Get The App

કોઈ સૂરસૂરિયા કરે, તો કોઈ ફટાકડાના ખોખાનું તાપણું...

Updated: Oct 16th, 2019

GS TEAM

Google News
Google News

દિવાળી એટલે ફુલ ઓન ઘમાલ વચ્ચે રંગે ચંગે ઉજવાતો તહેવાર. આ તહેવાર દરેક માટે એક સરખું જ મહત્વ ધરાવે છે ત્યારે અર્બન સેલિબ્રિટી પણ આ તહેવારને માણવામાં પાછા પડતા નથી.  ફિલ્મી પડદે જોવા મળતા ગુજરાતી સેલિબ્રિટીએ તેમના દિવાળી સાથેના ખૂબ જ યાદગાર કિસ્સાઓ જ્ણાવ્યા હતા. કોઇક માટે આ તહેવાર ઘરના સદસ્યોની સાથે સમય વિતાવવાનો તહેવાર છે તો વળી કોઇ માટે ધિંગા મસ્તી અને બાળપણને ફરી રિવાઇન્ડ કરવાનો તહેવાર છે.

ફેમિલીને ક્વોલિટી ટાઇમ આપી શકાય એટલે ક્યાંય ફરવા જતાં નથી

કોઈ સૂરસૂરિયા કરે, તો કોઈ ફટાકડાના ખોખાનું તાપણું... 1 - image'દિવાળી એટલે ટોટલ ફેમિલી ટાઇમ. બધા તહેવારોમાં દિવાળી જ એક એવો તહેવાર છે, જેમાં ફેમિલીને ક્વોલિટી ટાઇમ આપી શકાય છે. હું સમજણી થઇ ત્યારથી મને યાદ છે કે અમે કાકા, માસી એમ બધા ફેમિલીના લોકો ભેગા મળી ચોપડાપૂજન કરીને ફટાકડાં ફોડીએ છીએ પછી સાથે જમીએ છીએ. મને ફટાકડાં ફોડવાનો બહુ શોખ છે. એમાં બહુ અવાજ કરે એવા ફટાકડાં ફોડવાનું હું પસંદ કરતી નથી. દિવાળીની રજાઓમાં એકમેકની સાથે રહેવાનો માંડમાંડ સમય મળતો હોય એટલે એ દરમિયાન અમે ક્યારેય ફરવા જતાં નથી. દિવાળી હોય એટલે ફટાકડાં તો ફોડવા જોઇએ પણ એનાથી બીજાને તકલીફ ન પડે એનું પણ ધ્યાન રાખવું જોઇએ. - આરોહી પટેલ

ફટાકડાના ખાલી ખોખા જ્યાં સુધી બાળીને તાપણું ન કરીએ ત્યાં સુધી મજા ન આવે

કોઈ સૂરસૂરિયા કરે, તો કોઈ ફટાકડાના ખોખાનું તાપણું... 2 - imageહું નાની હતી ત્યારથી લઇને આજ સુધી દરેક દિવાળી નાના અને નાનીને ત્યાં જ ઉજવાય. પહેલા તો સ્કૂલમાં વેકેશન પડતાની સાથે જ મામાને ઘરે પહોંચી જતા. મામા-માસી અને તેમના બાળકો બધા થઇને ૩૦-૩૫ લોકો થઇએ. દિવાળી એટલે બસ ખાધા જ કરવાનું સોનપાપડી મારી સૌથી વધારે પ્રિય છે એટલે મારા નાની હું જવાની હોવું એ પહેલાં મારા માટે એક પેકેટ તો લાવીને રાખે જ અને રાત્રે તબકડું ભરીને નાના ફટાકડા ફોડાવડાવે. આજે વેકેશન નથી હોતું પરંતુ આજે પૂછવાનું ન હોય કે દિવાળી ક્યાં ઉજવશો દિવાળી તો નાનાને ત્યાં જ ઉજવાય અને ફટાકડા ફૂટે, ફટાકડાના ખોખા જ્યા સુધી બાળીને તાપણું ન કરીએ ત્યા સુધી દિવાળીની ફીલ ના આવે. - તારિકા ત્રિપાઠી

ફટાકડા ફોડવા જોઇએ એની ના નથી પણ સમજી વિચારીને ફોડવા જોઇએ

કોઈ સૂરસૂરિયા કરે, તો કોઈ ફટાકડાના ખોખાનું તાપણું... 3 - image'મારા કાકા અને કઝીન એમ અમે બધા એક જ સોસાયટીમાં રહીએ છીએ. દિવાળીના દિવસે ચોપડા પૂજન પતાવ્યા બાદ અમે બધા ભેગા મળી બહુ બધાં ફટાકડાં ફોડીએ સાથે જમીએ અને મોડા સુધી અલક મલકની વાતો કરીએ. આ ક્રમ છેલ્લાં વીસ વર્ષથી ચાલ્યો આવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી વધતા જતાં પોલ્યુશનને કારણે મને ફટાકડાં ફોડવાની ઇચ્છા થતી નથી. તેથી મેં ફટાકડાં ફોડવાનું બંધ કર્યું છે. તહેવાર છે એટલે ફટાકડાં ફોડવા જોઇએ એની ના નથી પણ સમજી વિચારીને ફોડવા જોઇએ. ૧૦-૧૫ હજારના ફટાકડાં ફોડી નાખવાથી જે ધૂમાડો થાય છે તેની અસર આપણને જ થવાની છે. તેથી આપણી જાતને નુકસાન કરે એટલું પોલ્યુશન ના ફેલાવવું જોઇએ. - જાનકી બોડીવાલા


અમને ક્રિકેટ ન રમવા દેનારાના ઘરની બાજુમાં જ રોકેટ સળગાવતાં

કોઈ સૂરસૂરિયા કરે, તો કોઈ ફટાકડાના ખોખાનું તાપણું... 4 - image'નાના હોઇએ એટલે શું સારું શું ખરાબ એની એટલી સમજ નહોતી એટલે બધા ભાઇબંધો ભેગા થઇ સોસાયટીની બહાર જે બોર્ડ લગાવ્યા હોય એને ફટાકડાં ફોડીને તોડી નાંખતા હતાં. અમે સોસાયટીમાં ક્રિકેટ રમીએ ત્યારે જે અમને બહુ બોલબોલ કરતાં હોય, એ લોકોનાં ઘર બાજુ ગાંડિયા રોકેટ સળગાવીને જવા દેતાં. આવી તોફાન મસ્તી કરવાની બહુ મજા આવતી. બાકીના ફટાકડાં મેદાનમાં લઇ જઇને ફોડતાં, ફોડયા પછી કલાકો સુધી બેસીને વાત કરતાં હતાં. ભૂલી ન શકાય એવા કમાલના દિવસો હતા એ છે. કોઠી ફુવારાની જેમ સળગતી હોવાથી મને બધા ફટાકડામાં કોઠી સળગાવવી ગમતી. આજે પણ ગમે છે પરંતુ હવે ફટાકડાં ફોડવાનું નહીવત થઇ ગયું છે. - મયૂર ચૌહાણ

૪૦ મિત્રો દુનિયાના કોઇપણ ખૂણે હોય પણ દિવાળીએ ગામડે અચૂક પહોંચી જઇએ

હું પોતે પાલનપુરનો છું અને મારું ગામ સાંબરડા. હાલ ગામમાં માત્ર ૯-૧૨ કુટુંબો રહે છે પણ દિવાળીએ મેળા જેવો માહોલ હોય છે. બધા જ કામ ધંધા માટે અલગ અલગ જગ્યાએ વસેલા છે. અમારા ૪૦ મિત્રોનું ગુ્રપ દુનિયાના કોઇપણ ખૂણે હોય પણ દિવાળીએ તો ગામડે અચૂક પહોંચી જ જવાનું. બેસતા વર્ષના દિવસે બધા જ યંગસ્ટર્સ એક જ સમયે નીકળીએ અને ગામના વડીલોને પગે લાગીએ અને રાત્રે આખા ગામના લોકો એક જ જગ્યાએ ભેગા થાય અને આતીશબાજી કરીને મજા કરીએ. ગયા વર્ષે ખૂબ જ મન હોવા થતા ફિલ્મનું શૂટ કરતો હોવાથી હું ગામડે ન હતો જઇ શક્યો પણ આ વખતે તો પહોચી જ જઇશ. - યુવરાજ ગાંધી

શરત જીતવાની લ્હાયમાં હું દિવાળીની રાત્રે સૂતો નહોતો

'હું નાનો હતો ત્યારે અમારું ગુ્રપ હતું. અમે સાથે મળી દિવાળીની રાત્રે એક-બે વાગ્યા સુધી ફટાકડાં ફોડતા હતા. છૂટા પડતી વખતે શરત લગાવીએ કે જે બીજા દિવસે સવારે સૌથી પહેલાં ઊઠી ફટાકડા ફોડે એને બાકીના મિત્રો નાસ્તો કરાવે. શરત જીતવાની લ્હાયમાં ઘરે આવીને ઊંઘવાને બદલે હું રંગોળી કરવા બેસી જાઉં. મને રંગોળી બનાવવાનો શોખ હતો. રંગોળી પૂર્ણ થાય એટલે નિત્યક્રમ પતાવી ફટાકડાં ફોડવાનું શરૃ કરી દઉં. આ રીતે હું મોટાભાગે શરત જીતી જતો જેનો મને આનંદ થતો. ગ્લોબલ વોમગના કારણે વાતાવરણમાં જે ઇફેક્ટ થઇ રહી છે તેને જોતાં હવે ફટાકડાં ફોડવાનો શોખ રહ્યો નથી. તેથી મેં ઇન્સ્ટાગ્રામ પર 'ગ્રીન સિટી શેફ સિટી' કેમ્પેઇન શરૃ કર્યું છે. એમાં જે લોકો વૃક્ષ વાવી તેનો ફોટો પાડી મને મોકલે તેને હું મારા પેજ પર શેર કરું છું. - આર્જવ ત્રિવેદી

Tags :