આજે ધૈર્ય અને હિમ્મત રાખવી વર્તમાન સમયની જરૂરિયાત છે

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (જીએનએલયુ)ના ૧૭મા સ્થાપના દિવસે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા વર્ચ્યુઅલ રીતે ઉજવણી કરાઇ હતી. ઉજવણીમાં જસ્ટિસ એમ.આર. શાહ સાથે સંસ્થાના ડાયરેક્ટર ડૉ. શાંથાકુમાર, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. અત્યાર સુધીમાં જીએનએલયુના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ દેશના વિવિધ રાજ્યોના ન્યાયતંત્રમાં જોડાયા છે તેની નોંધ લઇ દેશના ન્યાયતંત્રમાં યોગદાન આપવા બદલ જીએનએલયુની ભૂમિકાની પ્રશંસા કરી હતી. કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીનો ઉલ્લેખ કરતા જસ્ટિસ એમ.આર. શાહે કહ્યું કે, આજે આપણી સામે અનેક પડકારો છે પરંતુ દરેક ખરાબ પરિસ્થિતિમાં આપણે સારા પાસાં શોધવા જોઇએ, એવી ઘણી વાતો છે જે તમે ફક્ત તોફાનમાં જ શીખી શકો છો. ધૈય અને હિમ્મત રાખવા તે વર્તમાન સમયની જરૃરિયાત છે.
પ્રવર્તમાન સમયમાં જે વિશ્વનું નિર્માણ થઇ રહ્યું છે તેને સમજવાનું છે
કાયદાના વિદ્યાર્થીઓએ આ પરિસ્થિતિમાં નિરાશ થવાની જરૃર નથી. વ્યાપાર અને ઉદ્યોગોને હંમેશા પ્રશિક્ષિત કાનૂની વ્યાવસાયિકોની જરૃર રહેશે. કાયદાના ચોક્કસ ક્ષેત્રોમાં અન્ય ક્ષેત્રોની તુલનાએ વધુ માગ રહે તેવું બને. કોવિડ-૧૯ પછીના સમયમાં હેલ્થ કેર લૉ, પ્રોપર્ટી લૉ, બેન્કરપ્સી અને ઇનસોલ્વન્સી લૉ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, ક્લાસ એક્સન સ્યુટ્સ, એન્વાયરમેન્ટ લૉ, એનિમલ રાઇટ્સ લૉ અને ટેકનોલોજી લૉ જેવા ક્ષેત્રોનું મહત્વ વધવાની સંભાવના છે. આપણે ફક્ત હાલ પ્રવર્તમાન વિશ્વને જ સમજવાનું નથી પણ જે વિશ્વનું નિર્માણ થઇ રહ્યું છે તેને પણ સમજવાનું છે. - જસ્ટિસ એમ.આર. શાહ




