ભકત પ્રહલાદને ઉગારનાર ભગવાન નૃસિંહના ત્રણ મંદિરો પ્રભાસમાં આવેલા છે
સોમનાથના દેવાલયોમાં હોળી - ધુળેટી પર્વ ઉજવાશે સોમનાથ - વેરાવળમાં ત્રણ સ્થળોેએ કાળભૈરવ દાદાની માટીની મૂર્તિઓની સ્થાપના કરાશે : સોમનાથમાં પ્રગટ થતી હોળીની ધજા હોળીની ઝાળમાં પવનથી કંઇ દિશામાં ઉડીને જાય છે. તેના ઉપર આગામી વરસ ભવિષ્ય અવલોકના થાય છે.
પ્રભાસપાટણ, : વસંતના આગમનને વધાવતો રંગભરી પીચકારીઓની સાથોસાથ બાલકૃષ્ણની લીલાના પદો અને આસુરીવૃતિ ઉપર દૈવી શક્તિનો વિજય એવા હોળી - ધૂળેટીના તહેવારોના રંગ - રાસ અને ભક્તિથી ભીંજાવા સોમનાથ પંથકમાં ખૂબ જ ઉત્સાહ છે.
હોળી પર્વની કથાનકમાં શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ કરાયો છે. તેવા ભક્ત પ્રહલાદને ઉગારનાર નૃસિંહ ભગવાનના ત્રણ મંદિરો પ્રભાસમાં આવેલાં છે. જેમાં એક ગીતા મંદિર પછીના ભીમાઘાટ પછી બીજું શારદા મઠમાં અને ત્રીજું પાટ ચકલામાં આવેલ છે.
પ્રભાસ તીર્થના પ્રાચીન - દિવ્ય અને દર્શનીય શ્રી દૈત્યસુદન ભગવાન મંદિરના પુજારી અનિરૂધ્ધ ભટ્ટ કહે છે. આ ઠાકોરજીના મંદિરમાં વસંતપંચમીથી જ ભગવાનને શ્વેત ઝરીવાળાં વસ્ત્રો અને તેની ઉપર અબીલ ગલાલ છંટકાવ અને કેસુડાના રંગ છાંટણા તથા ખજૂર - દાળીયા - ધાણી રાજભોગ ધરવામાં આવે છે. અને હોળીના દિવસે રાળની હોળી પ્રગટાવાય છે. પરંતુ આ વરસે મંદિર ખાતે ફૂલડોળ તા. ૮ને બુધવારે યોજાશે.અને ફૂલડોળના દિવસે ભગવાનના સાત પ્રકારના દર્શન યોજાય છે. જેમાં ગોવાળીયા, શંકર, રામચંદ્ર, બળદેવજી, વામનજી, શગાળાશા શેઠ અને રાધાજી હાલ પણ મંદિરમાં ભગવાનના દ્વાર પાસે કેળના બે થાંભલાઓ અને તેની ઉપર આંબા પાનના વૃક્ષોના પાન વીટાળી તેની ઉપર ગલાલ છાંટી તહેવાર આગમન અનુભૂતિ થાય છે.
સોમનાથ પંથકમાં ત્રણ સ્થળે હોળી - ઘૂળેટીમાં કાળ ભૈરવની માટીની મૂર્તિ પ્રતિષ્ઠીત કરી તેમની સમીપે હોળી પ્રાગટય - પૂજન - આસ્થા માનતા અને દર્શન કરાય છે. તો જૂના સોમનાથ મંદિર પાસે આવેલું એક મંદિર વર્ષમાં માત્ર બે - ત્રણ વાર જ ખૂલે છે. તે મંદિર ધૂળેટી પૂર્ણ થયા પછી રાત્રીના દર્શન માટે ખુલ્લું રહે છે.
હોળી પ્રાગટય બાદ જુદા જુદા સમાજોની સમુહમાં વાડ ચકલામાં આવે છે. જે ઢોલ શરણાઇ અને ગીતો ગાતા બહેનો ત્રાંબાના કળશ અને શ્રીફળ રાખી હોળીની પ્રદક્ષિણા કરે છે. આ વાડમાં સમાજનો તમામ વર્ગ જોડાય છે. પરંતુ અગ્રેસર ગત વરસે લગ્ન થયેલા નવદંપતીઓ તથા ગત વરસે જન્મેલા સંતાનોને હોળી પ્રદક્ષિણા કરાવાય છે. કેટલીક શેરીઓમાં હોળીની રાત્રે બહેનો રાસ - ગરબા - દાંડીયા રસ લઇ પર્વ ઉલ્લાસ અભિવ્યક્તિ કરે છે. બજારોમાં તો ઠેર - ઠેર ધાણી, દાળીયા, ખજૂર, પીચકારીઓ, રંગબેરંગી રંગો, ટોપરા અને શ્રીફળો મુખ્ય આકર્ષણ બન્યાં છે.