92 વર્ષે રોજ 16 કલાક લેખે અત્યાર સુધી 7 કરોડથી વધુ નવકારમંત્રના જાપ કર્યા છે
જૈન શાસનમાં મનોહર કીર્તિસાગરસૂરીશ્વરજીનો અવિસ્મણીય રેકોર્ડ
અમદાવાદના પાલડી વિસ્તારના આયોજનનગરમાં ૯૨ વર્ષના તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગર સૂરીશ્વરજી અને આદિગણના ચાતુર્માસ છે. ૯૨ વર્ષની ઉંમર છતાં તેઓ પર્યુષણ પર્વમાં સતત દોઢ કલાક સુધી ઊભા રહી જૈનધર્મના પ્રવચન આપે છે એટલું જ નહી આટલી ઉંમરે ઉભ્યતંક પ્રતિક્રમણ કરીને અનેક શ્રાવકોને પ્રેરણા આપી રહયા છે. જિનશાસનના રત્નસમાન મહારાજ ૨૪ કલાકમાંથી ૧૬ કલાક નવકારવાળી સાથે લોગસ્સ અને નવકારમંત્રનો જાપ કરવો એ એમની દૈનિક ક્રિયા છે.
અત્યાર સુધી જો જાપની ગણતરી કરીએ તો લગભગ સાત કરોડથી વધુ નવકારમંત્રનું સ્મરણ અને ૧૩ લાખથી વધારે લોગસ્સના જાપ થયા છે જે જૈન શાસનમાં એક અવિસ્મણીય રેકોર્ડ છે. મનોહર કીર્તિસાગરસૂરીશ્વરજીએ દીક્ષાના ૭૨ વર્ષ દરમિયાન ૭૦ જેટલા પુસ્તકો લખ્યા છે જેમાં ૨૪ તીર્થંકર કલ્પનાના ૨૪ પુસ્તકોનો સમાવેશ થાય છે એટલું જ નહી મહુડીના વિખ્યાત યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજના સંસ્કૃત પુસ્તકોનો અનુવાદ કર્યો છે. ઉંમરના આટલા પડાવે પણ સ્વભાવે પ્રશાંતમૂર્તિ અને વિવેકવાણી સભર રહ્યા છે.