100 વોલેન્ટિયરે ઓલ્ડ સિટીમાં સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવા ડ્રાઇવ ચલાવી
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન, એલિગ્ઝર ફાઉન્ડેશન, અતુલ્ય વારસો અને રચના હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ અને સેવાની બહેનો એમ ૧૦૦થી વધુ વોલેન્ટિયરે શહેરમાં એક અઠવાડિયાનું સઘન સફાઇ અભિયાન ચલાવ્યું, જેમાં લોકોની ભાગીદારીમાં એક દિવસ માટે હેરિટેજ સ્થળોની સફાઇ કરવામાં આવી. આ અભિયાન શરૃ કરતા પહેલાં વોલેન્ટિયર્સે હેરિટેજ સ્થળોની જાળવણી સાથે હેરિટેજ સ્થળોની સફાઇ રાખવાની સપથ લેવડાવ્યા.
હેરિટેજ સ્થળોની સફાઇ માટે લાંબેશ્વરની પોળ, ખારાકૂવાની પોળ, શાંતિનાથની પોળ અને નિશાપોળની એરિયામાં આસપાસના લોકોની સાથે સંકલન કરી જનરલ ક્લિનિંગ કરી અવેરનેસ ડ્રાઇવ ચલાવી. આ અંગે વાત કરતા એએમસીના હેરિટેજ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર આશિષ ત્રમ્બાડિયાએ કહ્યું કે, સામાન્ય રીતે રસ્તાઓ, ફૂટપાથ અને ઘરની આસપાસના જગ્યાની સફાઇ થતી હોય છે. ચબૂતરાની પાસેનો ઓટલો સાફ થાય છે પરંતુ ચબૂતરો સાફ થતો નથી. પોળના ઘરો અને શેરીઓ સાફ થાય છે પરંતુ પોળની ઓળખસમો પોળનો દરવાજો સાફ થતો નથી તે માટે લોકોને જાગૃત કરવા કેમ્પેઇન ચલાવ્યું.
બાળકોએ ચબૂતરો અને કોતરણીવાળા દરવાજા પહેલી વખત જોયા
ક્લિનિંગ દરમિયાન ન્યુ સિટીના અમુક બાળકોએ પહેલી વખત ચબૂતરો અને કોતરણીવાળા દરવાજા જોયા જેના કારણે તેઓને આમાં ખૂબ રસ પડયો બાળકોએ નિખાલતાથી કહ્યું કે, ચબૂતરો, કૂવા, દરેક સોસાયટીના અલગ નોટીસ બોર્ડ અને પોળના કોતરણી કરેલા દરવાજા આટલા સુંદર અને યુનિક છે તો અહીંના લોકો તેને સાચવતા કેમ નથી?