બે હજાર સ્ટુડન્ટ લાઇબ્રેરીમાં રહેલી દોઢ લાખ બૂક ઓનલાઇન વાંચી શકશે
ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીની અનોખી પહેલ
કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે સ્ટુડન્ટસ આ જોખમી વાઇરસનો શિકાર ન બને તે માટે ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરી દ્વારા લાઇબ્રેરીમાં રજિસ્ટર્ડ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અને રિસર્ચ કરતા ૨૦૦૦ સ્ટુડન્ટસને એન્ડ્રોઇડ આધારિત એપ 'એમવાયએલઓએફટી'માય લાઇબ્રેરી ઓન ફિંગર ટિપ્સ મારફતે પ્રવર્તમાન સમય ઘરે બેઠા શૈક્ષણિક અભ્યાસમાં મદદરૃપ થઇ શકાય અને ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં રહેલી દોઢ લાખ જેટલી વિવિધ વિષયના બૂક્સ વાંચી શકે તે માટે દરેક વિદ્યાર્થીઓને ઇ-મેઇલ કરીને ઇ-રિસોર્સિસ એક્સેસ માટેના એકાઉન્ટ તેમના મેઇલમાં મોકલી આપવામાં આવ્યા છે. લાઇબ્રેરી દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
આ અંગે વાત કરતા લાઇબ્રેરીયન યોગેશભાઇ પારેખે કહ્યું કે, ૧૪૨ જેટલા વિદ્યાર્થીઓના ઇ-મેઇલમાં શાબ્દિક ભૂલો હોવાથી માત્ર તેમના અકાઉન્ટ ઓપન થઇ શક્યા નથી. આગામી સમયમાં યુજી અને પીજી કરતા તમામ વિદ્યાર્થીઓનો ડેટા મેળવી તેમના પણ એકાઉન્ટ ઓપન કરી આપવામાં આવશે. આ ઉપરાંત અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના વિદ્યાર્થીઓ માટે એમએચઆરડી, યુજીસી, આઇએનએફએલઆઇબીએનઇટી મારફતે તૈયાર કરેલા ઇ-કન્ટેન્ટની લીંક પણ યુનિવર્સિટીની લાઇબ્રેરી પર આપી દેવામાં આવેલી છે.
ચાઇનાની 10 પ્રિમિયર ઇન્સ્ટિટયુટમાં આ પ્રમાણેની સુવિધા આપવામાં આવી છે
લાઇબ્રેરીના તમામ પુસ્તકો સ્ટુડન્ટ્સ વાંચી શકે તેનો પહેલો પ્રયોગ ચાઇનામાં કરવામાં આવ્યો. ચાઇનાની સિન્ગવા યુનિવર્સિટી અને સાંઘાઇ જીયો ટાંગ યુનિવર્સિટી જેવી ૧૦ પ્રિમિયર ઇન્સ્ટિટયુટના સ્ટુડન્ટસને આ પ્રમાણેની સુવિધા આપવામાં આવી છે. ત્યારબાદ તેને મેક્સિકો, આફ્રિકા અને ગુજરાતે ફોલો કર્યું છે. જેનાથી કોઇ પણ જગ્યાએ બેસીને સ્ટુડન્ટસ ઇ-બૂક્સને એક્સેસ કરી શકે. - મૃગરાજસિંહ રવાંસદિયા
74,735 જેટલા ઓપન એક્સેસ ઇ-કન્ટેન્ટનો ઉપયોગ દેશનો દરેક સ્ટુડન્ટ કરી શકશે
ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય એમએચઆરડી, યુસીજી અને આઇએમએફએલઆઇબીએનઇટી મારફતે તૈયાર કરાયેલ ૭૪,૭૩૫ જેટલા ઓપન એક્સેસ ઇ-કન્ટેન્ટ (લેક્ચર) અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ટેકનિકલ અને નોનટેકનિકલ અને ડિસ્ટન્સ લર્નિંગના સ્ટુડન્ટસ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઇ-કન્ટેન્ટનો ઉપયોગ દેશનો દરેક સ્ટુડન્ટ કરી શકશે. ટોટલ ૨૫૦ પ્રોજેક્ટ અને ૩૨૪૬ કોર્સનું કન્ટેન્ટ જીયુ.લાઇબ્રેરી. કોમના પેજ પરથી એક્સેસ કરી શકાશે. - ડૉ. અતુલ પટેલ, પ્રોજેક્ટ અસોસિએટ