ગીર સોમનાથ જિલ્લામાં મેઘપ્રકોપનાં કારણે હજુ 13 માર્ગો બંધ:અનેક ગામડા વિખુટા
- સૌરાષ્ટ્રમાં મેઘવિરામ: વરાપ નિકળતા હાંશકારો
- ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકામાં યુધ્ધનાં ધોરણે રાહત-બચાવ કામગીરી શરૂ
(પ્રતિનિધિઓ દ્વારા)રાજકોટ, તા. ૧૯ જુલાઇ 2018, ગુરૂવાર
સૌરાષ્ટ્રમાં છેલ્લા ૧૨ દિવસતી અવિરત વરસી રહેલા મેઘરાજાએ આજે વિરામ લેતાં મોટા ભાગનાં શહેરો - ગામોમાં સૂર્યનારાયણનાં દર્શન થવા સાથે વરાપ નિકળવાથી લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. બીજી તરફ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મેઘપ્રકોપથી થયેલી તારાજીનો તાગ મેળવવા આજથી વહિવટી તંત્રએ પણ યુધ્ધનાં ધોરણે કવાયત શરૃ કરી હતી. ઉના, ગીરગઢડા, કોડીનાર, માણાવદર, માળીયા હાટીના, કેશોદ અને માંગરોળ તાલુકામાં ભારે વરસાદથી તૂટેલા પુલ - રસ્તા તેમજ જળબંબાકાર સ્થિતિનાં કારણે આજે પણ અનેક ગામડા વિખુટા રહ્યાં હતાં.
ગીર સોમનાથ જિલ્લામાં મેઘપ્રકોપનાં કારણે આજે પણ ૧૩ માર્ગો ઉપર વાહન વ્યવહાર ચાલુ થઈ શકે નહીં એવી હાલત રહી હતી. ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકામાં ભારે વરસાદથી ૪૨૩ કાચા પાકા મકાનો ધરાશાયી થવા ઉપરાંત ૭૧ પશુઓનાં મોત થયા હોવાનું આજે વહિવટી તંત્રનાં પ્રાથમિક સર્વેમાં જણાયું હતું.
હજુ ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ થાળે પાડતા ૪-૫ દિવસ લાગશે, એવું પણ સરકારી તંત્રએ સ્વીકાર્યું હતું.
ભારે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકાનાં અસરગ્રસ્ત વિસ્તારોની આજે માર્ગ પરિવહન સચિવ સુનયના તોમરે મુલાકાત લઈને સ્થિતિ જોઈ કલેકટર સહિતનાં અધિકારીઓની બેઠક બોલાવી જરૃરી સુચનાઓ આપી હતી.
જેના પગલે કલેકટર અજયપ્રકાશ અને પ્રાંત અધિકારી મહેશ પ્રજાપતિએ વિવિધ વિબાગનાં અધિકારીઓ સાથે ચર્ચા કરીને રસ્તા પુલનાં ધોવાણ, જમીન - ખેતીપાકનાં નુકસાન, મકાન - ઘરવખરી તથા માનવ - પશુહાનીનો તાકિદે સર્વે - રીપોર્ટ તૈયાર કરવાનો હુકમ કર્યો હતો.
આ માટે જિલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં ગ્રામ્ય વિસ્તારો માટે ખાસ સર્વે ટીમો પણ બનાવાી હતી. આ દરમિયાન આજે વેરાવળ પ્રભાસ પાટણનાં અસરગ્રસ્ત વિસ્તારોની પ્રભારી સચિવ અને નગરપાલિકા પ્રાદેશિક નિયામકે મુલાકાત લઈને ત્રણ દિવસમાં પાણીનો નિકાલ કરવા તથા સઘન સફાઈ હાથ ધરવા સુચના આપી હતી.
સોમનાથ જિલ્લાનાં અંતરીયાળ ગામડા સુધી આજે એનડીઆરએફની ટીમો સાથે વીજ અને આરોગ્ય તંત્રની ટુકડીઓ માંડ સંપર્ક સાધી શકી હતી. ઉનાનું ખત્રીવાડા ગામ હજુ બેટમાં ફેરવાયેલું હોવાથી રેસ્કયુ ટીમ બોટ લઈને પહોંચી હતી. જયાં બે સગર્ભા મહિલા , એક હૃદયરોગનાં દર્દી સહિત ૩૦૦ જેટલા ગ્રામજનોનાં જરૃરી નિદાન સારવાર કરાયા હતાં.
આ સાથે ૨૦૦૦ જેટલા ફૂડ પેકેટ પણ પહોંચાડાયા હતાં. જયારે માણેકપુર ગામે જરૃર મુજબ ડુંગળી - બટેટાનો જથ્થો મકોલાયો હતો. ૧૦૦ મેડીકલ ઓફિસર સહિત આરોગ્ય વિભાગનાં ૫૦૦ જેટલા કર્મચારીઓ પણ ગ્રામીણ વિસ્તારોમાં રોગચાળો પ ્રસરે નહીં તેની જવાબદારી સોંપાઈ છે. જયારે વીજતંત્રની ૩૬ ટીમોએ દિવસ રાત દોડધામ કરીને આજે સાંજ સુધીમાં અસરગ્રસ્ત ૧૧૨ ગામોમાં વીજ પ ુરવઠો પુર્વવત કરતા ગ્રામીણ લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.
કોડીનાર તાલુકામાં પણ ભારે વરસાદ અને સાંગાવાડી નદીનાં ઘોડાપુરે તારાજી સર્જી છે. જેમાં ાજે પણ ૧૦ ગામડા વિખુટા રહ્યાં હતાં. એભલવડ ગામ તો ૧૦ દિવસથી બેટમાં ફેરવાઈ ગયું છે. ગામ બહાર નિકળવાનો એક પણ રસ્તો નહીં બચતા લોકો રેલ્વે લાઈન ઉપરથી જીવનાં જોખમે પસાર થઈ રહ્યાં છે.
એ જ રીતે માણાવદરનાં સંપર્ક વિહોણા પાદરડી ગામે તો આજે કલેકટર સહિતની ટીમ પણ જઈ શકી નહોતી. અન્ય ગામોની સ્થિતિ પણ હજુ વિકટ રહી છે. ઉનાનાં અમોદ્રા ગામે પણ તંત્ર પહોંચી શકયું નથી. જયારે લેરકા ગામે આજે એનડીઆરએફની ટીમે પહોંચીને ફૂડ પેકેટ આપ્યા હતાં.
સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ અને ઉનામાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. પોરબંદર, રાણાવાવ, ડોળાસા સહિતનાં શહેરો - ગામોમાં ઝાપટાથી અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. અવિરત ચાલુ રહેલા વરસાદ બાદ આજે એકંદરે મેઘવિરામ રહ્યો હતો.