કોડીનાર તાલુકામાં ઈકો-સેન્સીટીવ ઝોનમાં થતી બેફામ ખનિજચોરી
- લાઈમ સ્ટોનની ગેરકાયદે ચોરી સામે તંત્રનાં આંખ આડા કાન
કોડીનાર, તા. ૨૭ મે, ૨૦૨૦, બુધવાર
ગીર જંગલને અડીને આવેલા કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામની સીમમાં ઈકોસેન્સેટીવ ઝોનના પ્રતિબંધીત વિસ્તારમાં કોડીનારની ખાનગી કંપનીએ લાઈમ સ્ટોનની ગેરકાયદે ખનન પ્રવૃતિ ચાલુ કરતા ઘાંટવડ ગ્રામ પંચાયતના અન્ય એ રાજયનાં મુખ્ય મંત્રી સહિતનાં લાગતા વળગતા તમામ તંત્રને એક વિસ્તૃત પત્ર પાઠવી ગેરકાયદે ખનન બંધ કરાવવા રજૂઆત કરી છે.
કોડીનારમાં આવેલી ખાનગી સીમેન્ટ કંપનીએ અંદાજે ૨૫ વર્ષ પહેલા ઘાંટવડ, કંસારીયા, ચીડીવાવ સહિતના ગામોમાં ખેડૂતો પાસેથી અંદાજે ૯૦૫ હેકટર જમીન ખરીદી હતી. લાઈમ સ્ટોનથી ભરપુર આ જમીનમાં ખાનગી કંપની ખનન કામ કરે તે પહેલા આ તમામ ગામોની જમીન ગીર જંગલને અડીને આવેલી હોઈ ઈકો સેન્સેટીવ ઝોનમાં કાયદા મુજબ ગ્રામજનોએ જે તે સમયે લડત ચલાવી હતી. અને છેવટે આ પ્રતિબંધીત વિસ્તાર જાહેર કરાતા અને આ વિસ્તારમાંથી ખનન કરવા પરવાનગી મળી ન હતી.
જે તે સમયે પાણીના ભાવે ખેડુતોએ ઉદ્યોગ હેતુ માટે વેચેલી જમીનને ઈલેસેન્સેટીવ ઝોનનું ગ્રહણ લાગતા મહેસુલ કાયદા મુજબ જે તે ઉદ્યોગ તેનો હેતુ નિયત સમયમાં સિધ્ધ ન કરે તો આ તમામ જમીન મુળ માલીકને પરત થાય છે. જે અંગે આ વસિતારના ખેડુતો હાઈકોર્ટમાં જવા પણ તજવીજ હાથ ધરી છે, ત્યારે કોડીનારનાં ઘાંટવડ ગામનાં ગાયત્રી મંદિરના સામાભાગે જમીનમાં ખાનગી કંપની દ્વારા તેમના મળતીયા માણસોને મોકલી ગેરકાયદે ખનન પ્રવૃતિ હાથ ધરતા ઈકોસેન્સેટીવ ઝોનમાં આવી પ્રવૃતિ ચાલતી હોય તેને બંધ કરાવવા અને ખનનનું સર્વે હાથ ધરી નિયમ મુજબ રોયલ્ટી દંડ વસુલ કરવા માટે તંત્રમાં રજૂઆત કરી છે.
નોંધનીય છે કે, ગીર જંગલને અડીને આવેલા ઘાંટવડ, કંસારીયા, નગડલા, જામવાળા, હરમડીયા, એનીલવડ, પીછવા, પીછવી સહતના ગામોની સીમની જમીનમાં ભરપુર લાઈમસ્ટોનનો ખજાનો દટાયેલો પડયો છે. દોઢ દાયકા પહેલા આ વિસ્તારમાં અનેક જગ્યાએ ખાણ માફીયાઓ દ્વારા ગેરકાયદે લાઈમ સ્ટોન કઢાતો હોઈ જે તે સ,મયે આરટીઆઈ કાર્યકરે ગીરની પ્રાકૃતિક સંપ્રદા લુંટાતી બચાવવા રીતસર અભીયાન ઉપાડયું હતું. પરિણામે ૨૦૦૮ માં રાજસરકાર સફાળી જાગી હતી. અને અનેક જગ્યાએ ચાલતી બેલાસ્ટોનની ચકરડીઓ જપ્ત કરી કરોડો રૂા.નો રોયલ્ટી દંડ સહિતની કાર્યવાહી કરી હતી. પરંતુ બંધ પડેલી આ પ્રવૃતિ ફરી છેલ્લા કેટલાક સમયથી ચાલુ થઈ છે. આ પ્રવૃતિ કરનારા ખાણ માફીયાઓને રાજયનું ખાણ ખનીજ તંત્ર, મહેસુલ તંત્ર અને પોલીસતંત્ર પુરતી મદદ કરી રહ્યું છે. હાલ લોકડાઉન ચાલે છે છતાં આ વસિતરામાં સંખ્યાબંધ સ્થળે ગેરકાયદે ખનન પ્રવૃતિ ચાલુ હોઈ આ બાબતે ગીરની પ્રાકૃતિક સંપ્રદા નષ્ટ થતી બચાવવા માટે આ પ્રવૃતિ ઉપર તાત્કાલીક રોક લગાવવા કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રકૃતિ પ્રેમીની માંગણી છે