મહુડી, રક્તચંદન, આદ્રોક અને ચારોળી જેવા દુર્લભ ઝાડ એકમાત્ર રિવરફ્રન્ટના બાયોડાવર્સિટી પાર્કમાં જોવા મળશે
ધ સેકન્ડ આલિઓન્સ ફાઉન્ડેશન દ્વારા દસ હેક્ટરમાં જગ્યામાં વિસ્તરેલ શહેરના એકમાત્ર બાયોડાવર્સિટી પાર્ક ખાતે ટ્રી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાયોડાવર્સિટી પાર્ક ચંદ્રનગર બ્રિજની બાજુના રિવરફ્રન્ટ પર આવેલ છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ પાર્ક બનાવવાનું કાર્ય સાત વર્ષ પહેલા ચાલુ કરવામાં આવ્યું હતું. આજે આ પાર્કમાં ૧૫૦૦૦થી પણ વધારે વૃક્ષો અને ૭૨ પ્રકારની અલગ અલગ વેરાયટીના ઝાડ અહી જોવા મળે છે.જે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં વૃક્ષની જાતીની દ્રષ્ટિએ સૌથી વધુ છે.
આ અંગે વાત કરતા ટ્રી વોકના લોકેન્દ્ર બાલાસરિયાએ કહ્યું કે, ઝરમર વરસાદમાં જ્યારે આ ટ્રી વોક શરૃ કરી અને આ પાર્કની વિઝીટ કરી ત્યારે તે જગ્યા હિલ સ્ટેશન જેવી લાગતી હતી. છેલ્લા ૩૦ વર્ષમાં તમામ ગ્રીન એરિયા ફરી ચુક્યો છું પરંતુ બાયોડાવર્સીટી પાર્કમાં ઉગાડવામાં આવેલ ઘણા વૃક્ષો અમદાવાદમાં બીજે ક્યાંય નથી. ટ્રી વોકમાં આવેલ ઘણા હોર્ટિકલ્ચરીસ્ટે અમુક ઝાડ પહેલી વખત જોયા છે અને અહી જોવા મળતા પતંગિયા જેવા જીવોની સુંદરતા બીજે ક્યાંય નથી.આ સાથે ટ્રી વોકમાં જોડાયેલ પાર્ટિસિપન્ટસે દરેક ઝાડ વીસે સમજીને તેમા ટેગીંગ કર્યું અને વિવિધ પ્રકારના શાકભાજીના ઘરુનું વિતરણ કરવામાં આવ્યું.
બાયોડાવર્સિટીના વિકાસ માટે ઉદાહરણરુપ બનશે
રિવરફ્રન્ટ ખાતેનું આ બાયોડાવર્સિટી પાર્ર્કમાં અમદાવાદમાં ક્યાય નહોય તેવા દુર્લભ ઝાડ માટે પણ લોકપ્રિય બન્યું છે. આ પાર્કમાં અંજીર, મહુડી,નાગોદ, રક્તચંદન, આદ્રોક અને ચારોડી જેવા દુર્લભ ઝાડ દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ સ્થાન વાસ્તવિક સંપતિ તરીકે વિકસિત થઇ રહી છે. ટ્રી વોકમાં બાયોડાવર્સિટી પાર્કમાં દુર્લભ ઝાડની સાથે સાથે દુર્લભ જંતુઓ પણ જોવા મળ્યા હતા. આ સ્થાન બાયોડાવર્સિટીના વિકાસ માટે અન્ય શહેરોનું ઉદાહરણ બની શકે છે.
સિંગાપુરની જેમ આ પણ નોલેજ પાર્ક બનશે
રિવરફ્રન્ટ ખાતેનું આ બાયોડાવર્સિટી પાર્ક એક શૈક્ષણિક સ્થળ બનશે. સિંગાપુરમાં એન્વાયરમેન્ટના નોલેજ માટે એક નોલેજ પાર્ક ઉભુ કરવામાં આવ્યું છે તેમ ભવિષ્યમાં પણ આ જગ્યા એક નોલેજ પાર્ક બનશે. જ્યાં સુપરવિઝન વિઝિટ થશે અને હોર્ટિકલ્ચરીસ્ટ તે જગ્યા અને પર્યાવરણ સંબંધી તમામ માહિતી આપશે. આ સાથે આ પાર્કમાં રહેલ પ્રાણીસૃષ્ટિનો ખજાનો પણ લોકોને આકર્ષશે.