24 મુમુક્ષુઓએ દિવ્યતાના માહોલમાં સંયમ જીવન સ્વીકાર્યું
રિવરફ્રન્ટ પાલડી ખાતે યોજાયેલા વૈરાગ્ય રંગોત્સવ મંડપમાં 10 હજારથી વધુ શ્રાવકોએ નૂતન દીક્ષાર્થીઓને અક્ષતથી વધાવ્યા
આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા. આદિ 9 આચાર્ય ભગવંતોની તથા ત્રીશતાધીક સાધુ-સાધ્વીજીઓની નિશ્રામાં અમદાવાદમાં એક સાથે 24 મુમુક્ષુઓએ સાંસારિક જીવનનો ત્યાગ કરીને અલૌકિક માહોલમાં દીક્ષા ગ્રહણ કરી હતી.
અમદાવાદના પાલડીમાં આવેલા રિવરફ્રન્ટ ખાતે વૈરાગ્ય રંગોત્સવ મંડપમાં પધારેલા ૧૦ હજારથી વધુ શ્રાવકો-શ્રાવિકાઓએ હર્ષોલ્લાસ સાથે નૂતન દીક્ષાર્થીઓને અક્ષત દ્વારા વધાવ્યા હતા. નૂતન દીક્ષાર્થીઓને આશિર્વચન આપતા આચાર્યદેવ શ્રીમદ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, 'વિચારો-આચારો-ઉચ્ચારો આ ત્રણેયને નિયંત્રણમાં લેવા તેનું નામ સંયમ છે. વિચારો-આચારો-ઉચ્ચારોનું ગુરુચરણમાં સમર્પણ તેનું નામ શિષ્ય. જેના મનમાં વિચારો-વચનના ઉચ્ચારો અને કાયાના આચારો ગુરુથી અજાણ ના હોય તે સાચો શિષ્ય છે-સાચો સાધુ છે. ઘર છોડવાથી સાધુ અને મન છોડવાથી શિષ્ય જ્યારે તનના તમામ યોગો છોડવાથી સિદ્ધ બનાય છે. સિદ્ધ બનવા માટે સાધુ બનવાનું છે. '
વહેલી સવારે ૨૪ મુમુક્ષુઓની દીક્ષા વિધિનો પ્રારંભ થયો હતો. વૈરાગ્ય રંગોત્સવ મંડપમાં નૂતન દીક્ષાર્થીઓના ઉપકરણનો ચઢાવો થયો હતો. આ ઉપરાંત મુમુક્ષુઓના નૂતન નામ સૌપ્રથમ વાર જાહેર કરવા માટે ઉછામણી બોલાઇ હતી. આ પછી આચાર્યદેવ મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા.એ નૂતચન દીક્ષાર્થીઓના નામકરણની વિધિ કરી હતી. નામકરણ વિધિ બાદ શ્રાવકો-શ્રાવિકાઓએ આનંદ સાથે અક્ષતથી નૂતન દીક્ષાર્થીઓને વધાવ્યા હતા તેમજ દીક્ષાર્થીઓનો ગગનભેદી જયઘોષ કર્યો હતો. અલૌકિક-દિવ્યતાના માહોલમાં ભવ્ય રીતે દીક્ષાવિધિ સંપન્ન થઇ હતી.
24 દીક્ષાર્થીઓના નવા નામ શું છે?
હીરાભાઇ કોઠારી (સુરત) - મુનિરાજ હેમરક્ષિત વિજયજી મ.સા.,
રજનીભાઇ શાહ (અમદાવાદ) - મુનિરાજ તપોરક્ષિત વિજયજી મ.સા.,
રોહીતભાઇ (વાપી) - મુનિરાજ રાજરક્ષીત વિજયજી મ.સા.
સંદિપભાઇ જૈન (મુંબઇ) -મુનિરાજ શ્રુતરક્ષિત વિજયજી મ.સા.,
વિવેકભાઇ ગાંધી (બેંગલોર)- મુનિરાજ વિશ્વરક્ષિત વિજયજી મ.સા., ભવ્યકુમાર (અમદાવાદ) મુનિરાજ તપોદય વિજયજી મ.સા.,
વજ્રકુમાર જૈન (મુંબઇ) -મુનિરાજ વ્રતરક્ષિત વિજયજી મ.સા.,
પ્રબલભાઇ સકલેચા (ઉજ્જૈન) -મુનિરાજ અર્હંરક્ષિત વિજયજી મ.સા., ધીરુભાઇ જૈન (મુંબઇ) ઃ મુનિરાજ ધૈર્યરક્ષિત વિજયજી મ.સા.,
સંયમભાઇ જૈન (કરાડ) - મુનિરાજ સંવેગરક્ષિત વિજયજી મ.સા.,
સુશિલાબહેન શાહ (અમદાવાદ)- સાધ્વીજી પરમગુણા શ્રીજી,
રસીલાબહેન (મુંબઇ)-સાધ્વીજી રત્નમાલા શ્રીજી,
વર્ષાબહેન (મુંબઇ) - સાધ્વીજી વિરતિશ્રેયા શ્રીજી,
ચારુલતા દોશી (મુંબઇ) - સાધ્વીજી રત્નનિધિ શ્રીજી,
સેજલબહેન જૈન (મુંબઇ) -સાધ્વીજી શ્રુતવર્ધના શ્રીજી,
ઉષ્માબહેન મંડલેચા (મુંબઇ)- સાધ્વીજી ધ્યેયનયના શ્રીજી,
સોનુબહેન પટેલ (લાડોલ) -સાધ્વીજી શ્રેયપદ્મા શ્રીજી,
સુચિબહેન શાહ (અમદાવાદ) - સાધ્વીજી ત્રૈલોક્યાનયના શ્રીજી,
પ્રિયાબહેન નાણેશા (પૂના) - સાધ્વીજી પૂર્ણનંદિતા શ્રીજી,
વિધિબહેન શાહ (આણંદ) - સાધ્વીજી વર્યપદ્મા શ્રીજી,
લબ્ધિબહેન જૈન (મુંબઇ) - સાધ્વીજી આગમવર્ધના શ્રીજી,
પ્રિયાંશીબહેન જોગાતર (મુંબઇ) -સાધ્વીજી પ્રિયવર્ધના શ્રીજી,
યાશીબહેન શાહ (અમદાવાદ) - સાધ્વીજી નમ્રનયના શ્રીજી,
નિર્જરાબહેન મહેતા (અમદાવાદ) - સાધ્વીજી નિરપેક્ષા શ્રીજી.