ઘાટલોડિયાની મંજુશ્રી કો-ઓ.સોસાયટીએ 17 જરૂરિયાતમંદ બાળકો દત્તક લીધા
17 બાળકોના એડમિશન થલતેજ ખાતેની એક શાળામાં કરાવવામાં આવ્યા છે
ઘાટલોડિયા વિસ્તારની મંજુશ્રી કો-ઓપરેટિંગ સોસાયટીના લોકો સમાજ માટે ઉદાહરણરૃપ બન્યા છે. મંજુશ્રી કો-ઓપરેટિંગ સોસાયટીએ દશેરાના પવિત્ર પર્વ નિમિતે ૧૭ જરૃરીયાતમંદ બાળકોને શિક્ષણ અર્થે દત્તક લીધા છે. આ ૧૭ બાળકોનો ભણવા અને નાસ્તાનો ખર્ચ સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવશે. ૧૭ બાળકો હાલ પકવાન પોલીસ ચોકીમાં એજ્યુકેશન લઇ રહ્યા છે. જ્યાં તેમને શિક્ષણ આપવા માટે પોલીસ અધિકારીઓ, એનજીઓના સ્વયંસેવકો અને શિક્ષકો પણ આવે છે. જ્યારે ૧૭ બાળકોના એડમિશન થલતેજ ખાતેની એક શાળામાં કરાવવામાં આવ્યા છે. જરૃરિયાતમંદ બાળકોને પકવાન પોલીસ ચોકીમાં છેલ્લા ૨ વર્ષથી એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે.
પકવાન પોલીસ ચોકીની મુલાકાત લઇ બાળકોને દત્તક લીધા
જ્યારે મને પોલીસના આવા સુંદર કાર્ય વિશેની ખબર પડી ત્યારે મેં પોલીસ અધિકારીઓના સંપર્ક કરવાની શરૃઆત કરી હતી. સંપર્ક થયા બાદ હું સોસાયટીના ચેરમેન સાથે પોલીસ ચોકીની મુલાકાતે ગઇ હતી. ત્યારે અમે બાળકોને દત્તક લેવાનો વિચાર કર્યો હતો. જેનો સંપૂર્ણ સહકાર સોસાયટીના દરેક વયના લોકોએ કર્યો છે. દશેરાના દિવસે જરૃરિયાતમંદ બાળકોને ટ્રેડિશનલ કપડા પહેરાવીને હવનમાં બેસવાનો મોકો પણ આપ્યો હતો. હવેથી આ ૧૭ બાળકોની એજ્યુકેશનની સંપૂર્ણ જવાબદારી સોસાયટીની છે. - રૂપા પટેલ, સેક્રેટરી મંજુશ્રી કો-ઓપરેટિંગ સોસાયટી
ટ્રાફિક પોલીસ દ્વારા એજ્યુકેશન માટે નિર્ણય લેવાયો હતો
બે વર્ષ પહેલા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તા પર ફરતા બાળકો માટે ભણવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત પકવાન પોલીસ ચોકીના પોલીસ અધિકારીઓએ બાળકોના માતા-પિતા સાથે બેઠક કરીને બાળકોને એજ્યુકેશન માટે તૈયાર કર્યા છે. પોલીસ ચોકીમાં સવારના ૧૦થી બપોરના ૨ વાગ્યા સુધી બાળકો એજ્યુકેશન લેવા માટે આવે છે.
દરેક જનરેશનના લોકોએ સાથ આપ્યો
મંજુશ્રી કો-ઓપરેટિંગ સોસાયટીએ દત્તક લીધેલા બાળકોને શિક્ષણ ઉપરાંત યુનિફોર્મ, સ્કૂલબેગ, સ્ટેશનરી અને મધ્યાહન ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ શુભ કાર્ય માટે સોસાયટીની દરેક જનરેશનના લોકોએ સહકાર આપ્યો હતો, જેમાં વૃદ્ધ લોકોથી લઇને નાના બળકોનો સમાવેશ થાય છે. દશેરાના હવનની તૈયારી બાળકોએ કરી હતી.