123 વર્ષ જૂના માણેકચોકના 'ચોકસી બજાર'ની ગઇકાલ અને આજ
સોના-ચાંદીની ખરીદી માટે પાવન ગણાતા પુષ્ય નક્ષત્રના દિવસે વાત કરીએ અમદાવાદના સૌથી જૂના અને જાણીતા 'માર્કેટ'ની
અમદાવાદમાં રહેતાં હોઇએ અને માણેકચોકની મુલાકાત ન લીધી હોય એવું ભાગ્યે જ બને. અહીંની ગલીઓમાં ફરીએ ત્યારે પોતીકાપણાનો ભાવ મનમાં જાગ્યા વગર ના રહે. અહીંના વાતાવરણની ખૂશ્બુ જ કંઇક ઔર છે. દાયકાઓથી પોતાના અસ્તિત્વની ચાડી ખાતું એવું શેરબજારનું જૂનું બિલ્ડિંગ માણેકચોકની શાખમાં અભિવૃધ્ધિ કરે છે. દિવસ રાત ધબકતું રહેતું એવું માણેકચોક પોતાનામાં અનેક બજારોનો સમાવેશ કરીને આજે અડીખમ ઊભું છે.
1896
લૂંટફાટના ભયને બાજુએ મૂકી સલામતીનો અહેસાસ કરાવતાં માણેકચોકના સોની બજાર જેને ખરા અર્થમાં ચોક્સી બજાર કહી શકાય. આ ચોક્સી બજારની સ્થાપના ૧૮૯૬માં થઇ એટલે કે આ એસોસિએશન બન્યાને ૧૨૩ વર્ષ પુરા થાય છે. આજે પણ ગુજરાતભરમાં સોના-ચાંદીના હોલસેલ માર્કેટના હબ તરીકે પોતાની શાખ ધરાવે છે. અહીં ટન બદ્ધ માલ ખુલ્લામાં ઊતરે છે. હોલસેલ માર્કેટ ઉપરાંત આ બજારને ચાંદીની ગામઠી આઇટમનું મુખ્ય બજાર પણ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર દરમિયાન આ બજારનો આખો માહોલ જ બદલાઇ જાય છે.
2012માં સોના-ચાંદી માર્કેટ 42 દિવસ બંધ રહ્યું હતું
૨૦૧૨માં ગોલ્ડ કન્ટ્રોલ એક્ટ સરકાર ફરી લાવવા માંગતી હતી. તેના વિરોધમાં માણેકચોકના વેપારીઓએ ૪૨ દિવસ સુધી સળંગ બંધ રાખ્યું હતું. પરિણામે પ્રણવ મુખરજીએ વેપારીઓની વાતને સ્વીકારી ગોલ્ડ કન્ટ્રોલ એક્ટને માફ કર્યો હતો.
ઇન્વેસ્ટમેન્ટમાં ગોલ્ડ-સિલ્વર મોખરે
'ગોલ્ડ અને સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ટ્રેન્ડ ભૂતકાળમાં હતો, ભવિષ્યમા હશે અને આજે પણ છે. તે યથાવત રહેવાનો, કારણ કે બેંકમાં અને પોસ્ટમાં વ્યાજના દર ઘટયા છે. જ્યારે સોના-ચાંદીમાં સારું રિટન મળે છે. પહેલાંના વખતમાં સોનાના બિસ્કિટ નહોતા મળતાં એટલે સોના-ચાંદીના સિક્કામાં લોકો ઇન્વેસ્ટ કરતાં હતાં. ભવિષ્યમાં બેંકોની સ્થિતિ શું હશે એ કંઇ કહેવાય નહીં પરંતુ ગોલ્ડ-સિલ્વરમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ ઊગી નીકળવાનું છે.' હેમંત સથવારા, એસો. હેડ કર્લાક
હવે માલની સામે પેમેન્ટ આપવું પડે છે તેથી ધંધામાં થોડી મુશ્કેલી વધી છે
'અમારો ૯૦ ટકા જોખમવાળો ધંધો છે. પહેલાં બે આંખની શરમ અને વિશ્વાસને કારણે માલ ઉધાર મળતો હતો. હવે સ્થિતિ બદલાઇ છે, માલની સામે પેમેન્ટ આપવું પડે છે. ભાવ સતત અપડાઉન થવાને કારણે રોકાણ કરવું પોસાય એમ નથી. જીએસટી એમ બધું મળીને આશરે ૧૫ ટકા ટેક્સને કારણે બજાર ખલાસ થઇ ગયું છે. તેથી નવી જનરેશન આ ધંધામાં આવવા માંગતી નથી.' -પથિક શાહ, સેક્રેટરી
જીએસટી અને સોનાના વધતા જતા ભાવ ચિંતાનો વિષય છે
'દાદાના સમયના અમારા આ ધંધાને પાંચ દાયકાથી પણ વધુ સમયથી સંભાળું છું. એક વખત એવો હતો જ્યારે દુકાન ખોલીએ તેની સાથે ઘરાકી શરૃ થાય કે વસ્તી કરવાનો સમય થાય ત્યાં સુધી ઊંચું જોવાનો સમય મળતો નહોત. અત્યારે મહિનો કેમ કાઢવો એ પ્રશ્ન છે. સામાન્ય ઘરાકી તો છોડો પણ સિઝનની ઘરાકી ઘટીને ૪૦થી ૫૦ ટકા થઇ ગઇ છે. વધી રહેલાં સોનાના ભાવ, મોંઘવારી અને જીએસટીનું ભારણ લોકોને મારી નાંખે છે. જ્યારે જીએસટી આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, બધા જ પ્રકારના ટેક્સ નીકળી જશે અને ફક્ત જીએસટી જ રહેશે. પરંતુ કોઇપણ પ્રકારના ટેક્સ કાઢવામાં આવ્યા નથી.' -ચિનુભાઇ ચોક્સી, પ્રમુખ
૪૫ વર્ષમાં નથી કમાયા એટલું નોટબંધી વખતે કમાયા
'હું બુલિયન માર્કેટમાં ધંધો કરું છું. ૪૫ વર્ષમાં અમે જેટલું નથી કમાયા એટલું નોટબંધી વખતે કમાયા છીએ. આજથી પાંચ વર્ષ પહેલાં જે ધંધો હતો એ ઘટીને ૩૦થી ૪૦ ટકા થઇ ગયો છે. એ પાછળ સોના-ચાંદીના ભાવમાં થયેલો પુષ્કળ વધારો, કસ્ટમ ડયુટી, જીએસટી ઉપરાંત દરેક શહેરો અને વિસ્તારમાં ખુલી ગયેલાં મોટા શો રૃમને કારણે લોકો અહીં સુધી આવવાનું ટાળે છે.' - અશોકભાઇ ચોક્સી, ચોક્સી મહાજન સભ્ય
ટ્રાફિકની સમસ્યાને કારણે સારા ઘરાકો સી.જી.રોડ તરફ વળ્યા છે
'અમારો પેઢીઓ વખતનો બિઝનેસ છે. હું છેલ્લાં ત્રણ દાયકાથી પણ વધારે સમયથી અહીં બેસું છું. ઓલ્ડ સિટી દિવસે દિવસે ઘસાતું જાય છે. ટ્રાફિકની સમસ્યાને કારણે સારા ઘરાકો સી.જી.રોડના શો રૃમ તરફ વળી ગયા છે. તેથી નુકસાન વેઠવું પડે છે. હા, પણ ગામડાંની ઘરાકી હજુ અકબંધ રહી છે.' - વાસુદેવભાઇ મોટવાણી, ડાયરેક્ટર, ખજાનચી
એક જમાનામાં બુલિયન માર્કેટના ભાવ માણેકચોકમાંથી બહાર પડતા
આજે કમ્પ્યૂટરમાં ગૂગલ દેવ પાસેથી દુનિયાભરની માહિતી મળી જાય છે એવું આજથી ચાર-પાંચ દાયકા પહેલાં શક્ય નહોતું. એ જમાનામાં બુલિયન માર્કેટના ભાવ માણેકચોકમાંથી બહાર પડતાં હતાં. ભાવ બહાર પડે એની વેપારીઓ દ્વારા આતુરતા પૂર્વક રાહ જોવામાં આવતી હતી. મુંબઇથી આવતો આ ભાવ સવારે બહાર પડતો અને ૨૪ કલાક સુધી જળવાઇ રહેતો હતો. હવે ઓનલાઇન સિસ્ટમ થઇ જતાં સોના-ચાંદીના ભાવ દિવસ દરમિયાન વધઘટ થયા કરે છે.
પેઢીઓથી ચાલ્યા આવતા ધંધા પર ગ્રહણ તો લાગી નહીં જાય ને?
અહીંના વેપારીઓના મત મુજબ આ બજારનો દબદબો પહેલા જેવો રહ્યો નથી. માર્કેટ દિવસે દિવસે ઘસાઇ રહ્યું છે. બાપદાદાના વખતોથી ચાલતી પેઢીઓ આંગણીને વેઢે ગણી શકાય એટલી રહી ગઇ છે અને ભવિષ્યના વારસદારો આ ધંધામાં પગપેસારો કરે એવું ખુદ ઘરનો મોભી ઇચ્છતો નથી, કારણ કે માણેક ચોકમાં જે માનવ મહેરામણ જોવા મળતું હતું એ શેષ રહી ગયું છે. એમાંય ઘરાકોથી ઊભરાતી દુકાનોમાં ઘણી વખત બોણી વગર વસ્તી કરવાનો વારો આવે છે. આમ દિવસે દિવસે કથળી રહેલી સ્થિતિને જોતા તેના ભવિષ્ય અંગે પ્રશ્નાર્થ ઊભો થઇ રહ્યો છે.
દાગીના ડિઝાઇન કરવામાં બંગાળી કારીગરો મોખરે
આજે દરેક વ્યક્તિને ડિઝાઇનર વસ્તુ ગમે છે એ પછી કપડાં હોય કે દાગીના. દાગીનાની વાત કરીએ તો એમાં કલાત્મક ડિઝાઇન આપવાનું કામ કરતાં કારીગરોમાં બંગાળી કારીગરોનો ફાળો મોટો છે. બંગાળી કારીગરો ડિઝાઇનિંગ અને ફિનિશિંગના કામમાં પાવરધા હોવાથી ૭૦થી ૭૫ ટકા વર્ગ બંગાળી છે આ કામ સાથે જોડાયેલા છે.
વિશેષતા
ચાંદીની ફેન્સી આઇટમો માટે રાજકોટ પ્રસિદ્ધ છે જ્યારે દેશી એન્ટિક વસ્તુઓ માટે માણેકચોક મોખરે છે
===
માણેક ચોકના ચોક્સી બજારના માલની માંગ ગુજરાતમાં જ નહીં પરંતુ મુંબઇ, કોલકાતા જેવા મોટા શહેરોમાં છે.
===
કેનેડા, ન્યુઝીલેન્ડ જેવા અનેક દેશોમાં જડતરના દાગીનાની માંગ હોવાથી એક્સપોર્ટ કરવામાં આવે છે.
900
આખા માણેક ચોકમાં હોલસેલ, રિટેલ અને મેન્યુફેક્ચર એમ બધી ભેગી મળીને ૮૦૦થી ૯૦૦ દુકાનો છે. એમાં ચાંદીના કારખાનાનો સમાવેશ પણ કરી શકાય.
10,000
ગુજરાતી અને બંગાળી એમ આશરે ૧૦ હજાર કારીગરો ભેગા મળીને સોના-ચાંદી પર ડિઝાઇનિંગનું કામ કરે છે.
-50%
જીએસટી, ટ્રાફિકની સમસ્યા અને વધી રહેલા સોનાના ભાવને કારણે ધંધો ઘટીને ૪૦થી ૫૦ ટકા થઇ ગયો છે.
4 એસોસિએશન
માણેકચોકમાં ચાંદી મેન્યુફેક્ચર એસોસિએશન, સોના-ચાંદી મેલ્ટીંગ એસોસિએશન, સોના-ચાંદી દાગીના હોલ સેલ માર્કેટ અને ચોક્સી મહાજન એમ કુલ ચાર અલગ અલગ એસોસિએશન છે. પણ જ્યારે કોઇ સંકટ આવી પડે ત્યારે બધા એસોસિએશન એક થઇ જાય છે.
એક એવી લોકવાયકા છે કે માણેકચોક નામ માણેકનાથ બાબાના નામ પરથી પડયું છે. તેમની યાદમાં માણેકનાથ મંદિર બનાવવામાં આવ્યું છે. જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે.