અડાલજમાં રહેતી અગ્રજા વર્મા 2BHK ઘરમાં 10 સ્ટ્રીટ ડોગ્સની સંભાળ રાખે છે
અગ્રજા વર્મા ડોગ્સને ફૂડ આપવા સાથે સમયાંતરે વેક્સિન પણ કરાવે છે
ભારતમાં સ્ટ્રીટ ડોગ્સને ભાગ્યેજ પ્રેમ મળતો હોય છે, મોટાભાગના લોકો પથ્થર કે લાકડી વડે જ સ્ટ્રીટ ડોગ્સનું સ્વાતગ કરતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો સ્ટ્રીટ ડોગ્સની સંભાળ લેતા જોવા મળે છે. સ્ટ્રીટ ડોગ્સની સંભાળ લેવામાં અડાલજમાં રોયલ રેસીડેન્સીમાં રહેતી અગ્રજા વર્માનો સમાવેશ થાય છે. અગ્રજા સ્ટ્રીટ ડોગ્સને છેલ્લા ત્રણ વર્ષથી સંભાળ રાખે છે, જેમાં તેણી ડોગ્સ માટે ખાવાનું આપવા સિવાય સમયાંતરે વેક્સિન પણ કરાવે છે. અડાલજની અગ્રજા સ્ટ્રીટ ડોગ્સ માટે દિવસમાં ત્રણ વખત જમવાનું આપે છે. ઉપરાંત ડોગ્સ ઘાયલ થાય ત્યારે પણ અગ્રજા ખડેપગે તેની સેવામાં તૈયાર હોય છે. ઉપરાંત અગ્રજા ડોગ્સને પોતાના ઘરમાં રાખીને પણ સેવા કરે છે. અડાલડની ગલીમાં રહેતા ડોગ્સ અગ્રજાને ખૂબ નજીકથી ઓળખે છે. અગ્રજા સીએન ફાઇન આર્ટ્સમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે, અગ્રજાના ડોગ્સ પ્રેમ સીએન કેમ્પસમાં પણ જોવા મળે છે.
માતા-પિતા પણ મારી સાથે સ્ટ્રીટ ડોગ્સને પ્રેમ કરતા થયા છે
સ્ટ્રીટ ડોગ્સ પ્રત્યેનો મારા પ્રેમથી માતા-પિતાને વાંધો હતો. તેઓ મને હંમેશા તેમનાથી દૂર રહેવાનું કહેતા, પરંતુ તેમની સેવા કરવાની મારી વૃતિ જોઇને તેઓ પણ સ્ટ્રીટ ડોગ્સના પ્રેમી બની ચુક્યા છે. આજે હું ૨બીએચકે ઘરમાં ૧૦ સ્ટ્રીટ ડોગ્સની સંભાળ રાખુ છું, તેમને ખવડાવવા ઉપરાંત તેમની સાફ સફાઇ કરવાનું કામ પણ હું જાતે કરૃ છું. ઘણી વખત મારા સ્ટ્રીટ ડોગ્સ પ્રત્યેના પ્રેમને કારણે સોસાયટીમાં મારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે, પરંતુ સ્ટ્રીટ ડોગ્સ પણ લોકોના પ્રેમના હકદાર છે. તેથી બીજા લોકો નહીં તો હું તેમની સેવા કરવા માગુ છું. a- અગ્રજા વર્મા, સ્ટુડન્ટ - સી.એન.ફાઇન આર્ટ્સ
કોલેજના ક્લાસમાં એક ડોગ સાથે બેસતો હતો
સોસાયટીના ડોગ્સની સંભાળ રાખવાની સાથે અગ્રજા સીએન કોલેજના કેમ્પસમાં રહેતા ડોગ્સની સંભાળ પણ રાખે છે. એક સમયે બિમાર ડોગની સેવા કરવાથી ડોગ અગ્રજા સાથે ક્લાસમાં પણ બેસતો હતો. તેવી જ રીતે સોસાયટીના ડોગ્સ પણ અગ્રજાનું સ્વાગત કરવા માટે હંમેશા તૈયાર હોય છે. અગ્રજા કોલેજથી પરત ફરે ત્યારે ડોગ્સ તેણીની સાથે સમય વિતાવે છે.
કારમાં ડોગ્સને વેક્સિન મૂકાવવા માટે લઇ જાય છે
અગ્રજા વર્મા જ્યારે કોલેજમાં અભ્યાસ માટે જાય છે, ત્યારે સ્ટ્રીટ ડોગ્સને ફૂડ આપીને જાય છે. જેમાં ભાત, ખીચડી, છાસ અને બિસ્કિટનો સમાવેશ થાય છે. ઉપરાંત સ્ટ્રીટ ડોગ્સ વરસાદ અને ઠંડીથી બચી શકે માટે અગ્રજા વર્મા ચોમાસા અને શિયાળા દરમિયાન અલગથી સુવિધા ઊભી કરે છે. ડોગ્સને વેક્સિન મુકાવવા કે સારવાર કરાવવા માટે અગ્રજા પોતાની કારનો ઉપયોગ કરે છે. ઉપરાંત નવજાત ડોગ્સની કાળજી રાખવાનું કામ પણ અગ્રજા એકલા હાથે કરે છે.