200 પરિવારે 5 લાખ માસ્ક બનાવ્યા અને શેલ્ટર હોમ માટે ભોજન તૈયાર કર્યું
કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ દ્વારા સામાન્ય પરિવારની મહિલાઓ માટે લૉકડાઉનમાં પણ રોજગારીની નવી નવી તકો
કોરોના મહામારીને પરિણામે ઘણા પરિવારને આર્થિક સંકડામણનો સામનો કરવો પડયો છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ નવા રસ્તાઓ શોધીને મહિલાઓએ પોતાના પરિવારને સાચવી લીધું છે. અમદાવાદમાં કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ દ્વારા સામાન્ય પરિવારની મહિલાઓ માટે લૉકડાઉનમાં પણ રોજગારીની નવી નવી તકો
ઊભી કરીને 200 પરિવારને આર્થિક રીતે સદ્ધર બનાવાયા હતા.
મકરબા વિસ્તારમાં રહેતા અને સંસ્થાના સ્થાપક હેતલબહેન અમીન કહે છે કે, 'રોજનું રોજ કમાઇને ખાનાર પરિવારની ઘણી એવી મહિલાઓના સંપર્કમાં હતી. એમના માટે શું કરી શકાય એ અંગે હું વિચારતી હતી ત્યાં એ બહેનોના સામેથી ફોન આવ્યાં કે, 'કંઇ કામ હોય તો આપો.' એમના માટે કામ શોધવાનું શરૃ કર્યું. એમાં એએમસીમાંથી પાંચ લાખ માસ્ક અને શેલ્ટર હોમમાં રોજ થેપલાં બનાવીને આપવાનું કામ મળ્યું. આટલા બધા માસ્ક બનાવવા હોય તો કાપડ, દોરા જોઇએ. જે મેળવવા એએમસીની મદદથી રેડ ઝોનમાં જઇને દુકાનો ખોલાવી માલ લીધો. આ કામ તો પૂર્ણ થઇ ગયું.'
રોજના 1000માસ્ક બનાવતા હતા
'મારા પતિ રિક્ષા ચલાવે છે, અમારે બે બાળકો છે. લૉકડાઉનમાં તો રિક્ષાઓ બંધ જ હતી. હજુ પણ મુસાફરો જલદી રિક્ષામાં બેસવાનું ટાળે છે. હું ઘરમાં સિલાઇનું અને ફોલ, ઇન્ટોલોકનું કામ કરું છું. લૉકડાઉનમાં અમારા બંનેની રોજી બંધ થઇ ગઇ. હવે કરવું તો શું કરવું? એ વખતે હેતલબહેન દ્વારા માસ્ક બનાવવાનું કામ મળ્યું. હું અને મારા જેવી બહેનો ભેગી થઇ રોજના ૧૦૦૦ માસ્ક બનાતી હતી. આ કામ ત્રણ મહિના ચાલ્યું. અમને એનાથી ખાસ્સી રાહત રહી. નહીંતર પરિસ્થિતિ કપરી થઇ ગઇ હોત.' - ઉષાબહેન ગોહિલ, નવા વાડજ
હું અને મારી દીકરી રોજના 300થી 400 થેપલા બનાવતા
'અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. પતિ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને બંને બાળકો અભ્યાસ કરે છે. ઘરમાં ટેકો કરવા હું એક્ઝિબિશન દ્વારા વિવિધ પ્રકારની ૫૦ ફ્લેવરની વસ્તુઓનું વેંચાણ કરતી હતી. પરંતુ લૉકડાઉનમાં બધુ બંધ થઇ ગયું. પતિની ઓફિસ બે મહિના બંધ રહી. આવી સ્થિતિમાં એક થેપલા બનાવવાના ૩ રૃપિયા લેખે કામ મળવાનું શરૃ થયું. હું અને મારી દીકરી ભેગા થઇ રોજના ૩૦૦થી ૪૦૦ થેપલાં બનાવતાં હતાં. એમાંથી ઘર તો ચાલી ગયું. બાર મહિનાના ઘઉં અને મસાલા પણ ભરાઇ ગયાં. હવે બીજુ કોઇ આવું કામ મળે એની રાહ જોવું છું.' - ભાવના શાહ, વાડજ
હવે ફરી કામની શોધ કરી રહી છે
'સામાન્ય ઘરની ઉપરાંત સારા ઘરની અનેક એવી બહેનો છે જે શરમના માર્યા ન કોઇને કહી શકે છે, ન કોઇ સામે હાથ લાંબો કરી શકે છે. આવી બહેનોમાં જેમને સિલાઇ આવડતી હોય એમને માસ્ક અને રસોઇમાં ફાવટ હોય એમને થેપલાં બનાવવાનું કામ આપ્યું. એમાં ૨૦૦ પરિવારે ભેગા થઇને ત્રણ મહિના દરમિયાન ૫ લાખથી વધારે માસ્ક બનાવ્યાં ૭૦ પરિવારે થેપલાં બનાવ્યાં. એનાથી લૉકડાઉન તો નીકળી ગયું. હવે ફરી કામની શોધ કરી રહી છે.' - હેતલ અમીન, ફાઉન્ડર