ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીના બાળકો માટે 'બાલઘર'ને ખુલ્લું મૂકાશે
ગુજરાત યુનિવર્સિટીમાં 'શિશુ નિકેતન' નામે બાલઘર તૈયાર કરવામાં આવ્યું છે
આધુનિક સમયમાં મહિલાઓ શિક્ષણ મેળવીને પૃથ્વીથી લઇને અંતરિક્ષ સુધીના ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે. મહિલાઓને પોતાની ફરજની સાથે તેમના પરિવાર અને બાળકોની સતત ચિંતા કરતી હોય છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતી મહિલાઓના નાના બાળકો પોતાની નજર સામે રહે અને તેમની સારસંભાળ થાય તે માટે ગુજરાત યુનિવર્સિટીમાં 'શિશુ નિકેતન' નામે બાલઘર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ભૂલકાંઓની મોજમસ્તીથી યુનિવર્સિટીનું વાતાવરણ ગૂંજી ઉઠશે. આ વિશે વાત કરતાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રૉ. હિમાંશુ પંડયાએ કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીના તમામ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતી મહિલાઓની સાથે મહિલા રિસર્ચર અને મહિલા સાયન્ટિસ્ટના બાળકોના ઘડતર સાથે તેમને ઇતર પ્રવૃત્તિઓમાં રસ પડે તે હેતુથી આ બાલઘર તૈયાર કરાયું છે. બાલઘરમાં બાળકોની સારસંભાળ કરી શકે તે માટે એક મહિલાને યોગ્ય વળતર આપીને રાખવામાં આવશે જે બાળકોને વિવિધ રમતો રમાડવાની સાથે હાલરડા સંભળાવશે. બાલઘરમાં ફ્રીજ, ઘોડિયા, રમત-ગમતના સાધનો હશે. બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવશે સાથે સાથે ઉત્તમ રમતગમતની વ્યવસ્થા કરવામાં આવી છે.
બાળકોના ઘડતરમાં શિશુ નિકેતન ઉપયોગી બની રહેશે
બાળકો પોતાના બાળપણને માટીમાં રમીને સમય પસાર કરે તેનો આનંદ કંઇક અલગ હોય છે. મહિલાઓના પોતાના બાળકો પોતાની નજર સામે રહે અને તેમનું ધ્યાન રાખી શકાય તે માટે આ બાલઘર ઉપયોગી બની રહેશે. બાલઘરમાં ૨૦ બાળકો રહી શકે અને આરામ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ આવનારા સમયમાં જરૃરિયાત મુજબ તેમાં વધારો કરવામાં આવશે.- વૈશાલી પઢીયાર, વુમન ડેવલપમેન્ટ સેલ, ગુજરાત યુનિવર્સિટી