ગાંધીજીના વિચારો પુન: જીવીત થશે તો ક્લાઇમેટ ચેન્જનું સોલ્યુશન મળી જશે
AMA ખાતે ક્લાઇમેટ ચેન્જ પર કોન્ફરન્સ યોજાઇ
ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ, સશક્ત ફાઉન્ડેશન અને એઆરસી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી કોન્ફરન્સમાં અમદાવાદના પર્યાવરણવિદ્ અને રિસર્ચર ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધીજીની સ્વતંત્રતાની ચળવળ વિશે સૌને જ્ઞાાન છે પરંતુ લોકો તેમને પર્યાવરણપ્રેમી તરીકે નથી ઓળખતા. જો ગાંધીજીની વિચારધારાને અનુસરવામાં આવે તો પર્યાવરણને બચાવી શકાય છે આ વિચાર પર કોન્ફરન્સમાં વાત કરાઇ. કોન્ફરન્સમાં પ્રતિક કુમાર, વિંગ કમાન્ડર ધર્મેન્દ્ર શર્મા, મહેશભાઇ પંડયા, તેમજ મેઘા ભટ્ટ સહિત ૨૦ પેનલિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આપણા દેશની વેલ્યુસિસ્ટમ અલગ છે તેથી અન્ય દેશની કોપી કરવી યોગ્ય નથી
ગાંધીજીએ 'મારું જીવન એજ મારો સંદેશ' તેવું કહ્યું હતું. તેઓ પર્યવરણને બચાવવા માટે તેમની જરૃરિયાત સમજીને રિસોર્સિસનો ઉપયોગ કરતા હતા. સાધનો વગર સરળ જીવન કેવી રીતે રહી શકાય તેનો ખ્યાલ આપ્યો છે. અત્યારે લોકો અન્ય દેશની કોપી કરી રહ્યા છે પરંતુ આપણા દેશની વેલ્યુસિસ્ટમ અલગ છે તે સમજીને આપણે કામ કરવું જોઇએ. - અતુલ પંડયા, સાબરમતી ગાંધીઆશ્રમના ડાયરેક્ટર
ગાંધી વિચારધારાને લોકોએ સાઇડ લાઇન કરી દીધી છે
ગાંધીજીના એકાદશવ્રતને અનુસરવામાં આવે તો પ્રશ્નોના હલ આપોઆપ મળશે. ગાંધી વિચારધારાને આપણે સાઇડમાં મૂકી દીધી છે પરંતુ ગાંધીજીની ફિલોસોફીથી ક્લાઇમેટ ચેન્જનું સોલ્યુશન મળી શકે છે. પ્રાઇમરી સ્કૂલના કેરિક્યુલમમાં એન્વાયરમેન્ટનો વિષય મૂકવામાં આવ્યો છે પરંતુ બાળકો તેને પરીક્ષા માટે વાંચે છે સમજતા નથી. બાળકને સમજ નહી પડે ત્યાં સુધી તેને અમલમાં નહી મૂકી શકે. - ડૉ. સુમિત સાબકે, કોન્સેપ્ટ બાયોટેક
આજે સાબરમતીનું પાણી ડિટેક્ટ ન થઇ શકે તેટલું ગંદુ છે જ
વિકાસની જે પરિભાષા બનાવી છે તેના પર ફરી એક વખત વિચારવાની જરૃર છે. સવારથી ઉઠીને આપણે જે પણ સોર્સનો ઉપયોગ કરીએ છીએ તે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. મેં રિવરફ્રન્ટ ખાતેના પાણીનું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સાથે રહીને રિસર્ચ કર્યું. તે પાણી ડિટેક્ટ ન થઇ શકે તે હદ સુધી ગંદુ હતું અહીથી ખંભાત સુધીની બધી જ નદીઓની આ હાલત છે. - મુદિતા વિદ્રોહી, પ્રોગ્રામ કોર્ડિનેટર, ગુજરાત સમિતિ