અમદાવાદની મહિલા પોલીસ કર્મીઓમાં ન્યુટ્રિશિયનની માત્રા ઓછી
અમદાવાદ મેડિકલ અસોસિએશન ખાતે 1258 મહિલા પોલીસ કર્મચારીઓના એચબી એસ્ટિમેશન સાથેના સંપૂર્ણ બ્લડ કાઉન્ટ કરાવાયા
શહેરમાં નિશ્ચિત જગ્યા પર દિવસ- રાત જોયા વગર પોતાની ડયુટીમાં અડીખમ રહેતી મહિલા પોલીસ શારીરિક અને માનસિક રીતે કેટલી સ્વસ્થ છે તે ખૂબ જરૃરી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન અને વિમેન ડૉક્ટર વિંગ દ્વારા અમદાવાદ શહેરની મહિલા પોલીસ માટે 'મહિલા પોલીસ સ્વાસ્થ્ય જાગૃતિ ઝુંબેશ' ૨૫થી ૨૯ નવેમ્બર દરમિયાન ચલાવાઇ છે. જેનો રિપોર્ટ ગુરુવારે આવ્યો. જે અંતર્ગત તેમને સ્વાસ્થ્ય સંબંધિત માર્ગદર્શન અને હેલ્થ ચેકઅપ દ્વારા સતત મોટિવેટ કરવાનું કાર્ય કરાઇ રહ્યું છે.
ડયુટી અવર્સમાં બહારનું ખાવુ પડતું હોઈ ન્યુટ્રિશિયન લેવલ ઓછું
મહિલા પોલીસ કર્મચારીઓ ઘર અને ડયુટી બન્ને કામ સંભાળતી હોવાથી તેઓ નિયમિત કસરત નથી કરી શકતી. આ ઉપરાંત બાર કલાકની ડયુટી કરતી મહિલા કર્મચારીઓએ કહ્યું કે, ડયુટી અવર્સમાં બહારનું વધારે ખાવાનું રહે છે. જેને કારણે તેઓનું ન્યુટ્રિશિયન લેવલ લો જોવા મળ્યું હતું. નિયમિત કસરત અને હેલ્ધી ફૂડ ખાવાથી શરીર અને માઇન્ડ બન્ને સશક્ત રહે છે.
580 મહિલા પોલીસે ઓર્ગન ડોનેશનનું સોગંદનામું આપ્યું
ભારત દેશ વધુ વસ્તી ધરાવતો દેશ છે પરંતુ ઓર્ગન ડોનેશન (અંગદાન)માં તે અંતિમ સ્થાને છે. તેથી અંગદાનની જાગૃતિ આવે અને કોઇનું જીવન બચાવી શકાય તે જરૃરી છે તે હેતુસર મહિલા પોલીસ કર્મચારી સાથે ઓર્ગન ડોનેશન સભાનતા ઝૂંબેશની ચર્ચાને આવરી લેવામાં આવી હતી. ઓર્ગન ડોનેશન માટે મહિલા પોલીસ અધિકારીઓ આગળ આવ્યા, જેમાં ૫૮૦ મહિલા પોલીસે ઓર્ગન ડોનેશનનું સોગંદનામુ આપ્યું છે.
પરેડમાં એક્સરસાઇઝ માટે મોટિવેટ કરાય છે અને કરાશે
રિપોર્ટ જોઇને હું ખૂબ ખુશ છું કારણ કે આટલા મહિલા કર્મચારીઓમાં સિવિયર એનિમિક એકપણ મહિલા નથી. આયર્નની કમી જોવા મળી તેમાં ઘણી મહિલાઓને ખ્યાલ નથી કે વધુ આયર્ન શેમાંથી મળી શકે છે. અત્યારે હું બંદોબસ્તનો શિડયુઅલ એકદમ ટાઇટ હોવા છતાં નિયમિત રીતે અડધો કલાક મારી જાત પાછળ ખર્ચું છું અને નિયમિત કસરત કરું છું. અઠવાડિયામાં ઓછામાં ઓછી પાંચ દિવસ કસરત થાય તેનો ટાર્ગેટ રાખું છું અને જમવામાં ગોળ અને સલાડ લઉં છું. પોલીસ વિભાગની મહિલા કર્મચારીઓને કસરત માટે મોટિવેટ કરવા સોમવાર અને શુક્રવારે પરેડ થાય છે અને આગળ પણ કરાશે. - નિપૂર્ણા તોરવાણે, ડીસીપી
હેલ્ધી ફિમેલ ફોર્સ છે, પરંતુ આયર્ન ડેફિસિયન્સી દૂર કરવી પડશે
અમદાવાદ શહેર પાસે હેલ્ધી ફિમેલ ફોર્સ છે. એક સાથે ઘર, પરિવાર, સંતાનો અને નોકરી કરતી દરેક મહિલાઓમાં અત્યારે આયર્નની કમી જોવા મળી રહી છે ત્યારે ૪૦.૫૦ ટકા મહિલા પોલીસોમાં પણ આર્યનની ઊણપ નોંધાઇ છે. આર્યનની કમીથી થાક લાગવો, નબળાઇ, ચિડિયાપણું, ચક્કર આવવા, માથામાં દુખાવો, અનિયમિત માસિકચક્ર, શ્વાસ લેવામાં અસુવિધા અને એકાગ્રતાની કમી જોવા મળી શકે છે તે માટે આ મહિલાઓને એક માસની આયર્ન ટેબ્લેટ આપાવામાં આવી છે અને જો સતત એક દોઢ વર્ષ આ ટેબ્લેટ લેવામાં આવે તો આ કમીને પૂરી કરી શકાય છે. - ડો. મોના દેસાઇ, પ્રેસિડેન્ટ એએમએ