JEE ઓપન હાઉસમાં 500 સ્ટુડન્ટે IIT કેમ્પસની મુલાકાત લીધી
આઈઆઈટી ગાંધીનગર ખાતે યોજાયેલા જેઇઇ એડવાન્સ માટે ઓપન હાઉસમાં ૫૦૦થી વધારે સ્ટુડન્ટસે ભાગ લીધો હતો. ઓપન હાઉસમાં સ્ટુડન્ટસને જેઇઇ એક્ઝામની માહિતી આપવા સાથે આઈઆઈટીના કેરિક્યુલમ, માઇનોર કોર્સ અને ઓનર્સ કોર્સ વિશેની માહિતી આપવામાં આવી હતી. સાથે જ સ્ટુડન્ટસ બી.ટેક. દરમિયાન ડયુઅલ ડિગ્રી પ્રોગ્રામનો લાભ પણ મેળવી શકે છે. જેમ કે, કેમિકલ એન્જિનિયરિંગની સાથે જ સ્ટુડન્ટસ કમ્પ્યૂટર સાયન્સ પણ કરી શકે છે. ઉપરાંત જરૃરિયાતમંદ સ્ટુડન્ટસ માટે આઈઆઈટી ગ્રાન્ટ અને લોનની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે.
નોન ડિગ્રી પ્રોગામથી IITમાં એક સેમેસ્ટરનો અભ્યાસ કરી શકશે
આઈઆઈટીમાં હવેથી નોન ડિગ્રી પ્રોગામની પણ શરૃઆત કરાઇ છે, જેમાં જેઇઇની ક્વોલિફિકેશન વગર સ્ટુડન્ટસ એડમિશન મેળવી એક સેમેસ્ટરનો અભ્યાસ કરી શકશે. આ કોર્સમાં સ્ટુડન્ટસ, રિસર્ચર અને બિઝનેસ ક્ષેત્રે કામ કરતા લોકો જોડાઇ શકે છે. નોન ડિગ્રી કોર્સમાં એડમિશન મેળવવા માટે સ્ટુડન્ટસે પોતાની યુનિવર્સિટીનો મંજૂરી લેટર આપવાનો રહેશે, ત્યારબાદ આઈઆઈટી ખાતે પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન કરવામાં આવશે. નોન ડિગ્રી કોર્સ ફુલટાઇમ અને પાર્ટટાઇમ પણ કરી શકાશે.