ્વિકારીને ઇસરોએ લગાવ્યું છે. જ્યારે ચંદ્રયાન-૧ મિશન માટે ભારતે ઇન્ટરનેશનલ કો-ઓપરેશન કર્યું હતું. જેમાં ૧૧ ઇન્સ્ટ્રુમેન્ટ હતા, જેમાંથી ૬ ભારતીય અને બાકીના જુદા જુદા દેશોના હતા.
ચંદ્ર પર પાણી હોવાનું તારણ ચંદ્રયાન-1 દ્વારા જ મળ્યું હતું
ચંદ્રયાન-૨ ચંદ્રના સાઉથ પોલ ભાગમાં મોકલવામાં આવશે. જ્યાં અત્યાસ સુધીમાં નાસા કે બીજી કોઇપણ ઇન્ટરનેશનલ સ્પેસ સંસ્થા દ્વારા સેટેલાઇટ મોકલવામાં આવ્યા નથી. આ વિસ્તારમાં વિશ્વનું પહેલું સેટેલાઇટ મોકલવામાં આવતું હોવાથી નાસા દ્વારા પણ ચંદ્રયાન-૨ પર તેમનું રીટ્રોફ્લેક્ટર લગાવવમાં આવ્યું છે. ચંદ્ર પર પાણી હોવાનું સૌપ્રથમ તારણ પણ ચંદ્રયાન-૧ દ્વારા જ મળ્યું હતું.