ગુજરાતી સાહિત્યની સીમાચિહ્નરૂપ નવલકથામાં 'છિન્નપત્ર' સ્થાન ધરાવે છે
સુરેશ જોષીના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે તેમની નવલકથા વિશે સંવાદ
ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક એવા સુરેશ જોષીના (૨૦૨૦-૨૦૨૧) જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે સુરેશ જોષી સાહિત્ય વિચાર ફોરમ દ્વારા સુરેશ જોષી લિખિત 'છિન્નપત્ર'નવલકથા વિશે ફેસબૂક પેજ પર ઓનલાઇન સંવાદનું આયોજન કરાયું હતું. આ લાઇવ સંવાદમાં સાગર શાહ અને દર્શિની દાદાવાલા જોડાયા હતા. સુરેશ જોષી ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર હતા. આ વર્ષ તેમના જન્મશતાબ્દીનું વર્ષ છે ત્યારે તેમના સાહિત્યનું જ્ઞાાન લોકો સુધી પહોંચે તે આશયથી સુરેશ જોષી સાહિત્ય વિચાર ફોરમ દ્વારા દર મહિને તેમના સાહિત્યસર્જનના કોઇ એક વિષય પર સાહિત્યના તજજ્ઞા દ્વારા સવિશેષ માહિતી આપવાનું નક્કી કરાયું છે.
જેમાં આ મહિને સુરેશ જોષીની નવલકથા 'છિન્નપત્ર' વિશે ચર્ચા કરવામાં આવી હતી. સંવાદ વિશે નવોદિત વાર્તાકાર સાગર શાહે કહ્યું કે, સુરેશ જોષીના સાહિત્યમાં 'છિન્નપત્ર' ઉત્તમ નવલકથા છે. ગુજરાતી સાહિત્યની સીમાચિહ્ન રૃપ નવલકથામાં છિન્નપત્ર સ્થાન ધરાવે છે. નવલકથાના પાત્રો અજય,માલા અને લીલા વચ્ચે પ્રેમ છે અને વેદનાની પણ વાત છે. નવલકથામાં પ્રણયત્રિકોણની સાથે પ્રેમના સંબંધને વધારે સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે.
ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોષીનું આગવું મહત્વ છે
સુરેશ જોષીને ગુજરાતી સાહિત્યના આધુનિક પિતા કહેવાય છે. સમગ્ર જીવન સુધી ગુજરાતી સાહિત્ય માટે કાર્ય કર્યું હતું. તેમના સાહિત્ય સર્જનને લઇને તેમને સાહિત્યક્ષેત્રના વિવિધ એવોર્ડથી સન્માનિત પણ કરાયા હતા. સાદગીપૂર્ણ જીવનની સાથે સાહિત્યની સેવા કરીને ઘણી બધી વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને નિબંધકાર તરીકે કામ કર્યું હતું. આજની નવી પેઢીએ સુરેશ જોષીના સાહિત્ય સર્જનથી પ્રેરણા લઇને નવા સાહિત્ય સર્જન માટે કાર્ય કરીને ગુજરાતી સાહિત્યમાં પોતાનું યોગદાન આપવું જોઇએ.- દર્શિની દાદાવાલા, વાર્તાકાર