નાસા મિની ઇન્ડિયા છે, ગુજરાત સહિત અનેક રાજ્યના કર્મચારીઓ તેમાં કામ કરે છે
નાસામાં કામ કરતા ગુજરાતી વિજ્ઞાાની ડૉ.કમલ ઠાકોર સાથે સંવાદ
નાસા સ્પેસ શટલમાં કામ કરતી મહિલાઓને અવકાશયાત્રાએ મોકલવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે
નાસાના કોમ્યુનિકેશનનું એક આગવું મહત્વ છે. નાસાની કામગીરી વિશેની સમજ વિશ્વના સામાન્ય લોકો સુધી લઇ જવામાં કોમ્યુનિકેશનનો મોટો ફાળો છે. નાસાનું બજેટ ૨૨.૫ મિલિયન ડૉલર (૧૪૦૦ અબજ રૃપિયા) છે જે અમેરિકાના બજેટના ૦.૫ ટકા છે. આ શબ્દો છે, નાસામાં કામ કરતાં ગુજરાતી મૂળના ડૉ.કમલ ઠાકોરના. 'નાસાની કામગીરી અને કોમ્યુનિકેશન' પરિસંવદમાં ૩૭ વર્ષથી અમેરિકાના સ્પેસ સંસ્થાન નાસામાં કામ કરતાં ડૉ.કમલ ઠાકોરનું વકતવ્ય યોજાયું હતું. તેઓએ ૨૨ સેટેલાઇટના નિર્માણમાં કામ કરી ચૂક્યા છે.
નાસા સાથેના પોતાના અનુભવોને વિશે વાત કરતાં તેઓ કહ્યું કે મારા માસા અને હાલમાં નાસામાં સાયન્ટિસ્ટ તરીકે સેવા આપતા ૮૪ વર્ષીય ડૉ.ઉપેન્દ્ર દેસાઇની પ્રેરણા મળી હતી અને અમેરિકામાં જઇને અભ્યાસ કરીને નાસામાં સેવા આપવાનો મોકો મળ્યો છે. સેટેલાઇટના સ્ટ્રક્ચરનું કામ ઘણું અઘરું હોય છે. અત્યારે હું જોઇન્ટ પોલાર્ડ સેટેલાઇટ અને જેમ્સવેબ ટેલિસ્કોપ સિસ્ટમ માટે કામ કરું છું, જેમાં જેમ્સવેબ ટેલિસ્કોપમાં કોઇપણ વસ્તુનો સમયગાળો નક્કી કરવા માટે કામ કરશે તેમજ જોઇન્ટ પોલાર્ડ સેટેલાઇટને વિવિધ સેટેલાઇટની સિસ્ટમની માહિતી પૂરી પાડવાનું કામ કરશે. નાસાનું કામ વ્યક્તિઓને અંતરિક્ષમાં મોકલવાનું નથી પણ રસાયણ વિજ્ઞાાન, જીવવિજ્ઞાાન, ભૌતિકવિજ્ઞાાન, તબીબી વિજ્ઞાાનના ક્ષેત્રમાં પણ કામ કરવાનું છે. એમ કહેવું ખોટું નથી કે, નાસામાં ૨૫ ટકા કર્મચારી એવા છે જેઓ ભારતના વિવિધ રાજ્યોમાંથી આવે છે. એટલે એક રીતે નાસા મિની ઇન્ડિયાની ગરજ સારે છે.
નાસાની સમસ્યા હલ કરી અને મને ત્યાં નોકરી મળી
હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયો અને ભૌતિક વિજ્ઞાાનમાં પીએચ.ડી. પૂર્ણ કર્યું છે. અભ્યાસ પૂરો કર્યા પછી પ્રાઇવેટમાં જોબ કામ કરતો હતો. આવા સમયે નાસામાં 'ઇનહાઉસ સ્પેસ ટેલિસ્કોપ' તૈયાર થઈ રહ્યું હતું અને તેમાં કોઇ સમસ્યા થઇ તે સમયે પ્રોજેક્ટ મેનેજરે મારો સંપર્ક કર્યો અને તેણે કહ્યંુ કે આ સમસ્યા હલ કરી આપશો તો તમને નાસામાં નોકરી અપાવીશ. મને વિશ્વાસ સાથે લેખિતમાં લખાણ આપ્યું. મેં ત્રણ મહિનામાં આ સમસ્યા હલ કરી અને મને નાસામાં સેવા કરવાનો મોકો મળ્યો જેને લીધે આજે પણ ત્યાં કામ કર્યું છું.
બે વર્ષના પ્રોજેક્ટને છ મહિનામાં પૂરો કર્યો
પ્રેસિડન્ટ બુશ દ્વારા લુનર ઓર્બિટરના પ્રોજેક્ટને બે વર્ષમાં તૈયાર કરીને તેને લોન્ચ કરવાનો ટાર્ગેટ હતો. આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે બીજા લોકો પાસે ગયા હતા પણ તેમાં સફળ ન થતા તેમને મારો સંપર્ક કર્યો હતો અને મને ફક્ત છ મહિનાનો સમય આપ્યો હતો. મારા માટે ઓછા સમયમાં મૂંઝવણભરી સ્થિતિમાં હાર ન માની અને કામ કરતા તેમાં ૮૦ ટકા સફળતા મળી હતી આ જાણીને પ્રેસિડન્ટ બુશ ખુશ થયા હતા જે મારા માટે એક યાદગાર પ્રસંગ છે. આની સાથે મને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપમાં જે મીરર હોય છે તે બધા ક્રાયોજેનિક રીતે -૨૫૫ સેલ્સિયસથી ૨૫ સેલ્સિયસ સુધીનું તાપમાન રહેવા જોઇએ તે માટેનું કામ હતું અને તે કામ પૂર્ણ કરી દીધું છે અને ૨૦૨૦માં પ્રોજેક્ટના બંને ભાગને લોન્ચ કરવામાં આવશે.