બોડીદરના પરિવાર પર ઉપરાઉપરી થપાટ: બે પુત્ર બીમાર, પિતા ઘર મૂકી પલાયન
- અકસ્માતને લીધે એક દીકરો કોમામાં, બીજાને લકવો
- ગુજરાન ચલાવવાની જવાબદારી દીકરી પર
ડોળાસા, તા. 11 જુન 2020, ગુરુવાર
ગીરગઢડા તાલુકાના બોડીદર ગામમાં રહેતા માનુબેન ચૌહાણ(46)ના પરિવાર પર કુદરતે ઉપરાઉપર એવી કારમી થપાટો મારી કે એને સાંભળીને ભલભલા પાષાણ હૃદય પણ પીગળી જાય.
પતિ ભાણાભાઈ રામજીભાઈ ચૌહાણ(48) ભાડાની રીક્ષા ચલાવતા. દીકરો દીનેશ પથ્થર ચડાવવા-ઉતારવાની કાળી મજૂરી કરતો. પુત્રી સેજલ માતા સાથે ખેતમજૂરીએ જતી. આ રીતે પરિવારના તમામ સભ્યો નાનુંમોટું મજૂરીકામ કરતા. એ દરમ્યાન મોટી પુત્રી સોનલ ઉના તાલુકાના ઓલવણ ગામે પરણાવી. સૌનું જીવન આનંદપૂર્વક પસાર થતું હતું. જોકે કાળના ગર્ભમાં કંઈક જુદું જ છુપાયું હતું.
ફેબ્રુઆરી 2019માં નાના પુત્ર ભરતને કોડીનાર જતી વખતે અકસ્માત નડ્યો અને કોમામાં સરી પડ્યો. સારવાર બાદ પણ તે કોમામાંથી બહાર ન આવ્યો. છેવટે તેને ઘરે લાવવામાં આવ્યો. દરમ્યાન ગામલોકો પણ પરિવારની કરતા રહ્યા. જોકે ભરતની સારવાર પાછળ પરિવાર એટલો ઘસાઈ ગયો કે એમને ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા. પણ કુદરતે હજી એનાથીય વધુ કપરા દિવસો પરિવાર માટે લખ્યા હતા.
6 મહિના થયા ત્યાં ભરત માટે દેશી દવા લેવા ઉના જઈ રહેલા એના મોટા ભાઈ દીનેશને માર્ગ અકસ્માત નડ્યો. એ બનાવનો આઘાત એટલો લાગ્યો કે એના પિતા ભાણાભાઈ બીજા જ દિવસે ઘર છોડીને પલાયન થઈ ગયા. એમનો આજ સુધી પતો લાગ્યો નથી. કમનસીબે સારવાર બાદ દીનેશ પર પક્ષાઘાતની અસર થઈ અને એનું અડધું શરીર કામ કરતું બંધ થયું. પરિવાર ચલાવવાની જવાબદારી સેજલ પર આવી પડી છે. તેણે તો યુવાનીમાં જોયેલા શમણાં પણ દફનાવી દેવા પડ્યા.