Get The App

વિદેશમાં જે સર્જરી 3 કરોડમાં થાય છે તેને સિવિલમાં વિનામૂલ્યે કરી બ્લેડર એટ્રોફીથી પીડાતાં 142 બાળકોને નવજીવન અપાયું

'ચિલ્ડ્રન હોસ્પિટલ ઓફ ફિલાડેલ્ફિયા'માં પીડીયાટ્રીક સર્જન ડૉ.અસીમ શુકલ અને અમદાવાદના સ્વ.ડૉ.અતુલ ઠાકરે બ્લેડર એટ્રોફીનો કેમ્પ 2009થી શરૂ કર્યો હતો

Updated: Jan 30th, 2020

GS TEAM

Google News
Google News
વિદેશમાં જે સર્જરી 3 કરોડમાં થાય છે તેને સિવિલમાં વિનામૂલ્યે કરી બ્લેડર એટ્રોફીથી પીડાતાં 142 બાળકોને નવજીવન અપાયું 1 - image

12 વર્ષ પહેલાં પીડિયાટ્રીક ડૉ.અતુલ ઠાકરે મારું ધ્યાન દોરતાં કહ્યું કે, 'ભારતમાં તાજા જન્મેલા બાળકો એક ભયંકર તકલીફ બ્લેડર એટ્રોફી (પેશાબની કોથળી સહિતનો ભાગ પેટમાં બહાર દેખાવો)નો સામનો કરી રહ્યા છે. તમે અમેરિકામાં વર્ષોથી પીડિયાટ્રીક સર્જન તરીકે કાર્ય કરી રહ્યો છો તો શું તમારી ટેકનોલોજી અને નોલેજનો ઉપયોગ ભારતના બાળકો માટે ન કરી શકો? અમે જાત જાતના ઓપરેશન કર્યા પરંતુ તેના પરિણામ એટલા સારા નથી આવતા એટલે તમારી મદદની જરૃર છે.' અમેરિકામાં બ્લેડર એટ્રોફીના વર્ષે માંડ એકાદ કેસ આવતા હોય છે પરંતુ અમારા માટે આ ચેલેન્જ હતી. મેં અને ડૉ.રિચર્ડ ગ્રેડીએ અમદાવાદ આવીને આ સર્જરીને સફળ બનાવવાના પ્રયાસ શરૃ કર્યા. જ્યાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ડૉ.રાકેશ જોશીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન શરૃ થયું. અમારો ઉદ્દેશ્ય એક જ હતો કે એકપણ રૃપિયો લીધા વિના માત્ર સેવા કરવી અને શક્ય એટલી સફળતા હાંસલ કરવી. આજે બ્લેડર એટ્રોફી સર્જરીમાં ઘણી સફળતા હાંસલ કરી દીધી છે. બે વ્યક્તિથી શરૂ કરેલા આ સેવાકીય પ્રયાસમાં આજે અમારી સાથે ડૉ.ડગલશ કેનિંગ, ડૉ.પી.પી.સાલે, પ્રમોદ રેડ્ડી, અંજના કુંડુ, ડૉ.રાકેશ જોશી અને જયશ્રી રામજી અમે છ જણની ટીમ છે. 

આ એટ્રોફી ચિંતાજનક અને તકલીફવાળી વસ્તુ છે કારણ કે તેનો સર્જીકલ ઉકેલ હજુ સુધી એટલો સફળ કહી શકાય તેવો શોધાયો નથી. હજુ સંશોધન ચાલુ છે. અમે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો સાથે પાર્ટનરશિપ કરી અને તેઓને કહ્યું કે, જો તમે જવાબદારી ઉપાડવા તૈયાર હોવ કે જેવી એક્સપર્ટીથી સારવાર અમેરિકામાં મળે છે અને દર્દીની કેર થાય છે તેવી અહીંયા થાય તો અમે તમારી સાથે ઓપરેશન કરીએ. ભારતમાં અમેરિકાની સરખામણીમાં દર વર્ષે અનેક બાળકો જન્મે છે જેથી એટ્રોફી સાથે જન્મતા બાળકોની સંખ્યામાં અહીંયા વધુ છે. અમારો બીજો વિચાર એ હતો કે અમને આ કેમ્પ દ્વારા શીખવા ઘણું મળશે. બીજું એવું બન્યું કે જેમ જેમ સફળતા મળતી ગઇ તેમ તેમ અમારી સાથે રશિયા, ઘાના, કઝાકિસ્તાન, લિથોવેનિયા, બ્રાઝિલ, આર્જન્ટિના, કેનેડા, સ્પેન જેવા દેશોના પીડીયાટ્રીક સર્જનોએ અમારા આ કેમ્પમાં જોડાવાનો ઉત્સાહ બતાવ્યો. પરંતુ અમે આ તમામ સર્જનોને કહ્યું કે અમારા ભારતના બાળકો કંઇ પ્રેક્ટિસ માટે નથી એટલે તમે માત્ર સર્જરી દરમિયાન ઓબ્ઝર્વ કરી શકો છો. અમારી આ સર્જરી ૧૦થી ૧૨ કલાક ચાલતી હોય છે એટલે અમે એક ટીમમાં કામ કરીએ છીએ. અમે નક્કી કર્યું કે જો એટ્રોફી અંગે જરૃરી અને પ્રોપર ટેકનિક ડૉક્ટરો શીખે તો અમેરિકા સહિત વિશ્વના અન્ય બાળકોને આ ભયંકર તકલીફમાંથી બહાર લાવી શકાય છે. 

મારા અંગત જીવનની વાત કરું તો મારા માતા-પિતા ૧૯૬૨થી અમેરિકામાં સ્થાઇ થઇ ગયા હતા અને મારો જન્મ અમેરિકામાં પરંતુ સુરેન્દ્રનગર વઢવાણામાં થોડો વખત રહેવાનું થયું હતું ત્યારે મેં અહીંયા ધોરણ ૨, ૩, ૪ અંગ્રેજી મીડિયામાં ભણ્યો. પછી અમે અમેરિકા પાછા જતા રહ્યા જ્યાં મારું હાયર એજ્યુકેશન, મેડીકલ સ્ટડી અને પ્રેક્ટિસ અહિંયા થઇ. 

સર્જનો સ્વખર્ચે સેવા આપે છે 

જન્મજાત મોટી બીમારી કહેવાય તે બ્લેડર એટ્રોફીની સર્જરી ૧૨ વર્ષની કરી રહ્યા છીએ. આજે અસીમભાઇ સાથે મળીને અમે કુલ પાંચ સર્જનો સ્વખર્ચે આ તમામ સર્જરીનો ખર્ચ ઉઠાવીએ છીએ. આજે સિવિલ હોસ્પિટલમાં આધુનિક સુવિધાથી વિનામૂલ્યે આ સર્જરી કરાય છે.  વિદેશમાં આ સર્જરી પાછળ ૩ કરોડનો ખર્ચ થઇ જાય છે. ડૉ.રાકેશ જોશી, પીડીયાટ્રીક સર્જરી વિભાગના વડા, સિવિલ હોસ્પિટલ

આ સર્જરીનો સક્સેસ રેટ માત્ર 30-40%

તાજા જન્મેલા બાળકનું બ્લેડર (પેશાબની કોથળી અને ઇન્દ્રીય)નો ભાગ પેટની બહાર ખુલ્લો હોય છે. જાણે પેટની નીચેનો ભાગ કાતરથી કાપી દીધો હોય તેવું લાગે પરંતુ આ કુદરતી રીતે બ્લેડરનો ભાગ નવજાત બાળકમાં બહાર રહી જતો હોય છે જેને પરિણામે બાળકને પેશાબ ટપક્યા કરે છે. ઇન્દ્રીય પણ ખુલ્લી હોય અને ખૂબ તકલીફ રહેતી હોય છે. બ્લેડર એટ્રોફી ચિંતાજનક અને તકલીફદાયક છે. કારણ કે મેડીકલ સાયન્સ અને ટેકનોલોજીમાં આટલી ક્રાંતિ હોવા છતાં હજુ સુધી ૧૦૦ ટકા સફળતા સર્જનોને મળી નથી. પીડીયાટ્રીક સર્જનો કહે છે કે, દર ૫૦ હજાર બાળકમાંથી એક બાળક બ્લેડર એટ્રોફીથી જન્મે છે.

બાળકોનું ભવિષ્ય ઉજળું બને તે દિશામાં પ્રયત્નો કરી રહ્યા છીએ

વિદેશમાં જે સર્જરી 3 કરોડમાં થાય છે તેને સિવિલમાં વિનામૂલ્યે કરી બ્લેડર એટ્રોફીથી પીડાતાં 142 બાળકોને નવજીવન અપાયું 2 - image૨૦૧૨થી લઇને અત્યાર સુધીમાં ભારત છ વાર આવ્યો છું. અમે ભલે દસ દિવસ ભારત આવીએ છીએ પરંતુ અહીંના ડૉક્ટરોને આખું વર્ષ તેની પાછળ કામ કરવું પડે છે. અમે દર વર્ષે સ્ટેપ બાય સ્પેટ પ્રગતિ કરી રહ્યા છીએ. અમારી આ પ્રગતિ ઘણી નાની કહી શકાય પણ મને આશા છે કે આગામી પંદર વર્ષમાં અમે બાળકોેને આ દર્દમાંથી મુક્તિ અપાવી શકીશું. મારા કરિયરમાં મેં બાળકોના બ્લેડર એટ્રોફીની ૧૦૦થી વધુ સર્જરી કરી છે. આ દુર્લભ બીમારી છે. હું એક સમૃદ્ધ દેશમાંથી આવું છું એટલે માટે નહીં કે મને ભારત યાત્રા પરવડે છે પરંતુ બાળકોને આ નર્કાગારમાંથી મુક્તિ અપાવી છે એટલે આવું છું. પહેલીવાર ભારત આવ્યો ત્યારે જોયું કે કેટલાય માતાપિતા પૈસાના અભાવે આમતેમ રઝપાટ કરી રહ્યા હતા. મેં જ્યારે તેમના બાળકોની સારવાર કરી ત્યારે તેઓ ઘણા ખુશ થયા. બીજાની મદદ કરવામાં જે આનંદ મળે છે તે બીજે ક્યાંથી મળતો નથી. ખુશ રહેવા માટે સિદ્ધાંત, કૃતજ્ઞા અને નમ્ર બનવું જરૃરી છે. - ડગલસ એ.કેનિંગ, પ્રોફેસર-ડાયરેક્ટર, પીડીયાટ્રીક યુરોલોજી, ધ ચિલ્ડ્રન હોસ્પિ.ઓફ ફિલાડેલ્ફિયા


Tags :