અમારા કાંડે માં ભારતીએ રક્ષાનું કવચ બાંધ્યું છે
સરહદે ફરજ બજાવતા જવાનોની રક્ષા બંધન
નસીબદાર હોય એ ભાઇ જેને બહેનનો પ્રેમ મળે અને નસીબદાર હોય એ ભાઇ-બહેન જે રક્ષાબંધનના દિવસે મળે છે પણ અમુક ભાઇ એવા છે જે આપણી દેશની રક્ષા કાજે ટાઢ, તાપ, વરસાદ અને દરેક તહેવારોને બાજુ પર મૂકી સરહદ ઉપર અડીખમ ચટ્ટાનની જેમ ઊભા છે. આજે ૧૫ ઓગસ્ટ છે અને રક્ષાબંધનનું પાવન પર્વ, વાત કરીએ એવા ભાઇ-બહેનના સંબંધોની જેમાં ભાઇ ભારતની સરહદ પર ફરજ બજાવી રહ્યો છે અને બહેન સુતરની રક્ષા ઘણા વર્ષથી બાંધી શકી નથી.
બહેન પાસે રાખડી બંધાવા નહીં જવાય એનું દુઃખ તો છે પણ સાથે દેશની રક્ષાનું દાયિત્વ હોવાનો આનંદ પણ છે
'હું સમજણો થયો ત્યારથી મને ફોજમાં જોડાવવાની ઇચ્છા હતી. ટ્રેનિંગ લીધા બાદ પહેલી વખત ડયુટી પર જોઇન્ટ થવા ઘરેથી નીકળ્યો ત્યારે બહેને કલાઇ પર રાખડી બાંધી હતી. એ દિવસ આજે પણ યાદ છે. અમે પાંચ ભાઇબહેનોમાં અમારી બે બહેનો મારા કરતાં મોટી છે. નાના હોઇએ ત્યારે દરેક ભાઇ-બહેનો વચ્ચે નાની નાની વસ્તુઓ કે વાતને લઇને નોક ઝોક થતી હોય, એવી અમારા વચ્ચે પણ થતી. મોટા બહેન તો ઉંમરમાં ઘણા મોટા હતાં એટલે તેમનો આદર કરતાં પણ બીજા નંબરની બહેન સાથે તકરાર થતી રહેતી. એ મીઠી તકરાર રક્ષાબંધનના દિવસે વધુ યાદ આવે છે. મને આર્મીમાં જોડાયાને સાત વર્ષ થયાં. શરૃઆતમાં એક બે વર્ષ રક્ષાબંધનમાં ઘરે જવા મળ્યું હતું, પછી તો ફોન પર કે વીડિયો કોલિંગ દ્વારા બળેવના દિવસે વાત કરી લેતાં. આ વખતે રક્ષાબંધન પર બહેન પાસે રાખડી બંધાવી શકાય એ માટે છ મહિનાથી રજા લીધી નહોતી. પરંતુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટાવવાને લીધે સ્થિતિ તંગ બની હોવાથી રજા મળી શકે એમ નથી. બીજું અત્યારે અમારી ડયુટી એવી જગ્યા પર છે જ્યાં બહેનની રાખડી પહોંચી શકે એમ નથી. તેથી અફસોસ થાય છે કે આ વખતે બહેનની મોકલાવેલી રાખડી કાંડા પર નહીં બાંધી શકાય. સાથે ખુશી પણ છે કે અમારા શિરે એક બહેનની જ નહીં પણ આખા દેશની રક્ષાનું દાયિત્વ છે.' સજ્જનસિંઘ ગોહેલ,BSF
ભાઇ આવશે ત્યારે રક્ષાબંધન ઉજવીશું
'ફોન અને ટેકનોલોજીને લીધે એકબીજાના સંપર્કમાં રહી શકાય છે. વીડિયો કોલિંગ દ્વારા તેને જોઇ શકાય છે પરંતુ ઘણી વખત નેટવર્ક ન પકડાતું હોય અથવા તો સજ્જનસિંહ કોઇ એવા વિસ્તારમાં હોય જ્યાં સંપર્ક અશક્ય બની જાય ત્યારે મનમાં છૂપો ડર લાગે છે. ભાઇની કમી તો કોઇ પુરી કરી શકવાનું નથી પણ તે જે માર્ગે ગયો છે એ માટે અભિમાનની લાગણી જન્મ છે. એ જ્યારે આવે છે ત્યારે ઘરમાં તહેવારનો માહોલ હોય છે અને ફરી રક્ષાબંધન ઉજવાય છે.' - રુદ્નાબા ગોહિલ, જૂનાગઢ
બહેને આત્મવિશ્વાસ વધાર્યો ન હોત તો અત્યાર સુધી મેદાન છોડી ચૂક્યો હોત
'અમે પાંચ ભાઇ વચ્ચે એક જ બહેન છે. એમાં હું બધા કરતાં નાનો હોવાથી સૌનો લાડકો છું. મારા સાત વર્ષની ડયુટીમાં હું એક જ વખત રક્ષાબંધનમાં રાખડી બંધાવા જઇ શક્યો છું. અમારું ફેમિલી મોટું છે તેથી વારે-તહેવારે બધા ભેગા થાય અને હું ફરજ પર હોવાને લીધે ઘરે જઇ શકતો નથીં. એનો મને પારાવાર અફસોસ થતો. હું બહુ ઇમોશનલ થઇ જતો. તહેવારોમાં તો ઘણી વખત ફેમિલી સાથે વાત કરતાં કરતાં અમે બધા રડી પડતા હતા. તમને જાણીને નવાઇ લાગશે કે શરૃઆતમાં તો અનેકો વખત મેં નોકરી છોડી ઘરે પાછા જતાં રહેવાનું વિચાર્યું હતું. પણ મમ્મીએ અને બહેને મારા મનોબળને મજબૂત કર્યું. બહેન હંમેશા કહેતી, કે 'નોકરી છોડી તું મારી એકલાંની જ રક્ષા કરી શકીશ, પણ ડયુટી દ્વારા લાખો બહેનોની રક્ષા કરવાનું જે સૌભાગ્ય તને મળ્યું છે, તેને ન ગુમાવીશ. તેમના પ્રોત્સાહથી આજે હું ટકી શક્યો છું.' કિરણભાઇ પરમાર,BSF
ભાઇની રાખડી ભત્રીજાને કાંડે બાંધુ છું
'પિયર જઉં ત્યારે ભાઇની કમી આંખમાં કણાની જેમ ખટકે છે. તો પછી તહેવારોમાં તો ભાઇની ગેરહાજરી વર્તાયા વગર કેમ રહે. એમાંય રક્ષાબંધનમાં એવી કંઇ બહેન હોય જેને ભાઇની યાદ ન આવે. હું કિરણને યાદ કરીને આંસુ સારી લઉં છું. એને યાદ કરીને તેની રાખડી તેના દીકરાને બાંધુ છું. મનના એક ખૂણે ભાઇ જે ઉમદા કાર્ય કરી રહ્યો છે એ માટે ગર્વ પણ અનુભવું છું.' - કન્શુ મિનામા, દાહોદ