ઘરમાં રહેલા બેકિંગ સોડાથી કરો POPની પ્રતિમાનું સંપૂર્ણ વિસર્જન
બાપુનગરના શ્રી રામ મિત્રમંડળ દ્વારા ગણપતિની પીઓપીની મૂર્તિનું બેકિંગ સોડાથી વિસર્જન કરાશે
ગણેશ મહોત્સવમાં સૌથી મોટી સમસ્યા ગણેશજીની પીઓપીની પ્રતિમાના વિસર્જનની હોય છે. માટીની મુર્તી સહેલાઇથી પાણીમાં ઓગળી જાય છે, જ્યારે પીઓપીની પ્રતિમા પાણીમાં ઓગળતી નથી. તેના કારણે ઘણા ભક્તોની લાગણી પણ દુભાય છે. પરંતુ બાપુનગરના શ્રી રામ મિત્ર મંડળના સભ્યો દ્વારા પીઓપીની પ્રતિમા પાણીમાં ઓગાળવાની ફોરમ્યુલા તૈયાર કરાઇ છે. ફોરમ્યુલા મુજબ વિસર્જન કરવામાં આવે તો પીઓપીની પ્રતિમા પણ પાણીમાં સહેલાઇથી ઓગળી જશે. જ્યારે પ્રતિમા ઓગળ્યા બાદ રહેલા પાણીનો ઉપયોગ જમીની ખાતર તરીકે પણ કરી શકાય છે અને પાઉડરનો ઉપયોગ ચોક જેવી પ્રોડક્ટ બનાવવામાં કરી શકાય છે. નાની મોટી સાઇઝની ગણપતિની મુર્તીઓનું વિસર્જન ફોરમ્યુલા દ્વારા શક્ય છે.
ગણપતિની પ્રતિમા પાણીમાં ડુબે તેટલું પાણી જરૂરી છે
ફોરમ્યુલા બનાવા માટે ગણપતિની સાઇઝ મુજબ પાણીનું તળાવ અથવા ખાડો બનાવો, ત્યારબાદ ખાડામાં મુર્તીના વજન મુજબ બેકિંગ સોડા પાણીમાં ઉમેરવો. બેકિંગ સોડા ઉમેર્યા બાદ તેને પાણીમાં સારી રીતે મેળવો અગત્યનો છે. મિશ્રણ વાળા પાણીમાં વિધીસર ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરી શકાય છે. ગણપતિની પ્રતિમાનું સંપુર્ણ વિસર્જન ૨૪થી ૪૮ કલાકમાં થાય છે.
ઘણા વર્ષોથી યોગ્ય રીતે વિસર્જનનો પ્રયાસ કરતા હતા
અમે છેલ્લા ઘણા વર્ષોથી પીઓપીની પ્રતિમાનું સંપુર્ણ વિસર્જન કરવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ સફળતા મળતી નહોતી. સંપુર્ણ વિસર્જન કરવા માટે અમે વિવિધ પ્રકારના સોડાનો ઉપયોગ કરતા હતા. જ્યારે આ વર્ષે અમે બેકિંગ સોડાનો ઉપયોગ કર્યો જેના દ્વારા સફળતા મળી છે. બેકિંગ સોડાનો ઉપયોગ કરવાની પ્રેરણા ઓનલાઇન પ્લેટફોર્મ યુ-ટયુબ પરથી મળ્યો હતો. - ભૂષણ કુલકર્ણી
પર્યાવરણ અને રોજગારી પર પ્રયોગની અસર થશે
પીઓપીની પ્રતિમાનું સંપુર્ણ વિસર્જન પરનો પ્રયોગ સફળ થયો હોવાથી પર્યાવરણ માટે સારી બાબત છે. સાથે જ પીઓપીની પ્રતિમા બનાવતા આર્ટિસ્ટની રોજગારી માટે પણ સારા સમાચાર છે, ખા વર્ષે લોકો માટીની પ્રતિમા તરફ વળ્યા હોવાથી પીઓપીની પ્રતિમાના બિઝનેસ પર અસર પડી છે. પરંતુ આ સફળ પ્રયોગથી પર્યાવરણ અને આર્ટિસ્ટની રોજગારીમાં લાભ થશે. - રાહુલ દેસાઇ