દવા તન તંદુરસ્ત કરે છે, જ્યારે પુસ્તકો મનને તરોતાજા રાખે છે
કોવિડમાં કામગીરી કરતા અર્પણ નાયકે તેમની ટીમ દ્વારા સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પુસ્તક વાંચવા આપી પ્રેરણાદાયી
કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પુસ્તક વાંચવા આપી નવતર પ્રયોગ શરૂ કરાયો
કોરોના દર્દીની મન તંદુરસ્ત રહે અને એકલતા દૂર થાય તે માટે શાહીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલના કર્મચારી અને કોવિડ માટેની કામગીરી કરતા અર્પણ નાયક અને તેમની ટીમ દ્વારા શહેરની સિવિલ હોસ્પિટલ, કિડની વિભાગ, કેન્સર વિભાગ, યુ. એન. મહેતા, 1200 બેડની કોવિડ હોસ્પિટલ, સોલા સિવિલ અને જીસીએસ હોસ્પિટલમાં જઇને કોરોના દર્દીઓને પુસ્તક વાંચવા આપવાનું પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવે છે. આ અંગે તેઓએ કહ્યું કે, કોરોનાના દર્દીઓ માનસિક રીતે ભાંગી ન પડે તે માટે તેમના માટે પુસ્તક એક ખૂબ જ ઉપયોગી માધ્યમ બની રહે છે. મારા ઘરે જેટલાં પુસ્તક હતા તેટલા પહેલાં આપ્યા હતા. અત્યારે મારી સાથે બીજા 30 સ્ટુડન્ટ કાઉન્સિલરો સાથે મળીને પીપીઇ કિટ પહેરીને દરેક હોસ્પિટલમાં પુસ્તકો આપવાનું કાર્ય કરીએ છીએ. પુસ્તકમાં એક પ્રકારનું સકારાત્મક ઊર્જા રહેલી હોય છે જે દર્દીને કોરોનાના દર્દમાંથી બહાર લાવવામાં મદદ મળે છે. યુવાનો હોય તો મોબાઇલ પર ટાઇમપાસ કરી શકે પરંતુ જે વડીલો છે તેમને વાંચન માટે સારું પુસ્તક મળી જાય તો સમય આસાનીથી પસાર થઇ જાય છે.
એક મહિનાથી પુસ્તક વાંચવા અપાય છે
છેલ્લાં એક મહિનાથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગાંધીજીની આત્મકથા, લોકસેવક, આધ્યાત્મિક, નવલકથા, સંઘર્ષ કથાઓના પુસ્તકો વાંચવા આપીએ છીએ. કોરોના દર્દીઓની હતાશા દૂર કરવા માટે અમારી ટીમ દ્વારા તેમને આનંદદાયક વાર્તાઓ કહીને તેમને પ્રફુલ્લિત રાખવાનું કાર્ય કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાત વિદ્યાપીઠ, માતૃભાષા અભિયાન અને ફાઉન્ડેશન તેમજ કોઇ વ્યકિતગત પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે.
એક વોર્ડથી શરૂ કરેલું કાર્ય દરેક હોસ્પિટલ માટે પ્રેરણાદાયી બન્યું
અમારી ટીમમાં સ્ટુડન્ટ કાઉન્સિલરો સાથે મળીને સિવિલના એક વોર્ડમાં રહેલા કોરોના દર્દીઓને પુસ્તક આપવામાં આવ્યા હતા. સમયની સાથે દરેક વ્યકિત પોતાનો સમય પસાર કરવા અને કોરોનામાંથી બહાર આવી શકે તે માટે પોતાનું મનગમતું પુસ્તક વાંચતા હતા. જ્યારે કોરોનામાંથી મુક્ત થઇને દર્દી ઘરે જાય ત્યારે પોતાની પાસે રહેલ પુસ્તક બીજા વ્યકિતને ઉપયોગી થાય તે માટે પોતાના વોર્ડમાં મૂકીને ઘરે જતા હતા.
કોરોના દર્દીઓ તેમના વિચારો અમારી સામે રજૂ કરતા હતા
મને કોરોનાના દર્દીઓમાં એક નવી રોશની લાવવાની કામગીરી મળી છે તેને જીવનભર યાદ રાખીશ. કોરોના દર્દીઓ અમારી પાંચ સ્ટુડન્ટની ટીમ સાથે પોતાના વિચારો રજૂ કરતા હતા તેમજ તેમને પોતાના પરિવારના દર્દીઓ સાથે ફોનથી વાત કરાવીને તેમને આનંદીત કરવાનું કાર્ય કરીએ છીએ. પહેલા દિવસે મને ઘણો જ ડર લાગતો હતો પણ સમય જતા સાવચેતી રાખીને કાર્ય કરવાથી તે ડર દૂર થયો હતો- કોમલ કેવડીયા, સ્ટુ઼ડન્ટ, ગુજરાત વિદ્યાપીઠ
કોરોનાના ડર કરતા સાવચેતી રાખવી ખૂબ જરૂરી
સાયકોલોજીકલ રીતે દર્દીમાં હકારાત્મકતા લાવવા માટે પુસ્તક એક ઉત્તમ માધ્યમ છે. દર્દીને મેડીકલ સુવિધાની સાથે કંઇક મનગમતી પ્રવૃત્તિથી તે ઘણો જ આનંદ મેળવે છે. દરેક વ્યકિતએ કોરોનાની મહામારીના ડર કરતા તેની સાવચેતી રાખીશું તો તેની સામે જીત ચોક્કસ મેળવીશું. પુસ્તક વાંચવાથી દર્દીમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે. ઓછા સમયમાં વધુ દર્દીઓને વિવિધ પુસ્તકો આપીને તેમનામાં હકારાત્મક આવે માટેના પ્રસાસને દરેક હોસ્પિટલે સ્વીકાર્યો છે જેનો અમને આનંદ છે. - ડૉ.અજય ચૌહાણ, સુપ્રિટેન્ડન્ટ મેન્ટલ હોસ્પિટલ, શાહીબાગ