શહેરનું 'આપણું રસોડું' જ્યાં લોકો જાતે નવી રેસીપીના પ્રયોગો કરે છે
કેરીની સિઝન હોવાથી લોકો મશીન દ્વારા જાતે જ રસ કાઢીને ડબ્બામાં પેક કરે છે
'આપણું રસોડું' પાલડીમાં આવેલા કૃષિ ભવન દ્વારા ઘણા વર્ષોથી ચલાવવામાં આવે છે. જ્યાં શહેરના નાગરિકો રસોઇની નવી વાનગીઓની માહિતી મેળવી શકે છે સાથે જ નવી વાનગીઓ વિશેના પ્રયોગો પણ આ રસોડામાં કરી શકે છે. અહીંયા બાગાયત વિભાગના સભ્યો દ્વારા રસોઇના પ્રયોગોમાં લોકોને પુરતો સાથ સહકાર પણ આપે છે. ઉપરાંત કૃષિ ભવન ખાતે ફળના રસને લાંબા સમય સુધી કેવી રીતે સાચવી શકાય તે વિશેની માહિતી આપે છે. સાથે જ કૃષિ ભવનમાં કેરીનો રસ, ટામેટાનો સોસ અને આદુ આમળાના જ્યુસ બજાર કરતા સસ્તા ભાવે કાઢી આપે છે. હાલમાં કેરીની સિઝનમાં એક કિ.ગ્રા. કેરીનો રસ કાઢવાનો ચાર્જ માત્ર ૩ રૃપિયા છે. જ્યારે ડબ્બા પેકિંગના ૩૩ રૃપિયા ચાર્જ છે. જ્યારે બજારમાં ડબ્બા પેકિંગ સાથેનો ચાર્જ ૭૦થી ૯૦ રૃપિયાનો છે. અહીંયા લોકો જાતે જ મશીન ઓપરેટ કરીને રસ કાઢીને ડબ્બા પેકિંગ કરે છે.
પ્રયોગ કરવામાં સરળતા રહે માટે મદદનીશ હંમેશા સાથે હોય છે
લોકોમાં રસોડાની વિવિધતા વિશે ઓછી જાણકારી છે, અહીંયા અમે લોકોને નવા પ્રયોગો માટે સ્વતંત્રતા આપીએ છીએ. તેથી લોકો તેમના પ્રયોગો સરળતાથી પુરા કરી શકે માટે અમારા એક મદદનીશ હંમેશા તેમની સાથે જ રહે છે. રસોડામાં પ્રયોગ કરવા માટે રાજ્યના બીજા શહેરમાંથી પણ લોકો આવે છે. ઉપરાંત રસોડામાં પ્રયોગ કરવા માટે જોઇતા કેમિકલ્સ ખૂબ ઓછી કિંમતે અપાય છે. કેરીની સિઝનમાં મશીનની ક્ષમતા કરતા ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે. - જયદેવસિંહ પરમાર, નિયામક- મદદનીશ બાયગત
વર્કશોપ દ્વારા વાનગી અને કિચન ગાર્ડનની માહિતી અપાય છે
કૃષિ ભવન દ્વારા શહેરની સોસાયટી અને ગામડાઓમાં રસોડાની રેસીપીની જાણકારી આપવા માટે સર્ટિફિકેટ સેમિનાર પણ કરાવવામાં આવે છે. ઉપરાંત કિચન ગાર્ડન માટેની પણ સંપૂર્ણ જાણકારી મદદનીશ દ્વારા આપવામાં આવે છે. જેમાં કિચન ગાર્ડનમાં કેવા પ્રકારના શાકભાજી વાવી શકાય અને તેની માવજતમાં કેવી બાબતોનું ધ્યાન આપવું જોઇએ તેની પણ માહિતી આપવામાં આવે છે.