Get The App

68 વર્ષના અનિલ પટેલે 35 વર્ષમાં 1 લાખ વૃક્ષોનો ઉછેર કર્યો

Updated: Jul 3rd, 2019

GS TEAM

Google News
Google News
68 વર્ષના અનિલ પટેલે 35 વર્ષમાં 1 લાખ વૃક્ષોનો ઉછેર કર્યો 1 - image


મેં આખી જીંદગી વૃક્ષોના ઉછેરમાં કાઢી છે અને મરતા સુધી વૃક્ષોના ઉછેરનો સેવાયજ્ઞા જારી રાખીશ. મર્યા પછી અંતિમ સંસ્કાર માટે લાકડા  બાળવાને બદલે  મેં દેહદાનનો સંકલ્પ લીધો છે, આ વાક્યો છે ૬૮ વર્ષના અનિલ પટેલના. 

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી મધર્સ સ્કુલની પાછળની સોસાયટીમાં રહેતા અનિલ પટેલ સ્ટેટ બેંકમાં નોકરી કરતા હતા. બાળપણથી જ તેમને વૃક્ષોના ઉછેરનો જબરદસ્ત શોખ હતો. જમીનમાં રોપાયેલા નાના છોડને રોજ નિયમીત પાણી પીવડાવવામાં તેમને આનંદ મળતો હતો. પોતાના આ શોખને તેઓ બાળપણથી જ જાળવી રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં લગભગ એક લાખ છોડનો ઉછેર કર્યો છે. 

અનિલભાઈ કહે છે કે, અમે, ૩૫ વર્ષથી ટ્રી લવર્સ ફાઉન્ડેશન ચલાવીએ છીએ. હું અને મારા જેવા બીજા વીસથી પચ્ચીસ જણાં વન વિભાગ કે, કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણ અંતર્ગત રોપાયેલા કુમળા છોડને પાણી પીવડાવીને તેની માવજત કરીએ છીએ. નાના છોડને ઘટાદાર વૃક્ષ બનવામાં બે વર્ષનો સમય લાગે છે અને આ બે વર્ષના સમયગાળામાં એકપણ દિવસ રજા પાડયા વિના અમે નિયમીત તેને પાણી પીવડાવતા રહીએ છીએ.

અત્યાર સુધીમાં અમે શહેરમાં એકલાખથી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે. અમારી સાથે ઘણા સુશિક્ષીત લોકો જોડાયા છે. જેમાં ડોક્ટર, સાયન્ટીસ્ટ  અને બિઝનેસ પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. અમે, અમારા વ્યસ્ત શિડયુઅલમાંથી દરરોજ સવારે એક કલાક કાઢીને વૃક્ષોને પાણી આપીએ છીએ. પ્રકૃતિએ માનવ સમાજને ઘણુ આપ્યુ છે અને અમે વૃક્ષોના ઉછેરના માધ્યમથી કુદરતનું ઋણ ચુકવી રહ્યા છે. 

અમે, જમીનમાં ખાડો ખોદીને રોપાયેલા નાનકડા છોડને ઘટાદાર વૃક્ષ બનવા સુધી તેના ઉછેર અને સંરક્ષણની જવાબદારી નિભાવીએ છીએ. છોડના રોપાયાના બે વર્ષ સુધી તેની દેખભાળ રાખ્યા બાદ  બાદ અમે કાર્યક્રમ યોજીને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેનું પૂજન અર્ચન કરીએ છીએ. ત્યારપછી વૃક્ષની આરતી કરીને એકબીજાને શુભેચ્છા પાઠવીએ છીએ. હાલમાં અમે ગોત્રી વિસ્તારમાં આવેલા ગેરી કંપાઉન્ડમાં ૧૪,૦૦૦ વૃક્ષોના વાવેતર અને ઉછેરના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ અમે ગોત્રી મેડિકલ કોલેજમાં ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કર્યો હતો. અમે પ્રકૃતિ પ્રેમી છીએ અને સીધી ભાષામાં કહીએ તો ટ્રી લવર્સ છીએ. અમારા માટે વૃક્ષ સૌથી અમૂલ્ય છે અને તેને કપાતુ અટકાવવા માટે અમે અનેક પ્રયાસો કરીએ છીએ.

હાલમાં અમારો બીજો પ્રોજેક્ટ પણ ચાલે છે જેમાં અમે જૂના કપડા ઉઘરાવવાનું કામ કરીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે, એક પેન્ટનું કાપડ બનાવવા માટે કપડાની મીલનું ૮૦ લીટર પાણી વેડફાય છે એટલે અમે, પાણી બચાવવા માટે શહેરમાંથી જૂના કપડા ઉઘરાવીને ગામડાના ગરીબોને આપીએ છીએ. તમે જાણતા જ હશો કે, લાકડાના માવામાંથી કાગળ બને છે. જેથી કાગળ બચાવવા માટે અમે જૂના મેગેઝીનો ઉઘરાવીએ છીએ અને હોસ્પિટલો તથા મંદિરમાં આપી દઈએ છીએ. જેનાથી જૂના મેગેઝીનોનો રીયુઝ થાય છે. ૬૮ વર્ષના ટ્રિ લવર અનિલભાઈ ગર્વથી કહે છે કે, જીવનના અંતિમ ક્ષણ સુધી હું વૃક્ષોના ઉછેરની જવાબદારી નિભાવીશ અને મૃત્યુ પછી દેહદાન કરીને અંતિમ સંસ્કાર માટે વપરાનારા ૨૦ મણ લાકડાનો વ્યય નહીં થવા દઉં.

ડોકટર હોય કે, પછી કંપનીના સીઈઓ તમામ લોકો પ્લાસ્ટિકના કેરબા ભરેલી લારી ધકેલે છે 

અનિલભાઈ કહે છે ક, વૃક્ષોનાં ઉછેરમાં મદદ કરતા કાર્યકરો જ અમારી સાચી તાકાત છે. અમારી સાથે ડોક્ટરો, વિદ્યાર્થીઓ, ધાર્મિક તથા સામાજીક સંસ્થાના લોકો, બિઝનેસ પ્રોફેશનલ્સ જોડાયેલા છે જેઓ રોજ સવારે સાત વાગ્યે અમારી સાથે વૃક્ષોને પાણી પીવડાવવા આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ડોક્ટર હોય કે, કોઈ કંપનીના સીઈઓ હોય તમામ લોકો પ્લાસ્ટિકના કારબા લારી ઉપર મુકીને વૃક્ષોને પાણી પીવડાવવા નીકળે છે. અમે, અત્યાર સુધીમાં વડોદરા શહેરના ૬૧ મુખ્યમાર્ગો ઉપર દર વીસ ફુટે વૃક્ષારોપણ કર્યુ છે અને તેઓને બે વર્ષ સુધી પાણી પીવડાવીને મોટા પણ કર્યા છે. અમે શહેરની ૨૬૨ સોસાયટીઓના કોમન પ્લોટોને વૃક્ષારોપણ કરીને હરિયાળા બનાવ્યાં છે.  વૃક્ષોને બચાવવા માટે સાત સોસાયટીઓના કોમન પ્લોટો ઉપર થતા બાંધકામ ઉપર કોર્ટનો સ્ટે મેળવ્યો છે. 

Tags :