બિનવારસી વ્યકિતના મૃતદેહને અગ્નિસંસ્કાર કરતા અમારા પરિવારનો એક સભ્ય ગુમાવ્યો હોય તેટલું દુઃખ થાય છે
જય શ્રી મેલડી 10 ગૃપના સભ્ય દ્વારા બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાનું કાર્ય કરવામાં આવે છે
સમગ્ર વિશ્વ નોવેલ કોરોના વાઇરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. નોવેલ કોરોનાના વધતાં સંક્રમણને લીધે ઘણાં લોકોના મૃત્યુ પણ થઇ રહ્યાં છે. આવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે કોઇ પણ સ્થળે રહેલા બિનવારસી વ્યકિતના મૃતદેહના અંતિમ સંસ્કાર કરીને કોઇ વ્યકિત પોતાના જીવને જોખમમાં નાખવા તૈયાર નથી ત્યારે આવા બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપીને માનવતાનું અનેરું કાર્ય શહેરના જય શ્રી મેલડી ગૃપના૧૦ સભ્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ વિશે વાત કરતાં ગૃપના સભ્ય મેહુલ ચૌહાણે કહ્યું કે, અમારું ગૂ્રપ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનું કાર્ય કરે છે. પંદર દિવસ પહેલાં વટવા વિસ્તારમાં એક બેંકના નજીકના વિસ્તારમાં કોઇ અજાણી વ્યકિતનો બિનવારસી મૃતદેહ પડયો હતો તેની જાણ અમારા ગૃપને થતાં અમે ત્યાં જઇને જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને ત્યારબાદ જે વ્યકિતનું મૃત્યુ થયું હતું તેમના પાસેથી અમને તેમના પરિવારનો ફોન નંબર મળતા તેમને જાણ કરી હતી પણ તે કોઇ સંજોગોને લઇને ન આવતા પછી તે મૃતદેહને અમે પોલીસની પરમિશન લઇને સ્મશાનમાં અગ્નિસંસ્કાર આપ્યો હતો. તે સમયથી અમારા ગૂ્રપના સભ્યો દ્વારા શહેરમાંથી બે બિનવારસી મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે. ગૂ્રપના બધા સભ્યોએ નક્કી કર્યું છેે કે, જીવનના જેટલા સમય સુધી અમારાથી થઇ શકશે તેટલો સમય અમારું ગૃપ આ માનવતાનું કાર્ય કરીનેે જીવનને એક નવી દિશા આપવાનું કાર્ય કર્યું છે.
અગ્નિસંસ્કાર પછી બાળકોને નાસ્તો આપીએ છીએ
શહેરના જે-તે વિસ્તારમાંથી જ્યારે આવો કોઇ મૃતદેહની જાણકારી અમારા ગૂ્રપને મળે છે ત્યારે અમે પોલીસને જાણ કરીએ છીએ. તેમજ મૃત્યુ પામનાર વ્યકિત પાસેથી કોઇ જો તેમના પરિવારનો કે સગા-સબંધીઓનો સંપર્ક કરીએ છીએ જો તે આવી શકે તેમ ન હોય તો અમે મૃતદેહને સ્મશાનમાં લઇ જઇને તમામ વિધિ સાથે અંતિમ સંસ્કાર વિધિ કરતા અમે અમારા પરિવારમાંથી એક સભ્ય ગુમાવ્યો હોય તેટલું દુઃખ થાય છે. ત્યારબાદ તેમના અસ્થિઓને સાબરમતી અને ગંગા નદીમાં વિસર્જન કરીને તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરીએ છીએ. તેમજ અંતિમ વિધિના દિવસોમાં બાળકોને બિસ્કિટ અને નાસ્તો આપીએ છીએ.