તાલાલાનાં વાડલાથી જાનમાં ગયેલા આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મોત
- સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવતા કાર વૃક્ષ સાથે ટકરાઈ
- વરરાજાની કાર લઈ મિત્રો સાથે ચક્કર મારવા નિકળ્યો હતો ત્યારે બનાવ: અન્ય પાંચ યુવાનને ઈજા
તાલાલા ગીર, તા. 15 નવેમ્બર 2019, શુક્રવાર
તાલાલા તાલુકાના વાડલા ગીર ગામેથી આંકોલવાડી ગામે જાનમાં આવેલ આશાસ્પદ પટેલ યુવાન પાર્થ કુમાર પ્રવિણભાઈ અજુડીયા (ઉ.વ.૨૩)નું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પટેલ પરીવારના એકના એક યુવાન પુત્રના અવસાનના સમાચાર વાડલા ગીર ગામમાં આવતા ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.
તાલાલા વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરાવનાર આ બનાવ અંગે વાડલા ગીર ગામેથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા ગીરના આંકોલવાડી ગીર ગામે લગ્નની જાનમાં આવેલા વાડલાના યુવાનો આંકોલવાડી ગીરથી બામણાસાગીર સુધી ચક્કર મારવા નિકળ્યા હતાં અને પરત ફરતી વખતે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ચાલક પાર્થનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. વાડલા ગીર ગામનો યુવાન આંકોલવાડી ગીર ગામે સબંધીને ત્યાં લગ્નમાં વરપક્ષ સાથે આવ્યો હતો.
વરરાજા ભદ્રેશભાઈ અજુડીયાની કાર લઈ પાર્થ અજુડીયા તેમના મિત્રો અને સબંધીને લઈ આંકોલવાડી ચોકડીથી બામણાસા ગીર ગામે ચક્કર મારવા અને પાન માવો ખાવા નીકળ્યા હતાં. બામણાસા ગીર ચેક પોસ્ટ પાસે પાન ખાઈ આંકોલવાડી ગીર પરત આવતા હતા. એ વખતે કર્મદીપ ફાર્મ પાસે પાર્થે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આથી કાર રોડ પરથી નીચે ઉતરી ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં કારમાં બેઠેલ ઈજા પામેલ પાંચેય યુવાનો ને સારવાર માટે તાલાલા લાવવામાં આવ્યા હતાં. જયાં પાર્થને ફરજ પરના તબીબ ડો. કોડીયાતરે મૃત્યુ પામેલ જાહેર કર્યા હતાં. જયારે ઈજા ગ્રસ્ત ડેનીશ અરવિંદભાઈ વેકરીયા (ઉ.વ.૨૨ રે. જામવાળા) જયદીપ ઘનશ્યામભાઈ ચોથાણી (ઉ.વ.૨૨ રે. બોરવાવ ગીર) શ્યામ ભરતભાઈ અજુડીયા (ઉ.વ.૨૦ રે. વાડલા ગીર) ચીરાગ મનસુખભાઈ સંઘાણી (ઉ.વ.૨૩ રે. રાજકોટ)ને સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માતની જાણ થતા લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.