ચક દે ઇન્ડિયાઃ વર્ષે 29 ઓગસ્ટના દિવસે 'નેશનલ સ્પોર્ટ્સ ડે' તરીકે ઉજવણી કરવામાં આવે છે
હોકીની રમત સાથે જોડાઇને નેશનલ લેવલે આગવી ઓળખ ઊભી કરનાર યુવા હોકી બ્રિગેડીયરે પોતાના મંતવ્ય આપ્યા હતા
રમતનું નામ સાંભળતા જ આપણા મનમાં સામાન્ય રીતે ક્રિકેટ યાદ આવે છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે ભારતમાં ક્રિકેટ રમત એટલી જાણીતી ન હતી ત્યારે હોકીની રમતનો સુવર્ણયુગ રહ્યો હતો. હોકીની રમતમાં ભારતે ગોલ્ડ મેડલ જીતીની વિશ્વમાં ડંકો વગાડનાર મેજર ધ્યાનચંદની જ્યંતી નિમિત્તે દર વર્ષે 29 ઓગસ્ટના દિવસે 'નેશનલ સ્પોર્ટ્સ ડે' તરીકે ઉજવણી કરવામાં આવે છે. આપણા દેશમાં હોકીની રમતનો ભૂતકાળ આટલો ભવ્ય હતો. આ રમતની ઓળખ જાળવવી ઘણી મુશ્કેલ બની છે ત્યારે હોકીની રમત માટેના મેદાન સહિતની યોગ્ય માળખાકીય સુવિધાઓના અભાવ વચ્ચે સ્કૂલના અભ્યાસ સાથે હોકીની રમત સાથે જોડાઇને નેશનલ લેવલે આગવી ઓળખ ઊભી કરનાર યુવા હોકી બ્રિગેડીયરે પોતાના મંતવ્ય આપ્યા હતા.
ત્રણ વખત નેશનલ લેવલ પર ગુજરાતને હોકીમાં રીપ્રેઝન્ટ કર્યું
હું 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. અમારી ટીમે ત્રણ વખત નેશનલ લેવલ પર ગુજરાતને હોકીમાં રીપ્રેઝન્ટ કર્યું હતું. આ વર્ષે હું અમારી ટીમની કેપ્ટન હતી. મારા પપ્પા વિવિધ રમત ગમત સાથે સંકળાયેલા છે અને તેમનાથી પ્રેરાઈને હું પણ હૉકી રમતની સાથે જોડાઇ હતી. મારો મોટો ભાઈ અને નાનો ભાઈ પણ હોકી રમે છે. હોકીની રમતમાં ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન રાની રામપાલ મારા પ્રેરણાસ્ત્રોત છે. હું આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ટીમ માટે હોકી રમવા માંગુ છું. - રિદ્ધિબા વાઘેલા (કેપ્ટન)
ખભા પર ગંભીર ઇજા પહોંચી હતી પણ હું હોકીની મેચ રમી હતી
હું 10 મા ધોરણમાં અભ્યાસ કરી રહી છું અને છેલ્લાં સાડા ચાર વર્ષથી હોકી રમી રહી છું. આ વર્ષે કર્ણાટકમાં યોજાયેલ નેશનલ હોકીની મેચ રમી હતી. ગોલકીપિંગ કરતી વખતે મને ખભા પર ગંભીર ઇજા પહોંચી હતી પણ મેં તેનાથી હાર માન્યા વિના વધુ મજબૂત રીતે ખેલાડી તરીકે ફરીથી મેચમાં જોડાઇને ટીમને વિજેતા બનાવી હતી. હાકી રમતની સાથે સાથે હું એન્જિનિયર થવાની મારી ઇચ્છા છે. ભારતીય મહિલા હોકી ટીમની ગોલકિપર સવિતા પુનિયા મારા રોલમોડલ છે અને તેમની જેમ જ હું મારી ટીમમાં ગોલકીપિંગ કરી રહી છું. - પ્રાચી ચૌહાણ (ગોલકીપર)
અભ્યાસની સાથે હોકીની રમતમાં પણ અવલ્લ
હું આપણા દેશની નેશનલ ગેમ્સ હોકી રમતની રમવા સાથે જોડાઇ હતી. દસમા ધોરણમાં અભ્યાસની સાથેે છેલ્લાં ચાર વર્ષથી હૉકી રમી રહી છું. રમતગમતની માઠી અસર અભ્યાસ પર પડશે તેવું લાગતું હતું પણ હું યોગ્ય ટાઈમ ટેબલ ગોઠવીને હોકીની સતત પ્રેક્ટિસ કરી રહી છું. મારો ગોલ નેશનલ લેવલ પર પણ હોકી રમવાનો છું. મારી બહેન પણ હોકીની રમત સાથે જોડાયેલું છે ભારતીય મહિલા ટીમના કેપ્ટન રાની રામપાલ અમારા પ્રેરણાસ્ત્રોત છે. હોકીની સાથે મારે આકટેક બનવાની ઇચ્છા છે. - કાવ્યા શાહ
સબ જુનિયર નેશનલ હોકી ચેમ્પિયનશિપમાં ઘણું શીખવા મળ્યું
પરિવારના સભ્યોની પ્રેરણાથી હોકી રમવામાં જોડાઇ હતી. હોકીની રમતમાં ડાયેટનું ધ્યાન રાખવું ખૂબ જરૃરું છે. આ વર્ષે મણીપુરમાં યોજાયેલ સબ જુનિયર નેશનલ હોકી ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમમાંથી રમી છું. એક મેચ દરમિયાન હોકીનો બોલ નાક વાગતા લોહી નીકળવા લાગ્યું હતું છતાં હાર માન્યા વિના ગેમ પૂરી કરીને ટીમને વિજેતા બનાવી હતી જે મારા માટે યાદગાર મેચ છે. જ્યોતિ સુનિતા કુલ્લુ મારા સૌથી પ્રિય હોકી ખેલાડી છે. દિવસમાં બે કલાકથી વધારે પ્રેક્ટિસ કરું છું. અભ્યાસ પૂરો કરી આઇટી સેક્ટરમાં જોબ કરવાની સાથે પણ હું હોકીની રમત રમીને બીજા લોકોને પણ તૈયાર કરવાનું મારું લક્ષ્ય છે. - વૃશીકા વ્યાસ
ટર્ફ ગ્રાઉન્ડના અભાવે ખેલાડીઓ માટી- ઘાસના મેદાનમાં પ્રેક્ટિસ કરે છે
ગુજરાતમાં રમતગમતની સ્થિતિ ઘણી નબળી છે, જેમાં ખાસ કરીને અમદાવાદમાં હોકી માટે જરૃરી એવા ટર્ફ ગ્રાઉન્ડનો અભાવ છે. ખેલાડીઓ ટર્ફ ગ્રાઉન્ડને બદલે માટીના અને ઘાસના ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરે છે. ટર્ફ ગ્રાઉન્ડ પર રમાતી સ્પર્ધાઓમાં રમતી વખતે પગ લપસવાથી તેમના પરફોર્મન્સ પર અસર પડે છે. - ફ્રાન્સીસ પરમાર, હોકીકોચ, સી.એન. વિદ્યાલય
ઇન્ડિયન હોકી ટીમમાં જોડાઇને માતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની મારી ઇચ્છા છે
મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી પણ પાંચ વર્ષથી હોકીની રમત સાથે જોડાયેલી છું. હું ધોરણ 12માં અભ્યાસ કરું છુ અને નિયમિત સાંજે હોકીની પ્રેક્ટિસ કરું છું. અત્યાર સુધીમાં બે વાર નેશનલ લેવલે હોકીની રમતમાં રમી છું. ગુજરાત કોલેજમાં યોજાયેલી અન્ડર 17 હોકી ટુર્નામેન્ટમાં સેન્ટર હાફ ખેલાડી તરીકે જોડાઇ હતી અને તેને લીધે ઘણું શીખવા મળ્યું હતું. ઇન્ડિયન હોકી ટીમ જોડાઇને પરફોર્મન્સ કરું તે મારી માતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી રહી છું. - અનુપ્રિયા કોયરી
સ્કૂલ ફ્રેન્ડસને લીધે હોકીમાં જોડાઇ
મારી ફ્રેન્ડ્સે મને અભ્યાસ પૂરો કર્યા પછી હોકીની રમત સાથે જોડાવવા માટે કહ્યું હતું. હોકી મારો શ્વાસ બની છે અને તેને લીધે હું નિયમિત મારી ફ્રેન્ડ્સનો આભાર માનું છું. પાંચ વર્ષમાં સ્ટેટ, નેશનલ લેવલે હોકી રમીને ઘણું શીખવા મળ્યું છે. હોકીના ખેલાડીઓને પ્રોત્સાહિત કરે તો હોકીની રમતમાં ખેલાડીઓ વધુ મેડલ જીતી શકે છે. - વિમલા થાપા