SMPICના 45 સ્ટુડન્ટે એક મહિનાની પોકેટમનીનો ઉપયોગ ચેરિટી માટે કર્યો
જીએલએસ ફેકલ્ટી ઓફ કોમર્સ (એસએમપીક)ના સ્ટુડન્ટસ અને ફેકલ્ટીઝ દ્વારા આ ડેઝને કંઇક જુદી રીતે ઉજવવાનો પ્રયત્ન કર્યો
2020નું કાઉનડાઉન શરૃ થઇ ગયું છે અને શહેરની વિવિધ કોલેજમાં અલગ અલગ ડેની ઉજવણીનું પ્લાનિંગ પણ થઇ રહ્યું છે ત્યારે જીએલએસ ફેકલ્ટી ઓફ કોમર્સ (એસએમપીક)ના સ્ટુડન્ટસ અને ફેકલ્ટીઝ દ્વારા આ ડેઝને કંઇક જુદી રીતે ઉજવવાનો પ્રયત્ન કર્યો છે. તેમનું માનવું છે કે, વિવિધ ડેની ઉજવણી દરેક કોલેજમાં થાય છે તેમાં કંઇ નવું નથી પરંતુ નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે દરેકના ચહેરા પર સ્માઇલ લાવવાની સાથે સાથે ડેઝનું સેલિબ્રેશન થાય તે માટે સ્ટુડન્ટસે 'ડે વિથ ચેરિટી'નું કોમ્બો કર્યું છે. સ્ટુડન્ટસ બહેરા-મૂંગાની શાળા, સિવિલ હોસ્પિટલના ચિલ્ડ્રન કેન્સર વોર્ડ, પ્રકાશ અંધ કન્યા શાળા, મનીબા ઓલ્ડ એજ હોમની મુલાકાત લેશે અહીંયા દિવ્યાંગ અને જરૃરિયાતમંદ બાળકોને સરપ્રાઇઝ ગિફ્ટ, કીટ આપી તેમની સાથે કેક કાપી સ્ટુડન્ટસનું બેન્ડ તેમના માટે મ્યુઝિકલ પરફોર્મન્સ આપશે.
વિદ્યાર્થી સંવેદનશીલ બને તેના પર ભાર મૂક્યો
સ્ટુડન્ટસે એવો કોઇ કોન્સેપ્ટ આપવો જોઇએ જેનાથી તેઓ સંવેદનશીલ બને. આ માટે ૨૦૧૦થી કોલેજમાં વિવિધ ડેની ઉજવણી સાથે સાથે ચેરિટી પ્લાન કરવામાં આવ્યું જેનાથી સ્ટુડન્ટસ સમાજના પ્રશ્નોને નજીકથી જાણે તેમજ ડેઝ પર દરેકના હિતમાં હોય તેવા ડેઝનું સેલિબ્રેશન કરે. - ડૉ. અશ્વિન પુરોહિત, ડીન
એક બિસ્કીટના પેકેટ પર 25 પૈસા બચાવવા સ્ટુડન્ટસે નિકોલથી લાલદરવાજાની કવાયત કરી
સ્ટુડન્ટસને પોતાના બચાવેલા પૈસામાંથી પાંચ દિવસ અલગ અલગ ચેરિટી કીટ બનાવવાની હતી, જેમાં ઓછા પૈસામાં સૌથી વધુ વસ્તુઓ અને મેનેજમેન્ટ કેમ થાય તે અમારા દ્વારા સમજાવવામાં આવ્યું. એક બિસ્કીટના પેકેટ પર ૨૫ પૈસા બચાવવા રજાના દિવસે સ્ટુડન્ટસે નિકોલથી લાલદરવાજાની કવાયત કરી હતી. - પ્રોફેસર ડૉ.સ્નેહા માસ્ટર
કોઇના ચહેરા પર સ્માઇલ લાવવા આટલું તો કરી જ શકીએ
અમને ઘરેથી એક મહિનાની પોકેટમની હજારથી પંદરસો રૃપિયા મળે છે. તેમાંથી ગયા મહિને અમે ૪૫ સ્ટુડન્ટસે કોલેજ આવવા-જવાના ખર્ચ સિવાય તમામ પૈસા બચાવ્યા અને ચેરીટી બોક્સમાં નાખ્યા. ઘણા સ્ટુડન્ટસે પોકેટમની કરતા પણ વધુ પૈસા ચેરીટી માટે આપ્યા હવે કોઇના ચહેરા પર સ્માઇલ લાવવા માટે એક મહિનાની પોકેટમની તો ખર્ચ કરીજ શકીએ ને. - જીનલ ધામેલીયા, સ્ટુડન્ટ
પોકેટમની ઉપરાંત અમુક સ્ટુડન્ટસે સ્પોન્સરશિપ પણ આપી
પહેલા દિવસે બહેરા-મૂંગાની શાળાની હોસ્ટેલમાં રહેતા ૨૦૦ છોકરાઓ માટે અમે કીટ તૈયાર કરી છે માત્ર પૈસા આપીને ન છુટી જતા દરેક સ્ટુડન્ટસે આના દરેક દિવસ માટેની અલગ અલગ જવાબદારી ઉપાડી છે, જેમાં ઘણા સ્ટુડન્ટસે પોકેટમની ઉપરાંત વસ્તુની સ્પોન્સરશીપ આપી છે. જેમાં સ્ટુડન્ટ રાહુલ તલરેજા ૨૦૦ બાળકો માટે કબકેક, હીના નવાની દરેક માટે આઇસ્ક્રીમ અને શ્રેણીક રામકાએ દરેકને નોટબૂક સ્પોનસર કરી.
ઓલ્ડ એજ હોમ અને કન્યા શાળામાં મ્યુઝિકલ પરફોર્મન્સ
ઓલ્ડ એજ હોમ અને અનાથાલય જેવી જગ્યાઓ પર વસ્તુઓનું વિતરણ ઘણા લોકો કરતા હોય છે પરંતુ ફિલ્મ અને મ્યુઝિકલ લાઇવ પરફોર્મન્સ જેવું તેઓએ ક્યારેય જોયું હોતું નથી તેથી આ વખતે ઓલ્ડ એજ હોમ અને કન્યાશાળામાં કોલેજનું બેન્ડ કેરી કરી શકાય તેવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે મ્યુઝિકલ પરફોર્મન્સ પણ આપશે.
એક દિવસ પ્રોફેસર્સ તેમની કારમાં સ્લમ એરિયાના બાળકોને ફેરવશે
એસએમપીકના સ્ટુડન્ટસે પોતાની પોકેટમની કરતા પણ વધુ રકમ ચેરિટી માટે આપી છે જ્યારે અહીંના ફેકલ્ટી મેમ્બર્સ પણ પાછા પડે તેવા નથી. તેઓ સ્લમ એરિયાની મ્યુનિસિપલ સ્કૂલના ૬૦ બાળકોને પોતાની કારમાં બેસાડની ફરાવશે આ ઉપરાંત તેમને કોલેજ લાવી કોલેજ કેવી હોય તે બતાવશે. આ અંગે વાત કરતા પ્રો. ગીતાંજલિએ કહ્યું કે, અમે જ્યારે તેમને અમારી કારમાં બેસાડીએ ત્યારે ૯૦ ટકા છોકરાઓ કહે છે કે અમે પહેલી વખત કારમાં બેઠા અને તેમના ચહેરા ઉપરની ખુશી અવર્ણિય હોય છે.