...અને આજે પણ મિત્રો દિવાળી સાથે મળીને સેલિબ્રેટ કરવાનું ચૂકતા નથી!
એક જ શહેરમાં રહીએ છીએ પરંતુ કામની વ્યસ્તમાં અડધો કલાક પણ મળી શકાતું નથી ત્યારે તમામ ફ્રેન્ડ્સ ફેમિલી સાથે મળીને આખો દિવસ ફૂલ ઓન એન્જોયમેન્ટ સાથે પસાર કરે છે....
હરિવંશરાય બચ્ચનજીએ મિત્રતા પર ખૂબ સુંદર રચના લખી છે...
''મેં યાદો કા કિસ્સા ખોલું તો, કુછ દોસ્ત બહુત યાદ આતે હૈ..
મેં ગુજરે પલો કો સોચું તો, કુછ દોસ્ત બહુત યાદ આતે હૈ...
કુછ બાતે થી ફૂલો જેસી,
કુછ લહજે ખૂશ્બુ જેસે થે,
મેં શહર-એ-ચમન મેં ઘૂમું તો,
કુછ દોસ્ત બહુત યાદ આતે હૈ..''
મિત્રો અને પરિવાર વિના બધું જ અધૂરું છે. કોઇપણ પ્રસંગે હોય મિત્રોની હાજરીથી અવસર દીપી ઉઠે છે. તહેવારોનું પણ એવું જ છે. તહેવારમાં પરિવાર સાથે મિત્રો મળે ત્યારે ઉજવણી બેવડાઇ જાય છે. પહેલાં નવા વર્ષે સગાસંબંધી, મિત્રો વગેરેના ઘરે જઇ મળવાનો રિવાજ હતો હવેની ફાસ્ટ લાઇફમાં એ નહિવત બનતું જાય છે. આપણે વોટ્સએપ કે ફેસબૂક પર મિત્રોને દિવાળી અને નવા વર્ષ શુભેચ્છા પાઠવી દઇએ છીએ પરંતુ આજે વાત કરીએ એવા મિત્રોની જેઓ વર્ષોથી દિવાળીના દિવસે એકબીજાને મળે અને નવા વર્ષનું ગેટ ટુ ગેધર એડવાન્સમાં જ સેલિબ્રેટ કરી દે. તેઓ આ મુલાકાતને પરંપરા જ માને છે. તમામ મિત્રો ફેમિલી સાથે ભેગા થઇને ફૂલ ઓન એન્જોયમેન્ટ સાથે પસાર કરે અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છૂટા પડે.
બધા મિત્રો સાથે મળી ડિનર લઇને રિચાર્જ થઇ જઇએ છીએ
'છેલ્લાં ૧૦ વર્ષથી અમે ૮-૧૦ મિત્રો ફેમિલી સાથે મળીએ એટલે ૩૫ વ્યક્તિઓ ભેગા થાય. પહેલાં દિવાળી પછી એકબીજાના ઘરે જવાનો કોન્સેપ્ટ હતો એ સમયના અભાવને કારણે ભૂસાતો જાય છે. એના કરતાં બધાં મિત્રો એક દિવસે મળીએ એમાં વધારે મજા આવે છે. તેથી દિવાળી, બેસતું વર્ષે કે ભાઇબીજના દિવસે જેને જ્યારે અનૂકુળતા હોય એ મુજબ ત્રણમાંથી એક દિવસ નક્કી કરીને મળીએ છીએ. પહેલાં તો બધા સાથે મળીને ફટાકડાં ફોડતાં હતાં પરંતુ વધતા જતા પોલ્યુશનને કારણે એ બંધ કર્યું છે. સારી મુવી ચાલતી હોય તો મુવી જોવા જઇએ પછી સાથે ડિનર કરીએ. આ રીતે મિત્રોને મળી રિચાર્જ થઇ જઇએ છીએ.' - કૃણાલભાઇ શાહ, બિઝનેસમેન (ઉસ્માનપુરા)
દિવાળીએ ચોપડા પૂજન સાથે મળી કરીએ છીએ
'અમે ૧૫ મિત્રો છેલ્લાં છ વર્ષથી પરિવાર સાથે એટલે કે ૨૫થી ૩૦ જણા ચોપડા પૂજનમાં ભેગા થઇએ છીએ. પૂજા પુરી થયા પછી સાથે જમવા જઇએ છીએ. સામાન્ય રીતે દિવાળી પછી બધાનું ફરવા જવાનું અથવા તો ક્યાંકને ક્યાંક જવાનું પ્લાનિંગ હોય છે. તેથી દિવાળી પછી ગેટ ટુ ગેધર રાખવામાં આવે તો ૧૦૦ ટકા હાજરી થતી નથી પરંતુ દિવાળીનો દિવસ એક એવો દિવસ છે જ્યારે બધા મિત્રો કામમાંથી ફ્રી થઇ ગયા હોય છે એટલે બધા એકબીજાને સારો એવો સમય આપી શકે છે. તેથી બોન્ડિંગ વધે છે અને બાળકોને પણ પરસ્પર મિત્રતા બંધાય છે. ચોપડા પૂજન એ આધ્યાત્મિક ફિલિંગ આપે છે. તેથી પોઝિટિવ ઊર્જા પણ વધે છે.' - વિશાલભાઇ શેઠ, બિઝનેસમેન (પાંજરાપોળ)
લગ્ન પહેલાં દિવાળીના દિવસે મળવાનો ક્રમ લગ્ન બાદ પણ જાળવી રાખ્યો છે
'અમે સ્કૂલ ટાઇમના મિત્રો છીએ. અમે બેચલર હતાં ત્યારથી દર દિવાળીના દિવસે અચૂક મળતાં હતાં. લગ્ન બાદ બાળકો થતાં આ ક્રમ જળવાઇ રહે એટલે પરિવાર સાથે મળવાનું શરૃ કર્યું. અમે ટોટલ ૧૨ મિત્રો ફેમિલી સાથે પોતપોતાના ત્યાં ચોપડાં પૂજન કર્યા બાદ કોઇ એકના ઘરે મળવાનું ગોઠવીએ છીએ. સાથે ભેગા થઇ બધા ફટાકડાં ફોડીએ અને ચા-કોફી તથા નાસ્તો કરી છૂટા પડીએ છીએ. આ ક્રમ છેલ્લાં ૧૦ વર્ષથી જળવાઇ રહ્યો છે. સામાન્ય રીતે નવા વર્ષમાં આપણે એકબીજાના ઘરે મળવા જતાં હતાં એવો સમય મળતો નથી અને એમાંય બધા મિત્રો ભેગા થાય એ શક્ય બનતું નથી. તેથી દિવાળીના દિવસે મળી લઇએ છીએ.' - જીગ્નેશભાઇ ભીમાણી, બિઝનેસમેન (નવરંગપુરા)