Get The App

100 દિવસથી 900 ડૉક્ટર ઘરે ગયા વિના કોવિડ વોર્ડમાં સેવા આપી રહ્યા છે

કોરોના મહામારીમાં લૉકડાઉન અને અનલૉક વચ્ચેના #100days

Updated: Jul 3rd, 2020

GS TEAM

Google News
Google News

25 માર્ચથી લૉકડાઉન શરૂ થયું ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે ભારતમાં જ 6 લાખ કોરોના પોઝિટિવ કેસ આવનાર થોડા મહિનાઓમાં સામે આવી જશે. નોવેલ કોરોના વાઇરસ મહામારીમાં દુનિયાભરના ડૉક્ટર અને અન્ય મેડિકલ સ્ટાફની કામગીરીને સૌ કોઇએ બિરદાવી છે. લૉકડાઉનને ૨જી જુલાઇએ 100 દિવસ પૂરાં થઇ ગયા અત્યારે અનલૉકનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ઘણાં દર્દીઓ સાજા થઇને રાબેતા મુજબ કામે વળગી ગયા અને ઘણાં લોકોના દુઃખદ અવસાન થયાં. આ બધાની વચ્ચે ડૉક્ટર અને મેડિકલ સ્ટાફની ભૂમિકા સરાહનીય બની રહી છે. કોવિડ વોર્ડમાં પીપીઇ કિટ પહેરીને કામ કરતાં, દર્દીઓને સતત પ્રોત્સાહિત કરતાં ડૉક્ટર્સની સ્થિતિ કેવી થતી હશે. તેની કલ્પના જ કરવી અશક્ય છે. અમદાવાદમાં એસવીપી, સિવિલ, શારદાબેન અને એલ.જી. હોસ્પિટલમાં કોવિડ માટે 1500થી 1800 ડૉક્ટર્સ સતત કામે લાગેલા છે, જેમાંથી 900 ડૉક્ટર્સ તો છેલ્લાં 100 દિવસથી પોતાના ઘરે પણ નથી ગયા. આજે વાત કરીએ એવા સુપર હીરોની જેઓ આપણી વચ્ચે જ રહ્યા છે અને કોવિડમાં પોતાના જીવની પણ ચિંતા કર્યા વિના અખંડ સેવા આપી રહ્યા છે....

પીપીઇ કિટ પહેર્યા પછી 'ડોન અને ડોફ' પ્રોસેસ ન કરવી પડે તે માટે વૉશરૂમ નથી જતાં..

મોટાભાગના ડૉક્ટર્સને કહ્યું કે, એક વખત કોરોના વોર્ડમાં સારવાર માટે એન્ટર થવા માટે પીપીઇ કિટ પહેરી લીધા પછી કોઇ પણ પર્સનલ કામ કરવું મુશ્કેલ છે. આ પીપીઇ કિટ ડયુટીના આઠથી નવ કલાક પહેરી રાખવાની હોય છે અને પીપીઇ કિટ પહેર્યા પછી પાણી પીવાનું, ખાવાનું કે વૉશરૃમ જવાનું મોટેભાગે ટાળતા હોઇએ છીએ કારણ કે, તેને કારણે ઇન્ફેક્શનના સોર્સ વધી જાય છે. પીપીઇ કિટ પહેરવા અને કાઢવા ડોનિંગ અને ડોફિંગ પ્રોસેસમાંથી પસાર થવાનું હોય છે. જો વોશરૃમ જવું હોય તો પીપીઇ કિટને ડોફ કરવી પડે અને તેને ડોફ કરી ફરી ડોન કરવા માટે અડધો કલાકનો સમય જાય છે અને એક દિવસની એક જ પીપીઇ કિટ મળે છે એટલે ડોફ (કાઢ્યા) પછી બીજી પીપીઇ કિટ મેળવવી મુશ્કેલ છે.

સિકલ સેલ એનિમિયા હોવા છતાં આવી સ્થિતિમાં પીછેહઠ કરવામાં માનતી નથી

100 દિવસથી 900 ડૉક્ટર ઘરે ગયા વિના કોવિડ વોર્ડમાં સેવા આપી રહ્યા છે 1 - image'મને સિકલ સેલ એનિમિયા છે. આ ડિસીસમાં લોહીની ઉણપ થઇ જાય, સાંધામાં દુખાવો થાય, તાવ આવે, કમળો થઇ જાય અને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધુ રહેલા છે. હું બે વર્ષથી પેથોલોજી રેસિડન્ટ છું. કોવિડના બ્લડ સેમ્પલ અમારી પાસે આવે અને કોવિડ વોર્ડમાં બ્લડ સેમ્પલ લેવા જવાનું થાય. આવી સ્થિતિમાં મને એનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે હોવાથી પેરેન્ટ્સે મારી સેફ્ટી માટે જોબ છોડી ઘરે આવી જવાની સલાહ આપી. દરેક માતાપિતા માટે તેમનું સંતાન મહત્વનું હોય છે પણ મેં મારું ધ્યાન રાખી ફરજ અદા કરવાની એમને ખાતરી આપી. મને ઇન્ફેક્શન લાગી ન જાય એટલે પૂરતા પ્રિકોશન લેતી. દર્દી માટે જે ફૂડ પેકેટ્સ આવતાં હતાં એ અમે ખાઇને ચલાવી લેતાં હતાં. ઘણી વખત અમારી પાસે જે નાસ્તો પડયો હોય એનાથી ચલાવી લેવું પડતું. આવી સ્થિતિમાં જાતને મેન્ટલી સ્ટ્રોગ રાખતાં જેથી બીમાર ન પડાય. જો અમે હેલ્ધી હઇશું તો દર્દીઓને હેલ્ધી રાખી શકીશું. એમના વિશ્વાસને ટકાવી રાખવાની જે તક મળી છે એ માટે ગર્વ અનુભવુ છું.'-ડૉ. રુચિતા પટેલ, સિવિલ હોસ્પિટલ

પહેલાં વોર્ડમાં જતા બીક લાગતી હતી પણ ત્રણ મહિનામાં આ ડર જતો રહ્યો છે

100 દિવસથી 900 ડૉક્ટર ઘરે ગયા વિના કોવિડ વોર્ડમાં સેવા આપી રહ્યા છે 2 - imageહું થર્ડ યર એનેસ્થેસિયા રેસિડેન્ટ છું અને કોરોના વોર્ડમાં જે ઓ.ટી. અને આઇસીયુમાં જે ક્રિટીકલ પેશન્ટ આવે તેમની ટ્રીટમેન્ટ કરું છું. સિસ્ટમ આવી છે કે એક વીક સારવાર કરવાની અને તેના પછીના વીકમાં ક્વૉરન્ટાઇન થવાનું મારું ઘર બોડકદેવ છે પણ પરિવારના લોકોની સેફ્ટી માટે ઘરે નથી જતી. તેઓ ચિંતા કરે એટલે ફોન પર કે વીડિયો કોલ પર વાત કરી લઉં છું. શરૃઆતમાં કોરોના વોર્ડમાં જતા બીક લાગતી હતી પણ ત્રણ મહિનામાં આ ડર જતો રહ્યો છે.-ડૉ. રેબેકા જેકોબ, સિવિલ હોસ્પિટલ

અઢી મહિના સુધી જન્મેલી દીકરીનું મોં ૫ણ ન જોઈ શક્યો

100 દિવસથી 900 ડૉક્ટર ઘરે ગયા વિના કોવિડ વોર્ડમાં સેવા આપી રહ્યા છે 3 - imageમાતા તરીકે બાળકને જન્મ આપવાનું સુખ તો અદભૂત છે પરંતુ એક પિતા બનવાનો જે આનંદ છે તેને શબ્દોમાં પરોવવો અધૂરો છે. ડૉ. સરવનાન વીકે કહે છે,'મારી પત્નીને છેલ્લાં દિવસો જઇ રહ્યાં હતાં અને લૉકડાઉન શરૃ થઇ ગયું.અમારી ડયૂટી કોરોના વોર્ડમાં આવતી રહેતી. એક બાજુ મારી પત્નીએ દીકરીને જન્મ આપ્યો અને બીજી બાજુ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એ જાણીને હું ભાંગી પડયો. હવે મારું શું થશે? દીકરીને ક્યારે જોઇ શકીશ? વગેરે જેવા અનેક સવાલો મનમાં ઉભા થવા લાગ્યા. મને હોટેલમાં ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યો. હું પોતે ડૉક્ટર હોવાથી ઝડપથી મને રિકવરી આવે એટલે એક્સરસાઇઝ, મેડિટેશન, પોઝિટિવ વાચન કરવા લાગ્યો. મેડિકલ ઓફિસરના સંપર્કમાં રહેતો. ઘરના લોકો ચિંતા ન કરે એટલે કોરોના થયાની જાણ શરૃઆતમાં નહોતી કરી. વીડિયો કોલિંગથી દીકરીને જોઇ. કોરોનાના કેસો ઓછા થયા અને લૉકડાઉન ખૂલ્યું એ પછી અઢી મહિને દીકરીનું મોં જોવા ઘરે ગયો હતો. હવે ફરી પાછો કામે લાગી ગયો છું.' -ડૉ. સરવનાન વીકે, સિવિલ હોસ્પિટલ

બે વર્ષથી હું સિવિલમાં છું, નવ મહિનાથી ઘરે ગયો નથી 

100 દિવસથી 900 ડૉક્ટર ઘરે ગયા વિના કોવિડ વોર્ડમાં સેવા આપી રહ્યા છે 4 - image'માતાએ જ્યારે બાળકને જન્મ આપ્યો હતો, ત્યારે બંને નોર્મલ હતાં પણ બે-ત્રણ દિવસ પછી માતા કોરોના પોઝિટિવ આવતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી, એ વખતે મારી કોવિડમાં ડયુટી હતી. એ મને આજીજી કરી રહી હતી કે, 'ડૉક્ટર ગમે તે કરો, પણ મને સાજી કરી દો. મને કંઇ થઇ જશે તો મારા નવજાત બાળકનું શું થશે.' એ પછી એ બહેનની સ્થિતિ બગડતાં ઓક્સિજન પર રાખવામાં આવી. ૧૨ દિવસ પછી એ બહેનને સારું થઇ ગયું. આવા અનેક પેશન્ટ હોય છે જેમની સાથે ઇમોશનલ એટેચમેન્ટ થઇ જાય છે. બે વર્ષથી હું સિવિલમાં છું. નવ મહિનાથી ઘરે ગયો નથી. કોરોના દર્દીના સંપર્કમાં આવતાં કોરોનાનો શિકાર બન્યો હતો. એ પછી વધુ સાવધાની રાખવાનું શરૃ કર્યું છે. અમારી ડયૂટી નોર્મલ અને કોરોના વોર્ડમાં આવતી રહે છે. આ મહામારી વચ્ચે કામ કરવાની તક મળી અને ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યાં છીએ એનો ગર્વ છે.'-ડૉ. અર્જુન ચૌધરી,  સિવિલ હોસ્પિટલ

આઈસોલેશન દરમિયાન કયારેક જેલ જેવું લાગે છે

100 દિવસથી 900 ડૉક્ટર ઘરે ગયા વિના કોવિડ વોર્ડમાં સેવા આપી રહ્યા છે 5 - imageહું રાજકોટનો છું મારા પરિવારમાં માતા-પિતા અને દાદી છે છેલ્લાં ૫ મહિના ઉપર થઇ ગયું હું ઘરે નથી ગયો અને ૧૦૦ દિવસથી સતત પોસ્ટ આઇસીયુ વોર્ડમાં ફરજ બજાવી રહ્યો છું. માસ્ક, ગ્લવ્ઝ અને પીપીઇ કિટ પહેરી રોજના નવ કલાક ૧૨૦૦ બેડના વોર્ડમાં કામ કરતો હતો અને ૧૦ દિવસ પહેલાં જ હું કોવિડ પોઝિટિવ થયો આ સાંભળીને મારા મમ્મી અને પપ્પા ખૂબ જ ચિંતામાં હતા તેઓ અમદાવાદ મળવા આવવા ખૂબ જીદ કરે છે પણ તેમનો જીવ જોખમમાં ન મૂકાય તે માટે ના પાડી છે ૭ દિવસમાં જ હું ક્યોર થઇ ગાયનેક વોર્ડમાં પોસ્ટ ઇમરજન્સી વોર્ડમાં ડયુટી પર લાગી ગયો છું. ક્યારેક લાગી આવે કે જેલ જેવું થઇ ગયું છે અને દિવસો કાઢવા મુશ્કેલ છે.-ડૉ. પાર્થ હીરપરા, સિવિલ હોસ્પિટલ


Tags :