ઘાટલોડિયાની શાંભવી એપાર્ટમેન્ટના સભ્યો ઘરના આંગણે રહી મા જગદંબાની પૂજા કરે છે
પોઝિટિવ એનર્જી અને ઊર્જાનો સંચાર થાય તે હેતુથી નવતર પ્રયાસ
કોરોના હોય કે કોઇપણ મહામારી
એમાંથી જાતને બચાવવી હોય તો પહેલાં તો હેલ્ધી રહેવું પડે અને પોઝિટિવ વાતાવરણની
વચ્ચે રહીને જાતને પોઝિટિવ રાખવી પડે. જો જાતને પોઝિટિવ રાખવામાં ન આવે તો વ્યક્તિ
હતાશા કે ડિપ્રેશનમાં સરી પડે અને ન કરવાનું કરી બેસે. આવું કંઇ અજુક્તું ન થાય
અને કોરોના જેવા વાઇરસને માત આપવાના હેતુથી અમુક સોસાયટીઓમાં નવતર પ્રયોગો કરવામાં
આવી રહ્યાં છે. એમાં ઘાટલોડિયામાં આવેલી શાંભવી એપાર્ટમેન્ટનો સમાવેશ કરી શકાય.
આશરે ૨૦ વર્ષ જૂની આ સોસાયટીમાં
ચાર ચાર માળના કુલ પાંચ બ્લોક છે. એમાં 'એ' બ્લોકના એક બે રહીશોએ સાંજે આદ્ય
શક્તિની આરતી અને વિશ્વંભરીની સ્તુતિ કરવા અંગે વિચાર્યું. આ ઉત્તમ વિચારને
બ્લોકના અન્ય સભ્યોએ વધાવી લીધો. બસ પછી તો આ બ્લોકના ટોટલ ૧૪ ઘરોમાં ૬૦થી૭૦ રહીશ
રોજ સાંજે ૮ થી ૮.૩૦ દરમિયાન આદ્ય શક્તિની આરતી અને વિશ્વંભરી સ્તુતિ કરે છે. ઘરના
ઉંબરે દીવા અગરબત્તી કરવામાં આવે છે. દરેક ફ્લોર પર નાના માઇક મૂકવામાં આવ્યા છે.
છેલ્લાં એક મહિનાથી અવિરત પણે કરવામાં આવતી આરતીને લીધે આખું વાતાવરણ મધુર થઇ ગયું
હોવાનો અહેસાસ રહીશો કરી રહ્યાં છે.
સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ છીએે
'સામાન્ય રીતે કોરોના ફેફસા ઉપર અસર
કરતી બીમારી છે. આદ્યશક્તિની આરતી જે રિધમથી ગવાય છે એના લીધે ફેફસાને કસરત મળે
છે. અમે બધા એક સાથે પોતપોતાના ઘરની બહાર સોશિયલ ડિસ્ટન્સ રાખીને તાળિયોના તાલ અને
ઘંટડીના નાદ સાથે આરતીનું ગાન કરીએ છીએ. એનાથી વાતાવરણ શુદ્ધ થાય છે. લૉકડાઉન
પૂર્ણ થશે ત્યાં સુધી આ ક્રમને જાળવીશું.'- જે.પી. શાસ્ત્રી
પોઝિટિવ વાઇબ્રેશન અને એનર્જી મળે
છે
'આરતી અને સ્તુતિથી પોઝિટિવ
વાઇબ્રેશન તથા એનર્જી મળે છે. રોજ આઠના ટકોરે આરતી શરૃ થઇ જતી હોય એ પહેલાં અડધી
પડતી રસોઇની તૈયારી કરી લઉં છું. બાકીનો સરકાર દ્વારા મળતી સૂચનાઓનું પાલન કરી
ઘરની બહાર માસ્ક પહેર્યાં વગર નીકળતા નથી.'
- અમિતાબહેન ઉપાધ્યાય