ગુજરાતી ભાષા અને સાહિત્યને એક નવી દિશા આપવાનું કાર્ય 'શનિસભા' દ્વારા કરાય છે
આજે બાળસાહિત્યની 100મી શનિસભા
ગુજરાતી ભાષાના વિકાસ માટે સ્થપાયેલી માતૃભાષા અભિયાન સંસ્થા તરફથી બાળસાહિત્યના લેખકોના સર્જનમાં વેગ મળે તેમજ બાળસાહિત્યના સંવર્ધન સાથે સમુહમાં મૂલ્યાંકન થાય તેવા હેતુથી દર માસના પહેલાં અને ત્રીજા શનિવારે ગુજરાતી સાહિત્ય પરિષદની સામે આવેલા વીએમએસ ચિત્રકૂટ ફ્લેટ્સમાં બાળસાહિત્યની શનિસભાનું આયોજન કરવામાં આવે છે. આ શનિસભામાં બાળસાહિત્યના લેખકો દ્વારા પોતાની અપ્રકાશિત એવા બાળકાવ્યો, બાળવાર્તાઓ, બાળગીત, જોડકણાં અને ઉખાણાંની પ્રસ્તુતિ કરવામાં આવે છે.
આ વિશે વાત કરતાં માતૃભાષા અભિયાનના ટ્રસ્ટી અને સાહિત્યકાર રાજેન્દ્ર પટેલે કહ્યું કે, માતૃભાષા અભિયાન દ્વારા સંચાલિત બાળસાહિત્યની આજે ૧૦૦મી શનિસભા છે. ગુજરાતી સાહિત્યની આ એક વિરલ ઘટના કહીએ તો નવાઇ નહીં લાગે. માતૃભાષા સંસ્થા દ્વારા બાળકોને ઉત્તમ બાળસાહિત્ય ઉપલબ્ધ થાય તે આજના સમયની અનિવાર્યતા છે. શાળામાં અભ્યાસ કરતાં બાળકોને રસ પડે તેવા સાહિત્યથી તેમની રસરુચિનું ઘડતર કરે છે અને સાથે ગુજરાતી ભાષા અને સાહિત્ય જીવંત રહે છે. ગુજરાતી ભાષા અને સાહિત્યને એક નવી દિશા આપવાનું કાર્ય શનિસભા દ્વારા કરવામાં આવે છે. આ શનિસભા નિઃશુલ્ક ચાલે છે અને તેમાં નવોદિત અને જાણીતા બાળસાહિત્યકારો હાજર રહીને બાળસાહિત્યને વેગવંતુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. દર મહિને બાળઆનંદ નામે 'ઇ જનરલ' સોફ્ટકોપીમાં પ્રગટ થાય છે. સાતત્યપૂર્ણ ચાલતી આ શનિસભા આવનારી પેઢીને માટે આશીર્વાદ સમાન બની રહેશે.
બાળસાહિત્યકારની હાજરી પૂરાતી નથી કે મહેનતાણું આપવામાં આવતું નથી
શનિસભામાં સિનિયર બાળસાહિત્યકારો દ્વારા બાળસાહિત્યની કૃતિને વધારે સારી રીતે રજૂ કરી શકાય તે માટેની સાહિત્યિક સમજૂતી આપવામાં આવે છે. ભાષાકીય પકડની સાથે પાત્રતાને લગતા સૂચનો આપવામાં આવે છે. શનિસભામાં કોઇ બાળસાહિત્યકારની હાજરી પૂરવામાં આવતી નથી કે મહેનતાણું આપવામાં આવતું નથી. બાળસાહિત્ય સર્જનને વધારે સારી રીતે બાળકો સુધી લઇ જવું એ અમારો ધ્યેય છે. આવી સભાઓ દ્વારા બાળસાહિત્યનું ભવિષ્ય ઉજળું છે. શનિસભામાં લેખકોની સંખ્યામાં પણ વધારો થયો છે જે શનિસભાની સફળતાની નિશાની છે.- યશવંત મહેતા, શનિસભાના સંચાલક